Chandrayaan 3 Mission Update : ઇસરોનું મૂન મિશન ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રોજ નવી-નવી શોધ કરી રહ્યું છે. ઇસરોએ જાણકારી આપી છે કે ચંદ્રયાન 3 ના પ્રજ્ઞાન રોવરમાં લાગેલા એક યંત્રએ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઓક્સિજન હોવાની પૃષ્ટી કરી છે. આ કામ તેમા લાગેલા પેલોડ એટલે યંત્ર લેઝર ઇડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપીએ કર્યું છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 3 નું આ પ્રથમ ઇન-સીટૂ એક્સપેરિમેન્ટ હતું.
ઇસરોએ જણાવ્યું કે આશા પ્રમાણે ચંદ્રમાની સપાટી પર એલ્યૂમિનિયમ, કેલ્સિયમ, લોહા, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેગ્નેશિયન અને સિલિકોન ડિટેક્ટ થયું છે. રોવર ચંદ્રમાની સપાટી પર હાઇડ્રોજનની શોધ કરી રહ્યું છે.
આ પહેલા ચંદ્રયાન 3 મિશનના રોવરે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર રહેલી માટીની તપાસ શરૂ કરી દીધી છે. ઈસરોએ રવિવારે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી. ઇસરોએ કહ્યું કે અવકાશ વિજ્ઞાનના ઇતિહાસમાં પ્રથમ વખત ચંદ્રયાન -3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની માટીની તપાસ કરી. સપાટીથી 10 સે.મી. સુધી તેના તાપમાનમાં તફાવત હતો.
આ પણ વાંચો – ચંદ્રયાન 3 : પ્રજ્ઞાન રોવરના રસ્તામાં આવ્યો મોટો ખાડો, રસ્તો બદલવામાં આવ્યો
ઇસરોએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે દક્ષિણ ધ્રુવની આસપાસ ચંદ્રની માટીનું તાપમાન પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે. આવું એટલા માટે કારણ કે પ્રથમ વખત કોઈ દેશે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ઇસરોએ માટીના તાપમાનનો એક ગ્રાફ પણ શેર કર્યો છે. ગ્રાફમાં તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ થી 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ દેખાય રહ્યું છે.