Chandrayaan 3 Launch : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને જાહેરાત કરી છે કે ચાંદ પર પોતાનું ચંદ્રયાન-3 અભિયાન 14 જુલાઇના રોજ બપોરે 2.35 કલાકે મોકલવામાં આવશે. આ પહેલા પણ ભારત આ પ્રયત્ન ત્રણ વખત કરી ચુક્યું છે પણ સફળતા મળી નથી. ભારત ચાંદની સપાટી પર સોફ્ટ લોન્ડિંગ કરી શક્યું નથી. આવું ફક્ત અત્યાર સુધી ત્રણ દેશ રશિયા, અમેરિકા અને ચીન જ કરી શક્યા છે. હવે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ચંદ્રયાન-3 લોન્ચ કરવાની બધી તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે અને આશા છે કે ભારતનું સપનું આ વખતે પુરું થશે.
ડર, આશા, ખુશી અને ઉદાસીના 15 મિનિટ
ચંદ્રયાન-3 પર કામ 2020માં શરૂ થયું હતું, જેમાં વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સ તેની ડિઝાઇન અને પ્લાનિંગ પર કામ કરી રહ્યા હતા. પરંતુ કોવિડ-19ના આવ્યા બાદ તેને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં સમય લાગ્યો હતો. આ કામ સપ્ટેમ્બર 6, 2019ની તે રાત પછી કરવામાં આવી રહ્યું હતું, જ્યારે ઈસરો અને આખો દેશ ચંદ્રયાનના સફળ લેન્ડિંગની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ છેલ્લી 15 મિનિટમાં કંઈક એવું થયું કે આ સપનું પૂરું ન થઈ શક્યું.
47 દિવસમાં 3 લાખ 84 હજાર કિલોમીટરનું અંતર કાપીને ભારત પણ એ લિસ્ટમાં સામેલ થવાનું હતું જ્યાં રશિયા, અમેરિકા અને ચીન પહેલાથી જ હાજર છે. પરંતુ છેલ્લી 15 મિનિટમાં આ આશા પર પાણી ફરી વળ્યું હતું.
આ પણ વાંચો – ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈએ લોન્ચ થશે, જાણો તેના વિશેની સંપૂર્ણ વિગત
પીએમ મોદી પણ રહ્યા હતા હાજર, છેલ્લી 15 મિનિટમાં શું થયું
6 સપ્ટેમ્બર, 2019ની રાત્રે જ્યારે લેન્ડર વિક્રમના લેન્ડિંગ માટે થોડો સમય બચ્યો હતો ત્યારે પીએમ મોદી પણ ઇસરો હેડક્વાર્ટરમાં હાજર હતા. બધાની નજર એ ક્ષણ પર હતી કે જેને પરિપૂર્ણ કરવા માટે દેશ વર્ષોથી રાહ જોઈ રહ્યો છે. વચ્ચે-વચ્ચે પીએમ મોદીને વરિષ્ઠ વૈજ્ઞાનિકો જાણકારી આપી રહ્યા હતા. જ્યારે પ્રથમ રફ બ્રીફિંગનો તબક્કો પૂર્ણ થયો ત્યારે તાળીઓના ગડગડાટને સરળતાથી સાંભળી શકાતો હતો. હવે લેન્ડર વિક્રમની સપાટીથી માત્ર 7.4 કિલોમીટર દૂર હતું. જ્યારે લેન્ડર વિક્રમ બીજા તબક્કામાં ચંદ્રની સપાટીથી માત્ર 300 મીટર દૂર હતું ત્યારે અચાનક ટીવી પર દેખાતા વૈજ્ઞાનિકોના ચહેરા ઝાંખા પડી ગયા હતા. સમાચાર આવ્યા કે વિક્રમનું ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગ થયું છે. પીએમ મોદીએ ત્યાં હાજર વૈજ્ઞાનિકોને હિંમત આપી અને ફરી એકવાર ભારત આ સ્વપ્નને સાકાર કરવા માટે તૈયાર દેખાય છે.
તે સમયે ઇસરોના પ્રમુખે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે ઓર્બિટરથી મળેલી તસવીર પરથી લાગે છે કે વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગ થયું છે. ચંદ્રની પરિક્રમા કરી રહેલા ઓર્બિટરે વિક્રમ લેન્ડરની થર્મલ તસવીર લીધી છે. હવે ઇસરોએ સોફ્ટ લેન્ડિંગ માટે થઇ શકે તેવી ખામીઓ પર કામ કર્યું છે.
ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કેમ આટલું મહત્વનું છે
ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણી પાસે ચંદ્ર વિશે વધુ માહિતી નથી, તેથી ચંદ્રને જાણવો જરૂરી છે.