ISRO Chandrayaan 3 Update : ચંદ્રયાન 3 મિશને એક પડાવ પાર કરી લીધો છે. 1 ઓગસ્ટે રાત્રે 12.23 કલાકે ચંદ્રયાન 3 પૃથ્વીના ઓર્બિટને છોડીને ચાંદ તરફ ચાલ્યું ગયું છે. આ માટે ચંદ્રયાન 3 ને 20 મિનિટ માટે પ્રોપલ્શન મોડલ ચાલુ કરવામાં આવ્યું છે. પ્રોપલ્શનની મદદથી ચંદ્રયાન 3ને ટ્રાસ લૂનર ટ્રોજેક્ટરી પર મોકલવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં કુલ 179 કિલો ઇંધણનો ઉપયોગ થયો છે. ઇસરોએ આશા વ્યક્ત કરી છે કે 5 ઓગસ્ટે ચદ્રયાન 3 ચાંદના ઓર્બિટમાં સગી સલામત પહોંચી જશે. ચંદ્રયાન 3 એ અત્યાર સુધી પૃથ્વીના પાંચ ઓર્બિટ મેન્યૂવરમાં 500-600 કિલો ઇંધણનો ઉપયોગ કર્યો છે. હાલ ચંદ્રયાન 3 પાસે 1100-1200 કિલો ઇંધણ બચ્યું છે.
ચાંદની કક્ષામાં ક્યારે પ્રવેશ કરશે?
ઇસરોએ જણાવ્યું કે ચંદ્રયાન 3 શનિવારે એટલે 5 ઓગસ્ટે સાંજે 7 થી 7.30 કલાકે ચંદ્રના બહારના ઓર્બિટમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પાંચ વખત આગળ વધીને ચંદ્રની સપાટીની નજીક જવાનો પ્રયાસ કરશે. ધીરે ધીરે ચંદ્રયાન-3 ઓર્બિટ મેન્યૂવર કરીને 100 કિમીના ઓર્બિટમાં આવવાનો પ્રયાસ કરશે.
17 ઓગસ્ટ ખાસ દિવસ
17 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની 100 કિલોમીટરના ઓર્બિટમાં આવશે. આ જ દિવસે પ્રોપલ્શન મોડલ અને લેન્ડર મોડલને એકબીજાથી અલગ કરી દેવામાં આવશે. આ પછી 18 થી 20 ઓગસ્ટ સુધી લેન્ડર મોડલ પોતાની સ્પીડમાં ઘટાડો કરશે અને ડી ઓર્બિટ કરવાનો પ્રયાસ કરશે. આ પછી ચંદ્રયાન-3 100×30 કિમીના ઓર્બિટમાં પહોંચી જશે. જો ચંદ્રયાન-3 આ તમામ સ્તરને પાર કરી લે છે તો 23 ઓગસ્ટે સાંજે 5:45 વાગ્યે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરશે.
આ પણ વાંચો – ઇસરો પાસે સેટેલાઇટ લોન્ચ કરાવવા માત્ર સિંગાપુર જ નહીં દુનિયાભરના દેશો ઉત્સુક, જાણો કેમ
ચંદ્રયાન-3 ચંદ્રની ગુરૂત્વાકર્ષણમાં નહીં રોકાય તો પરત આવશે
હાલ ચંદ્રયાન-3 પૃથ્વીના ચંદ્રની કક્ષામાં જવાના રસ્તે 38,520 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન-3 એ ચંદ્રના ઓર્બિટ સુધી પહોંચવા માટે પોતાની ગતિ 3,600 કિમી પ્રતિ કલાક કરવી પડશે. જો આમ નહીં થાય તો ચંદ્રયાન-3 આગામી 10 દિવસ સુધી પ્રવાસ કરીને ફરી પૃથ્વીના ઓર્બિટમાં આવી જશે. ચંદ્રયાન-3ની સ્પીડ ઓછી કરવા માટે તેનું એન્જિન વિરુદ્ધ દિશામાં ચલાવવામાં આવશે. જેનાથી ચંદ્રયાન-3ની સ્પીડ ઓછી થશે. આ પ્રક્રિયાને ડિબુસ્ટિંગ કહેવામાં આવે છે.





