Chhattisgarh Assembly Election Result 2023 : છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. છત્તીસગઢમાં ભાજપને 90માંથી 54 સીટો પર જીત મળી છે. પ્રચંડ જીત બાદ ભાજપ સામે સૌથી મોટો પડકાર મુખ્યમંત્રી પદનો છે. સીએમના ચહેરા તરીકે પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ સિવાય પણ ઘણા નામો સામે આવી રહ્યા છે. ભાજપે ચૂંટણી પહેલા કોઈ સીએમ ચહેરો જાહેર કર્યો ન હતો. વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર લડવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે પાર્ટી આ વખતે નવા ચહેરા પર દાવ લગાવી શકે છે. આ રેસમાં આદિવાસી સમાજમાંથી આવતા વિષ્ણુદેવ સાયનું નામ પણ છે.
કોણ છે વિષ્ણુદેવ સાય?
વિષ્ણુદેવ સાય છત્તીસગઢના કુનકુરી વિધાનસભાથી આવે છે. રાજ્યમાં આદિવાસી સમુરાયની સૌથી વધુ વસ્તી છે અને સાય આ સમુદાયના છે. અજિત જોગી બાદ છત્તીસગઢમાં અન્ય કોઇ મુખ્યમંત્રી બનાવી શક્યા નથી. ભાજપ આ વખતે આદિવાસી સમાજમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવી શકે છે. વિષ્ણુદેવ સાય 2020 માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં સાયની ગણના સંઘના નજીકના નેતાઓમાં થાય છે. તે રમણ સિંહની પણ નજીક છે. તેઓ 1999 થી 2014 સુધી રાયગઢથી સાંસદ રહ્યા હતા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સાયને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમણે સંગઠન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
આ પણ વાંચો – શહેરના લોકોની પાર્ટી હોવાની માન્યતા ભાજપે તોડી, 101માંથી 53 આદિવાસી બેઠકો પર વિજય મેળવ્યો
આ નેતાઓના નામ પણ રેસમાં
છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદની રેસમાં ભાજપ અધ્યક્ષ અરૂણ સાવનું નામ પણ ચર્ચામાં છે. તેઓ ઓબીસી સમુદાયના છે. આ ઉપરાંત સીએમ પદની રેસમાં સરોજ પાંડેનું નામ પણ ચાલી રહ્યું છે. સરોજ પાંડે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ છે. તેઓ ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે 2009માં લોકસભા ચૂંટણી જીતી હતી. જોકે 2014માં મોદી લહેર દરમિયાન તેઓ ચૂંટણી હારી ગયા હતા. મુખ્યમંત્રી પદ માટે બ્રિજમોહન અગ્રવાલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. સાત વખત ધારાસભ્ય રહી ચૂકેલા બ્રિજમોહન રમણ સિંહ સરકારમાં મંત્રી પણ હતા. બ્રિજમોહન અગ્રવાલ ઉપરાંત વિજય બઘેલનું નામ પણ ચર્ચામાં છે.