ISRO Chandrayaan-3 Lander And Rrover Update : ચંદ્રયાન-3ના લેન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’ના ફરીથી સક્રિય થવાની કોઈ આશા નથી. ભારતના ત્રીજા ચંદ્ર મિશનના સંભવિત અંતનો સંકેત આપતા એક પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિકે શુક્રવારે આ વાત કહી હતી. સ્પેસ કમિશનના સભ્ય અને ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ એએસ કિરણ કુમાર, જેઓ આ મિશન સાથે સક્રિય રીતે જોડાયેલા હતા, તેમણે પીટીઆઈને કહ્યું, “ના, ના, તે ફરીથી સક્રિય થવાની કોઈ આશા નથી. જો તે થવાનું હતું, તો તે અત્યાર સુધીમાં થઈ જવું જોઈતું હતું.”
ઈસરો 22 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, નવા ચંદ્ર દિવસની શરૂઆત પછી સૌર ઉર્જાથી ચાલતા ‘વિક્રમ’ લેન્ડર અને ‘પ્રજ્ઞાન’ રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેથી તેમની ફરી સક્રિય થવાની સંભાવનાઓ જાણી શકાય. ઈસરોએ કહ્યું હતું કે, હાલમાં લેન્ડર અને રોવર તરફથી કોઈ સિગ્નલ મળ્યા નથી અને સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે.
ચંદ્રયાન-3 મિશન સાથે, ભારતે 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં ‘સોફ્ટ લેન્ડિંગ’ કરીને ઈતિહાસ રચ્યો હતો અને આવું કરનાર તે વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. આ સાથે, ભારત અમેરિકા, અગાઉના સોવિયત સંઘ અને ચીન પછી ચંદ્ર પર સફળ ‘સોફ્ટ લેન્ડિંગ’ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે.
ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવર ક્યારે સ્લીપ મોડમાં ગયા?
ઈસરો એ 4 અને 2 સપ્ટેમ્બરે અનુક્રમે લેન્ડર અને રોવરને સ્લીપ મોડમાં મૂક્યા હતા, જે 22 સપ્ટેમ્બરની આસપાસ આગામી સૂર્યોદય સમયે ફરીથી સક્રિય થવાની ધારણા હતી. લેન્ડર અને રોવરને એક ચંદ્ર દિવસ (લગભગ 14 પૃથ્વી દિવસ)ના સમયગાળા માટે ચલાવવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 મિશનના ત્રણેય ઉદ્દેશ્યો હાંસલ થઇ ગયા છે જેમાં ચંદ્રની સપાટી પર સુરક્ષિત ‘સોફ્ટ લેન્ડિંગ’, ચંદ્ર પર ફરી શકનાર રોવરનું પ્રદર્શન અને ચંદ્રની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગો સામેલ છે.
ચંદ્રયાન-3 મિશનની સિદ્ધિ અંગે કિરણ કુમારે કહ્યું, “વ્યાપક અર્થમાં, આપણે ચોક્કસપણે જે હાંસલ કર્યું છે તે એ છે કે તમે એવા વિસ્તાર (દક્ષિણ ધ્રુવ) સુધી પહોંચી ગયા છો જ્યાં બીજું કોઈ નથી પહોંચ્યું અને અમને ત્યાંથી વાસ્તવિક ડેટા મળ્યો નથી. તે હકીકતમાં બહુ જ ઉપયોગી માહિતી છે. તે પછીના અભિયાનોને જ્ઞાનની દ્રષ્ટિએ અને તમે જે તે ક્ષેત્રમાં કરવા માંગો છો તે પ્રવૃત્તિઓના આયોજનની દ્રષ્ટિએ ફાયદો કરાવશે.”
તેમણે ઈસરો દ્વારા ચંદ્ર પરથી નમૂનાઓ પાછા લાવવા એક મિશન શરૂ કરવાની સંભાવના વિશે પણ વાત કરી, પરંતુ આવા મિશનને શરૂ કરવા માટે કોઈ ચોક્કસ સમય જણાવી નથી આપી ન હતી. કુમારે કહ્યું, “હા, ચોક્કસપણે આ બધું ભવિષ્યમાં થશે કારણ કે આ બધી ટેક્નોલોજી ક્ષમતાઓ છે જેનો તમે વિકાસ કરતા રહો છો, હવે જ્યારે તેણે (ચંદ્રયાન-3) ‘સોફ્ટ લેન્ડિંગ’ની સિદ્ધિ હાંસલ કરી છે અને ત્યારબાદના મિશનમાં ત્યાંથી સામગ્રી લઇને પૃથ્વી પર પાછી લાવવામાં આવશે, ચોક્કસપણે આ તમામ મિશન થશે.”
આ પણ વાંચો | ઈસરો મિશન શુક્ર માટે થઈ રહી છે તડામાર તૈયારી, રસપ્રદ છે કારણો
તેમણે ઉમેર્યુ કે, “આમાંની ઘણી બાબતો પર ભવિષ્યમાં કામ કરવામાં આવશે. યોજનાઓ બનાવવામાં આવશે અને પછી ટેક્નોલોજી વિકાસના સર્વગ્રાહી દૃષ્ટિકોણના આધારે દરખાસ્તો કરવામાં આવશે.” કુમારે કહ્યું, “તે સંપૂર્ણપણે આયોજન કેવી રીતે કરવામાં આવે છે અને કેટલા સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેના પર નિર્ભર છે, તેથી તે (સેમ્પલ-મિશન પૃથ્વી પર પરત આવવા માટેની સમયરેખા) કહેવી ખૂબ મુશ્કેલ છે.”
ચંદ્રયાન-3 શું હવે લેન્ડર અને રોવર સક્રિય થવાની કોઈ આશા નથી ઈસરોએ ચંદ્ર પર રાત પડવા પહેલા અનુક્રમે 4 અને 2 સપ્ટેમ્બરે લેન્ડર અને રોવરને સ્લીપ મોડમાં મૂક્યા હતા.