દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ અટકે તેમ લાગતું નથી. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનો અધિકાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કેન્દ્ર સરકાર શુક્રવારે મોડી રાત્રે વટહુકમ લાવીને ગ્રુપ એ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનો અધિકાર ફરીથી દિલ્હીના ઉપરાજ્યપાલને સોંપવામાં આવ્યો છે. આ સાથે જ કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠના નિર્ણયની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બંધારણીય બેંચના નિર્ણયની સમીક્ષા કરવાની વિનંતી કરી છે. 11 મેના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે દિલ્હી સરકારને દિલ્હીમાં ગ્રુપ એ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ કરવાનો અધિકાર રહેશે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે 19 મેના રોજ દિલ્હી સરકારના અધિકારો પર અધ્યાદેશ જાહેર કર્યો હતો. અધ્યાદેશ અનુસાર દિલ્હીમાં અધિકારીઓની બદલી/પોસ્ટિંગ પર અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલ લેશે. સાથે જ સંસદમાં છ મહિનાની અંદર આને લઇને કાયદો પણ બનાવવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા અધ્યાદેશમાં નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટી બનાવવામાં આવશે. કયા અધિકારીની બદલી ક્યારે કરવી તે આ ઓથોરિટી બહુમતીથી નક્કી કરશે. આ ઓથોરિટીમાં ત્રણ સભ્યો હશે, તેમાં મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી અને પ્રિન્સિપલ સેક્રેટરી હોમ રહેશે.
આ પણ વાંચો – ભૂતકાળની યાદો સાથે પાર્ટીશન મ્યુઝિયમ મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું
આમ આદમી પાર્ટીએ આ અધ્યાદેશ લાવવા માટે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પીએમ મોદી દિલ્હીના લોકપ્રિય સીએમ જેમને દિલ્હીની જનતાએ ત્રણ વખત જંગી બહુમતી સાથે ચૂંટ્યા છે, પીએમ મોદી તેમનાથી એટલા ડરી ગયા છે કે તેમનો એકમાત્ર હેતુ કેજરીવાલને દિલ્હીની જનતા માટે કોઈ કામ કરવા દેવાનો નથી. ભલે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અધ્યાદેશ લાવવો પડે. આ ઇમરજન્સી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે વડાપ્રધાને પિતાની ભૂમિકા ભજવવાની છે. આ એક એવા પિતા છે જે પોતાના બાળકોની લોકશાહી-બંધારણનું ગળું દબાવવામાં લાગ્યા છે. પીએમ મોદીને સંવિધાનમાં વિશ્વાસ નથી, ફક્ત તાનાશાહી ચલાવવી છે.
સંજય સિંહે કહ્યું કે તેમનો અધ્યાદેશ કહે છે 2 અધિકારીઓ મુખ્યમંત્રીથી ઉપર છે. તો પછી દિલ્હીમાં ચૂંટણીનો, માનનીય સુપ્રીમ કોર્ટના આદેશનો શું મતલબ રહી જાય? દિલ્હીમાં ગરીબોના બાળકને સારું શિક્ષણ મળી રહ્યું છે તે મોદી જી પસંદ નથી. સવાલ અરવિંદ કેજરીવાલનો નહીં પરંતુ લોકતંત્રનો છે.