Chandrayaan 3 : ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતના ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ બાદ ઈસરોના વૈજ્ઞાનિકોને દેશ-વિદેશથી અભિનંદન મળી રહ્યા છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિદેશ પ્રવાસથી સીધા બેંગલુરુ પહોંચીને વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા. ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરો ચીફે રવિવારે તિરુવનંતપુરમના પૂર્ણમિકવુના ભદ્રકાળી મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં ભદ્રકાળીના આશીર્વાદ લીધા હતા.
ઇસરોના વડા એસ સોમનાથે તિરુવનંતપુરમના પૂર્ણમિકવુ સ્થિત ભદ્રકાળી મંદિરની મુલાકાત પર મીડિયાને જણાવ્યું હતું કે “હું એક સંશોધક છું. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંનેની શોધ કરવી એ મારા જીવનની યાત્રાનો એક ભાગ છે, તેથી હું ઘણા મંદિરોમાં જાઉં છું અને ઘણા ગ્રંથો વાંચું છું. તેથી આ બ્રહ્માંડમાં આપણા અસ્તિત્વ અને આપણી યાત્રાનો અર્થ શોધવાનો પ્રયાસ કરો. તે સંસ્કૃતિનો એક ભાગ છે જે આપણે બધા આંતરિક અને બાહ્ય વસ્તુઓને ખોજ કરવા માટે બનાવવામાં આવ્યા છીએ. તેથી હું બહારની દુનિયા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરું છું, આંતરિક આત્માના સંતોષ માટે મંદિરોમાં જાઉં છું.
‘શિવશક્તિ’નામ રાખવામાં કંઈ ખોટું નથી: ઈસરો ચીફ
ચંદ્રયાન-3ના ટચડાઉન પોઇન્ટને ‘શિવશક્તિ’ નામ આપવા પર ઇસરોના ચેરમેન એસ સોમનાથે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો અર્થ રીતે બતાવ્યો કે જે આપણા બધા માટે જરૂરી છે. મને લાગે છે કે એમાં કશું ખોટું નથી. પીએમ મોદીએ તેનો અર્થ પણ સમજાવ્યો છે. ઇસરોના વડાએ કહ્યું કે ‘શિવશક્તિ’ અને ‘તિરંગા’ બંને ભારતીય નામો છે. આપણે જે કરી રહ્યા છીએ તેનું એક મહત્વ હોવું જોઈએ અને દેશના વડા પ્રધાન હોવાના નાતે નામ રાખવું તેમનો વિશેષાધિકાર છે.
આ પણ વાંચો – ચંદ્રયાન 3 : રોવરની મૂવમેન્ટને લઇને ઇસરોનું લેટેસ્ટ અપડેટ, ચંદ્રની સપાટી પર કેટલું ચાલ્યું પ્રજ્ઞાન, જાણો
ચંદ્રયાન-3ની સફળતા બાદ આગળની પ્રક્રિયા અંગે ઈસરોના ચેરમેન એસ સોમનાથે કહ્યું કે બધું ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. લેન્ડર અને રોવર પોતાનું કામ સરસ રીતે કરી રહ્યા છે. બોર્ડ પરના પાંચેય ઉપકરણોને શરૂ કરવામાં આવ્યા છે અને તે સારો ડેટા આપી રહ્યું છે. અમને આશા છે કે આગામી દિવસોમાં 3 સપ્ટેમ્બર પહેલા દસ દિવસ બાકી રહેતા અમે વિવિધ પદ્ધતિઓની સંપૂર્ણ સંભાવના સાથે તમામ પ્રયોગો પૂર્ણ કરી શકીશું.
ચંદ્રયાન-3નું રોવર પ્રજ્ઞાન યોગ્ય રીતે કામ કરી રહ્યું છે
ચંદ્રયાન-3નું રોવર પ્રજ્ઞાન યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ શનિવારે એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં પ્રજ્ઞાન રોવરને ચંદ્રની સપાટી ‘શિવશક્તિ પોઇન્ટ’ પર લેન્ડર વિક્રમના ટચડાઉન સાઇટની આસપાસ ફરતો બતાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈસરોએ કહ્યું કે પ્રજ્ઞાન રોવર દક્ષિણ ધ્રુવ પર ચંદ્ર રહસ્યોની શોધમાં શિવશક્તિ પોઈન્ટની આસપાસ ફરી રહ્યો છે.
ઇસરોએ શુક્રવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 રોવર ‘પ્રજ્ઞાન’એ ચંદ્રની સપાટી પર લગભગ આઠ મીટરનું અંતર સફળતાપૂર્વક કાપ્યું છે અને તેના ઉપકરણો કાર્યરત થઈ ગયા છે. સ્પેસ એજન્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તમામ આયોજિત રોવર પ્રવૃત્તિઓની ચકાસણી કરવામાં આવી છે. રોવરે લગભગ 8 મીટરનું અંતર સફળતાપૂર્વક કાપ્યું છે. રોવરના ઇન્સ્ટ્રુમેન્ટ્સ એલઆઇબીએસ અને એપીએક્સએસ કાર્યરત છે.