ચંદ્રયાન 3 આજે ચંદ્રની સપાટી પર સાંજે લેન્ડ કરશે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ કેમ ઉતારવામાં આવી રહ્યું છે? તમારા દરેક સવાલોના જવાબ જાણો

Chandrayaan 3 : ચંદ્રયાન 3 બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે. નિષ્ણાંત ડો.વી.ટી. વેંકટેશ્વરને ચંદ્રની રહસ્યમય દુનિયા વિશે કેટલીક વાતો કહી છે. એટલે કે ચંદ્રયાન 3 સાથે જોડાયેલા દરેક સવાલનો જવાબ તમે અહીં જાણી શકો છો

Written by Ashish Goyal
Updated : August 23, 2023 07:34 IST
ચંદ્રયાન 3 આજે ચંદ્રની સપાટી પર સાંજે લેન્ડ કરશે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ કેમ ઉતારવામાં આવી રહ્યું છે? તમારા દરેક સવાલોના જવાબ જાણો
ચંદ્રયાન 3 બુધવારે ચંદ્રની સપાટી પર સાંજે લેન્ડ કરશે (ISRO)

Chandrayaan 3 Landing : ચંદ્રયાન 3 બુધવારે ચંદ્રની સપાટી પર સાંજે લેન્ડ કરશે. ભારતના લોકો આને લઈને ઉત્સાહિત છે. તેઓ ઘણા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા છ. લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ ચંદ્રયાન 3 ના ઉતરાણનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકે છે. તો તમને જણાવી દઈએ કે તેનું લાઈવ સ્ટ્રીમિંગ ઈસરોની યુ ટ્યૂબ ચેનલ પર કરવામાં આવશે. આ ઉપરાંત દૂરદર્શન ટીવી પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આમ જોવા જઈએ તો આવતી કાલ એટલે કે બુધવાર ભારતના લોકો માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દરમિયાન નિષ્ણાંત ડો.વી.ટી. વેંકટેશ્વરને ચંદ્રની રહસ્યમય દુનિયા વિશે કેટલીક વાતો કહી છે. એટલે કે ચંદ્રયાન 3 સાથે જોડાયેલા દરેક સવાલનો જવાબ તમે અહીં જાણી શકો છો.

વેંકટેશ્વરને ચંદ્રના ભૌગોલિક ઉત્ક્રાંતિ સાથે સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા છે. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ, પાણી અને બરફની હાજરી વિશે છે. તેમણે ભારતના ચંદ્ર સંશોધન વિશે પણ માહિતી આપી હતી. આપણે આ પ્રશ્નો અને ઉત્તરો વિશે માહિતી આપીશું.

ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસ અને ચંદ્રના ઉત્ક્રાંતિની વિભાવના શું છે? બીજા શબ્દોમાં કહીએ તો, તે કેટલું જૂનું છે અને ક્યારે અને કેવી રીતે તેનું નિર્માણ થયું?

ચંદ્રની ઉંમર લગભગ 4.5 અબજ વર્ષ છે. એટલે કે તેની ઉંમર લગભગ પૃથ્વી જેટલી જ છે. ચંદ્રની રચનાનો એક મુખ્ય સિદ્ધાંત છે. આ થિયરી અનુસાર મંગળ ગ્રહના આકારનો એક ખગોળીય પીંડ યુવાન પૃથ્વી સાથે ટકરાયો હતો અને આ ટક્કરથી નીકળેલા કાટમાળમાંથી ચંદ્રની રચના થઈ હતી. જોકે ચંદ્રથી મળેલા ભુર્ગર્ભીય પુરાવા સંકેત આપે છે કે તે પૃથ્વી કરતા માત્ર 6 કરોડ વર્ષ યુવા હોઈ શકે છે.

પૃથ્વીની સરખામણીએ ચંદ્ર પરની વસ્તુનું વજન કેટલું હશે અને શા માટે?

ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં ઘણું નીચું છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં છઠ્ઠા ભાગનું છે. જેના કારણે ચંદ્ર પર કોઈ વસ્તુનું વજન પૃથ્વી કરતા ઓછું હશે. આ ચંદ્રના નાના કદ અને સમૂહ વજનને કારણે છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિનું વજન પૃથ્વી પર 68 કિલો છે તો ચંદ્રની સપાટી પર તેનું વજન માત્ર 11 કિલો હશે.

આ પણ વાંચો – ચંદ્રયાન-3 : વિક્રમ લેન્ડર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કેવી રીતે કરશે? કેમ નિષ્ફળ થવાની શક્યતા ઓછી, સમજો ગણિત

ભારતીય વૈજ્ઞાનિકો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર કેમ ઉતારવા માંગે છે?

ચંદ્રનો દક્ષિણ ધ્રુવ તેની વિશેષતા અને વૈજ્ઞાનિક મૂલ્યને કારણે વૈજ્ઞાનિક શોધના કેન્દ્રમાં રહે છે. માનવામાં આવે છે કે દક્ષિણ ધ્રુવમાં પાણી અને બરફનો મોટો ભંડાર છે જે કાયમી ધોરણે અંધકારમાં રહે છે. પાણીની હાજરી ભવિષ્યના અવકાશ મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેને પીવાના પાણી, ઓક્સિજન અને રોકેટ બળતણ તરીકે હાઇડ્રોજન જેવા સંસાધનોમાં રૂપાંતરિત કરી શકાય છે. આ વિસ્તાર કાયમ માટે સૂર્યપ્રકાશથી દૂર રહે છે અને તાપમાન માઇનસ 50થી 100 ડિગ્રી રહે છે. આ રોવર અથવા લેન્ડરમાં હાજર ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે આદર્શ રાસાયણિક પરિસ્થિતિઓ પ્રદાન કરે છે જેથી તેઓ વધુ સારી રીતે કાર્ય કરી શકે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર શું છે? શું ત્યાંનો ભૂપ્રદેશ બાકીના ચંદ્ર જેવો જ છે કે આપણને તેના વિશે કોઈ ખ્યાલ નથી?

ચંદ્રના દક્ષિણ ધ્રુવનો ભૂભાગ અને ભૌગોલિક રચના તેના અન્ય ભૂપ્રદેશો કરતા અલગ છે. કાયમી ધોરણે અંધારામાં રહેતા ક્રેટર (ઉલ્કાપિંડની અથડામણથી બનેલા ખાડાઓ) ઠંડા રહે છે. જેના કારણે પાણી બરફના સ્વરૂપમાં જમા થવાની સ્થિતિ ઉત્પન થાય છે. દક્ષિણ ધ્રુવની અનોખી ભૌગોલિક સ્થિતિના કારણે સૂર્ય પ્રકાશનો લાંબો સમય રહે છે જેનો ઉપયોગ સૌર ઊર્જા માટે કરી શકાય છે. આ ક્ષેત્ર ઉબડ-ખાબડ બનાવટથી લઇને સપાટ છે જે ઘણા વૈજ્ઞાનિકોને અધ્યયન કરવાની તકો પૂરી પાડે છે.

કેમ ચંદ્રનો દક્ષિણ ધ્રુવ સ્થાયી રુપથી પડછાયામાં રહે છે?

તે ચંદ્રના ભૂસ્તરશાસ્ત્ર પર આધારિત છે. ચંદ્રની ધરી પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષામાં સહેજ નમેલી છે. જેના કારણે દક્ષિણ ધ્રુવના કેટલાક વિસ્તારો હંમેશા પડછાયામાં રહે છે. આ છાંયડો ખૂબ જ ઠંડુ વાતાવરણ સર્જે છે. અહીં તાપમાન ઘણું નીચે જઈ શકે છે. આ ઠંડકની સ્થિતિ અબજો વર્ષો સુધી બરફના રૂપમાં પાણીને જાળવવામાં મદદ કરે છે.

શું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી/બરફની હાજરી છે?

ચંદ્રયાન-1 એ આ વાતનો સંકેત આપ્યો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં બરફ સ્વરૂપે પાણીની હાજરીની પુષ્ટિ થઈ છે. વર્ષ 2008માં મોકલવામાં આવેલા ભારતના ચંદ્રયાન-1 અવકાશયાન સહિત વિવિધ ચંદ્ર મિશનના ડેટાએ એવા વિસ્તારમાં પાણીની હાજરીનો સંકેત આપ્યો છે, જે હંમેશા પડછાયામાં રહે છે. આ શોધથી ચંદ્ર પરની શોધને વેગ મળ્યો છે.

શું ચંદ્રના ભવિષ્યના સંશોધન માટે પાણી/બરફ મહત્વપૂર્ણ છે?

બરફના સ્વરૂપમાં પાણી ભવિષ્યના ચંદ્રના સંશોધન અને તેનાથી આગળ માટે પણ એક મહત્વપૂર્ણ સંસાધન છે. તેને શ્વાસ લેવા વાળી હવા, પીવાના પાણી અને સૌથી મહત્ત્વનું રોકેટ બળતણ માટે તેને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં રૂપાંતરિત કરી શકાય છે. આનાથી અવકાશ યાત્રામાં ક્રાંતિ આવી શકે છે કારણ કે આ સંસાધનોને પૃથ્વી પરથી લઇ જવાની જરૂર નહીં પડે અને લાંબા ગાળાના મિશન શક્ય બનશે.

શું ભારત ભવિષ્યમાં ચંદ્ર પર માનવ મિશન મોકલવાની યોજના ધરાવે છે?

ઇસરોએ ગગનયાન મિશન અંતર્ગત અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. પરંતુ હાલ ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવાની કોઈ યોજના નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ