Chandrayaan 4 ISRO Mission Moon: ચંદ્રયાન 3 સફળ થયા બાદ ઈસરો હવે ચંદ્રયાન 4 મિશન માટે કાગીરી કરી રહ્યું છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં ચંદ્રયાન 4 મિશનને લીલી ઝંડી આપવામાં આવી છે. આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં આ વધુ એક મોટું પગલું માનવામાં આવે છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પણ પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં મિશન ચંદ્ર અંગે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે.
ચંદ્રયાન 4 મિશન પાછળ કેટલો ખર્ચ થશે?
હવે ચંદ્રયાન 4 મિશન વિશે વાત કરીએ તો આ માટે કેન્દ્ર તરફથી 2104.06 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ભારતનું મિશન 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓનું ઉતરણ કરાવવાનું છે. ઈસરો એ પણ જાણે છે કે 2040 સુધીમાં પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી આવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને ચંદ્ર પરથી સરળતા પૂર્વક ધરતી પર પરત આવી શકાય છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે 2027માં ઈસરો ચંદ્રયાન 4 લોન્ચ કરશે, આ ચંદ્રયાન 4 દ્વારા ભવિષ્યના તમામ મૂન મિશનની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
ચંદ્રયાન 4 મિશનની ખાસિયત
ચંદ્રયાન 4નું ધ્યાન સચોટ લેન્ડિંગ, સેમ્પલ કલેક્શન અને સુરક્ષિત ધરતી પર વાપસી પર રહેશે. ઈસરોના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ એક મિશન દ્વારા ભારત પોતાની અંતરિક્ષ ક્ષમતામાં અનેકગણો વધારો કરશે. ચંદ્રયાન 4 વિશે એ પણ સામે આવી રહ્યું છે કે તે કુલ 5 મોડ્યુલ પોતાની સાથે લઈ જશે. આ બધા મોડ્યુલો સાથે મળીને કામ કરશે અને ચંદ્ર પરથી જરૂરી નમૂનાઓ એકત્રિત કરશે. સમજવા જેવી વાત એ છે કે આ પહેલા માત્ર ચીન અને અમેરિકા જ આવા મુશ્કેલ મિશનમાં સફળ થયા છે.
જાપાન ભારતની મદદ કરશે
ઇસરો અધ્યક્ષ એસ.સોમનાથે ભારપૂર્વક જણાવ્યું છે કે ચંદ્રયાન 4 એ માત્ર એક મિશન નથી જે ચંદ્ર પરથી પત્થર લાવશે. આ એવી ક્ષમતા બનાવવાનું કામ કરશે કે ભવિષ્યમાં મનુષ્ય ચંદ્ર પર જઈને ત્યાંથી સુરક્ષિત પરત આવી શકશે.
આ પણ વાંચો | રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ કેમ ઉજવાય છે, જાણો ઇતિહાસ અને મહત્વ
આમ જોવા જઈએ તો ચંદ્રયાન 4 વિશેની માહિતી પણ સામે આવી છે કે ભારત અને જાપાન આ મિશન પર સાથે મળીને કામ કરી રહ્યા છે. એવામાં JAXA એ લૂનર રોવરની જવાબદારી લીધી છે, તો બીજી બાજુ ઇસરો પોતાના લેન્ડરને તૈયાર કરી રહ્યું છે. લેન્ડર રોવરને લઇ જશે. આવી સ્થિતિમાં બંને દેશો ચંદ્રયાન 4ની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવશે.