Chandrayaan-3 : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ચંદ્રયાન-3 અવકાશયાનના વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર ફરી એકવાર ‘જમ્પ’ કરાવ્યું. તેણે ફરી એકવાર સફળતાપૂર્વક ‘કૂદકો’ માર્યો અને ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતર્યું. આ એક એવું કાર્ય હતું, જેની જાણ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ અગાઉ ક્યારેય કરી ન હતી. ISROએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વિક્રમ લેન્ડરે તેના મિશન ઉદ્દેશ્યોને પાર કરી લીધા છે. તે સફળતાપૂર્વક ‘જમ્પ’ પ્રયોગમાંથી પણ પસાર થયું છે. અહીંથી આદેશ પર એન્જિન શરૂ કર્યું, પોતાની જાતને અપેક્ષા મુજબ લગભગ 40 સે.મી. ઉંચું કર્યું અને 30-40 સે.મી.ના અંતરે સુરક્ષિત રીતે ફરી ઉતર્યું.”
ચંદ્રયાન-2 ના લેન્ડર મોડ્યુલને વિક્રમ નામ આપવામાં આવ્યું હતું
24 ઓગસ્ટના ચંદ્ર પર લેન્ડિંગ બાદ ISRO લેન્ડર મોડ્યુલને સોશિયલ મીડિયા પર ‘વિક્રમ’ નામથી બોલાવી રહ્યું છે. અગાઉ તેને ફક્ત ‘લેન્ડર મોડ્યુલ’ અથવા LM તરીકે ઓળખવામાં આવતું હતું. ચંદ્રયાન-2 ના લેન્ડર મોડ્યુલને વિક્રમ નામ આપવામાં આવ્યું હતું. તે 2019 માં ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. તો અવકાશયાન પરના રોવર ઘટકને ‘પ્રજ્ઞાન’ કહેવામાં આવતું હતું. તમને જણાવી દઈએ કે, ઈસરોએ ચંદ્રયાન-3 ના લેન્ડર અને રોવરનું નામ જાહેર કર્યું નથી. ઈસરોની વેબસાઈટ પરના તમામ સત્તાવાર દસ્તાવેજોમાં, તેઓનો ઉલ્લેખ લેન્ડર મોડ્યુલ (LM) અને રોવર તરીકે કરવામાં આવ્યો છે.
ISRO એ ક્યારેય લેન્ડર જમ્પિંગ પ્રયોગ વિશે વાત કરી ન હતી
ઈસરોએ ક્યારેય લેન્ડરના જમ્પિંગ પ્રયોગ વિશે વાત કરી ન હતી. આનો અર્થ એ થયો કે, લેન્ડર થોડી સેકંડ માટે ચંદ્રની સપાટીને છોડીને નજીકના સ્થાન પર જવા માટે સક્ષમ હતું. આવી પ્રક્રિયા મિશનમાં મહત્વપૂર્ણ છે, જેમાં લેન્ડરે તેનું કાર્ય પૂર્ણ કર્યા પછી પૃથ્વી પર પાછા ફરવાનું હોય છે. સેમ્પલ રીટર્ન મિશન, જેમાં અવકાશયાન ચંદ્ર પરથી નમૂનાઓ પરત લઈને આવે છે અથવા માનવસહિત ઉતરાણ મિશન માટે અવકાશયાનને ચંદ્રની સપાટી પર ઉતરવાની જરૂર પડશે.
અલબત્ત તે કિસ્સાઓમાં અવકાશયાનને આપવામાં આવેલ થ્રસ્ટ ખૂબ જ વધારે હશે. પરંતુ ટેક્નોલોજી નિદર્શન તરીકે જમ્પિંગનો ઉપયોગ એ આગળ વધવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. ISROએ કહ્યું, “આ ‘કિક-સ્ટાર્ટ’ ભવિષ્યના નમૂનાના વળતર અને માનવ મિશનને ઉત્તેજિત કરશે!”
આ પણ વાંચો – ઈસરોના વૈજ્ઞાનિક એન વલરામથીનું નિધન, ચંદ્રયાન-3 લોન્ચની અંતિમ કાઉન્ટડાઉનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી
જો કે સ્પેસ એજન્સીએ હજુ સુધી ચંદ્ર પર ફોલો-અપ મિશનની જાહેરાત કરી નથી, વૈજ્ઞાનિકોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, સેમ્પલ રીટર્ન મિશન એ આગળનું તાર્કિક પગલું છે. હકીકતમાં, જો ચંદ્રયાન-2 સફળ થયું હોત, તો ચંદ્રયાન-3 એક નમૂનાનું રિટર્ન મિશન હોત. ચાઈનીઝ ચાંગે પ્રોગ્રામ પણ આ જ રીતે આગળ વધાર્યો. ચીને 2007માં ઓર્બિટર મોકલ્યું હતું અને લેન્ડર અને સેમ્પલ રિટર્ન મિશન સાથે ફોલોઅપ કર્યું હતું, છેલ્લું મિશન 2020માં થયું હતું.