ભાજપે ચંદીગઢ મેયરની ચૂંટણી જીતી, અરવિંદ કેજરીવાલે કહ્યું – ધોળા દિવસે છેતરપિંડી થઇ

Chandigarh Mayor Election : ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરને 16 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા આપના કુલદીપ કુમારને માત્ર 12 મત જ મળી શક્યા હતા. આ ચૂંટણીમાં 8 મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. કુલ 36 મત હતા

Written by Ashish Goyal
Updated : January 30, 2024 17:13 IST
ભાજપે ચંદીગઢ મેયરની ચૂંટણી જીતી, અરવિંદ કેજરીવાલે કહ્યું – ધોળા દિવસે છેતરપિંડી થઇ
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરે જીત મેળવી (Express photo by Jasbir Malhi)

Chandigarh Mayor Election : ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરને 16 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા આપના કુલદીપ કુમારને માત્ર 12 મત જ મળી શક્યા હતા. આ ચૂંટણીમાં 8 મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. કુલ 36 મત હતા.

મેયરની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ કોર્પોરેશન બિલ્ડિંગમાં વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન આપના મેયર પદના ઉમેદવાર કુલદીપ કુમાર ભાવુક થઇ ગયા હતા.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાઉન્સિલરોએ મેયરની ચૂંટણી બાદ યોજાયેલી ડેપ્યુટી મેયરની ચૂંટણી અને સિનિયર ડેપ્યુટી મેયરની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. બંને પક્ષના કાઉન્સિલરોએ વિરોધમાં આ ચૂંટણીમાં મત આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે ભાજપના ઉમેદવાર રાજીન્દર કુમાર ચૂંટાયા હતા.

સીએમ કેજરીવાલે શું કહ્યું

ચંદીગઢ મેયર ચૂંટણી પરિણામ પર આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર પોસ્ટ કર્યું અને કહ્યું કે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં જે રીતે ધોળા દિવસે છેતરપિંડી કરવામાં આવી છે તે ખૂબ જ ચિંતાજનક છે. જો આ લોકો મેયરની ચૂંટણીમાં આટલા નીચા જઇ શકે છે તો તેઓ દેશની ચૂંટણીમાં કોઈપણ હદ સુધી જઈ શકે છે. આ ખૂબ જ ચિંતાજનક છે.

આ પણ વાંચો – હેમંત સોરેન ધરપકડની આશંકા વચ્ચે રાંચી પરત ફર્યા, પત્નીની હાજરીમાં ધારાસભ્યો સાથે મીટિંગ

ચંદીગઢ મેયરની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં આપ નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ચંદીગઢ મેયરની ચૂંટણી દરમિયાન અમે જે કંઈ પણ જોયું તે માત્ર ગેરબંધારણીય જ નહીં પરંતુ દેશદ્રોહ છે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં આપણે જે ગેરકાયદેસરતા જોઈ હતી તે માત્ર દેશદ્રોહ જ કહી શકાય.

તેમણે આગળ કહ્યું કે આજે જે થયું તે બતાવે છે કે ભાજપ મેયરની ચૂંટણી માટે તમામ ગેરકાયદેસર યુક્તિઓનો ઉપયોગ કરી શકે છે અને લોકસભાની ચૂંટણીમાં તેની હાર જોયા પછી તે શું કરશે. શું ભાજપ આ દેશને ઉત્તર કોરિયા બનાવવા માંગે છે?

કોની પાસે કેટલા મત?

ચંદીગઢ નગર નિગમમાં આમ આદમી પાર્ટીના 13 અને કોંગ્રેસ પાર્ટીના 7 કાઉન્સિલર છે. બંને પક્ષોના કુલ કાઉન્સિલરોની સંખ્યા 20 થાય છે. જ્યારે ભાજપના કાઉન્સિલરોની સંખ્યા 14 છે અને તેમાં ચંદીગઢના સાંસદ કિરન ખેરનો એક મત છે. આ ઉપરાંત શિરોમણી અકાલી દળનો એક કોર્પોરેટર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ