Lalu Prasad Yadav Land For Job Case: દેશના પૂર્વ રેલવે મંત્રી લાલુ યાદવ સામે સીબીઆઈ એ એક કેસમાં મોટો દાવો કર્યો છે. સીબીઆઇએ બુધવારે દિલ્હીની એક કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે જે લોકો પોતાના નામ પણ લખી શકતા નથી તેમને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને કથિત રીતે જમીનના ટુકડા ભેટમાં આપવાના આરોપમાં ભારતીય રેલવેમાં ગ્રૂપ ડીની નોકરી આપવામાં આવી છે.
રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગનેની અદાલતમાં સીબીઆઈ તરફથી હાજર રહેલા વરિષ્ઠ ન્યાયાધીશ અને વિશેષ સરકારી વકીલ ડી.પી.સિંહે દલીલ કરી હતી કે, “હસ્તાક્ષર, ટ્રાન્સફર સર્ટિફિકેટ અને માર્કશીટ તમામ બનાવટી હતી… તેમની અરજીઓમાં, ઉમેદવારોએ તે શાળાઓનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેઓ ક્યારેય રજિસ્ટર્ડ ન હતા. ”
ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, ન્યાયાધીશે કોર્ટમાં પૂછ્યું, “શું તેને લાયક બતાવવા માટે કોઈ કૌભાંડ કરવામાં આવ્યું હતું?” જેના પર ડીપી સિંહે કહ્યું, “હા, નોકરી માટે અરજી કરવા માટે, તે બતાવવું જરૂરી છે કે તમે ધોરણ 8 પાસ કરી ચૂક્યા છો.”
જ્યારે ન્યાયાધીશ ગોગને સવાલ કર્યો કે, શું આ લોકો આઠમું ધોરણ પાસ નથી કર્યું તો સિંહે જવાબ આપ્યો, “હા, તેઓ તેમના પોતાનું નામ પણ લખી શકતા નથી.” એક એવી શાળા હતી જ્યાં વિદ્યાર્થીઓ ન હતા. આ શાળા બોગસ સર્ટિફિકેટ બનાવવા માટે હતી. ”
શું છે કેસ?
લાલુ પ્રસાદ યાદવ પર આરોપ છે કે તેમણે 2004થી 2009 વચ્ચે રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રેલવેમાં ગ્રૂપ ડીની વૈકલ્પિક નોકરીઓમાં કરવામાં આવેલી નિમણૂકોના બદલામાં સસ્તા દરે જમીન ટ્રાન્સફર કરી હતી. એજન્સીએ આ કેસમાં 102 લોકોને આરોપી તરીકે નામ આપ્યા છે અને હાલમાં આરોપો ઘડવા અંગે દલીલોની તૈયારી ચાલી રહી છે.
સીબીઆઈની ચાર્જશીટ મુજબ આ કથિત કૌભાંડમાં નોકરી શોધનારાઓએ રજૂ કરેલા દસ્તાવેજોમાં ગંભીર વિસંગતતાઓ જોવા મળી હતી. દાખલા તરીકે, કેટલાક ઉમેદવારો પાસે તેમની જાતિ અને રહેઠાણના પ્રમાણપત્રો પર રોલ નંબર હતા, જે સૂચવે છે કે આ પ્રમાણપત્રો “એક જ વારમાં અને એક સામાન્ય હેતુ માટે” મેળવવામાં આવ્યા હતા.
ડી.પી.સિંઘે જણાવ્યું હતું કે, જમીનના અનેક સોદાઓમાં બધું જ રોકડમાં જ થતું હતું. તે પણ શંકાસ્પદ છે કે ઘણા સોદાઓમાં, જમીન (લાલુ અને પરિવારને) 60 ટકા થી ઓછા ભાવે વેચવામાં આવી હતી. સીબીઆઇના જણાવ્યા અનુસાર લાલુ પ્રસાદ યાદવે પોતાના પદ દ્વારા રેલવેના ઘણા અધિકારીઓને પ્રભાવિત કર્યા અને તે જમીન માલિકો અને તેમના પરિવારના સભ્યોની નિમણૂક કરી, જેમની જમીનમાં તેમને રસ હતો.
સીબીઆઈની ચાર્જશીટમાં વધુ ગંભીર આરોપો
સીબીઆઇની ચાર્જશીટમાં જણાવાયું છે કે નોકરીના બદલામાં ઉમેદવારોએ લાલુ પ્રસાદ યાદવને ખૂબ જ રાહત દરે સીધી રીતે અથવા તો તેમના સંબંધીઓ અથવા પરિવારના સભ્યો દ્વારા જમીન વેચી હતી.
ચાર્જશીટમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લાલુ યાદવના પરિવારે માત્ર 26 લાખ રૂપિયામાં 1 લાખ ચોરસ ફૂટથી વધુ જમીન હસ્તગત કરી હતી, જ્યારે તે સમયે સર્કલ રેટ મુજબ જમીનની કિંમત 4.39 કરોડ રૂપિયાથી વધુ હતી. સોમવારે, સીબીયુએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે એક જ દિવસમાં અનેક નોકરીની અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે આ પ્રક્રિયા બોજારૂપ હતી. ડી.પી.સિંહે એવી દલીલ પણ કરી હતી કે આ વૈકલ્પિક નોકરીઓ માટે કોઈ જાહેરાત પાડવામાં આવી નથી.





