Chandrayaan 3 : ચંદ્રયાન-3 ને લઈને મોટી માહિતી સામે આવી છે. ઈસરોએ કહ્યું છે કે, ચંદ્રના શિવ શક્તિ પોઈન્ટ પર આજે સૂર્યોદય થઈ શકે છે. આજે અહીં તડકો પડવાની ધારણા છે. ગયા મહિને જ અહીં ભારતના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર લેન્ડ થયા હતા. ઈસરોએ કહ્યું કે, 22 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે. હાલમાં તે સ્લીપ મોડમાં છે.
શું ભારત ઈતિહાસ રચશે?
તમને જણાવી દઈએ કે, 4 સપ્ટેમ્બરે ઈસરોએ ચંદ્રયાન-3 ના લેન્ડર અને રોવરને ચંદ્ર પર સૂર્યાસ્ત થઈ ગયા બાદ સ્લીપ મોડમાં મૂકી દીધા હતા. તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે ચંદ્ર પર દિવસ રાત, પૃથ્વીના 14 દિવસે થાય છે. એટલે કે ચંદ્ર પર રાત દરમિયાન લેન્ડર અને રોવર બંને સ્લીપ મોડમાં રહ્યા હતા. હવે 22 સપ્ટેમ્બરે સૂર્યોદય થશે, તેથી જો ISRO વિક્રમ અને પ્રજ્ઞાનને તેમની ઊંઘમાંથી જગાડવામાં સફળ થાય છે, તો તે એક નોંધપાત્ર એન્જિનિયરિંગ સિદ્ધિ હશે.
જો ચંદ્રયાન-3 નું રોવર ‘પ્રજ્ઞાન’ નહીં જાગે તો શું થશે?
જો ચંદ્રયાન 3 નું રોવર ‘પ્રજ્ઞાન’ જાગશે નહીં તો શું થશે તેના દૃશ્યને સમજાવતા, પોસ્ટમાં આગળ કહ્યું કે, ‘હાલમાં, બેટરી સંપૂર્ણ ચાર્જ છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આગામી સૂર્યોદય 22 સપ્ટેમ્બર, 2023 ના રોજ થશે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેની સૌર પેનલો તે સમયે સૂર્ય પાસેથી ઊર્જા મેળવવા માટે તૈયાર હશે. રોવર અને લેન્ડર અસાઇનમેન્ટના બીજા રાઉન્ડ માટે જાગૃત થવાની અપેક્ષા છે. જો આ શક્ય નહીં થાય તો, તે ભારતના ચંદ્ર રાજદૂત તરીકે કાયમ ત્યાં જ રહેશે.’
આ પણ વાંચો – Chandrayaan-3: ISROએ વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર કેમ ફરી ‘જમ્પ’ કરાવ્યું? સમજાવ્યું કારણ
તેને ‘સ્લીપ મોડ’માં શા માટે મૂકવામાં આવ્યું?
લેન્ડર અને રોવરને ચંદ્ર પર 14 દિવસ સુધી ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. જ્યારે પૂછવામાં આવ્યું કે, તેને વહેલા સ્લીપ મોડ પર કેમ મુકવામાં આવ્યું? તો ચંદ્રયાન-3 ના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરમુથુવેલે કહ્યું, ‘અમે પહેલા બે અને છેલ્લા બે દિવસની ગણતરી કરી શકતા નથી. ચંદ્ર પર દિવસ 22 ઓગસ્ટથી શરૂ થયો હતો અને અમારું ઉતરાણ લગભગ બીજા દિવસના અંતે હતું. ત્યાંથી, વિક્રમ અને પ્રજ્ઞાન બંનેએ અમારી અપેક્ષાઓ કરતાં અસાધારણ પ્રદર્શન કર્યું છે. મિશનના તમામ ઉદ્દેશ્યો પૂર્ણ થઈ ગયા છે, તેથી તેને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યું છે.