Online Games, PM Narendra Modi : છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે દેશમાં વધી રહેલા સટ્ટાબાજીના કારોબારને લઈને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને ગેરકાયદે ઓનલાઈન ગેમિંગ, ઓનલાઈન સટ્ટાબાજી પર પ્રતિબંધ લગાવવા અને તેની સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમના પત્રમાં તેમણે આવા ગેરકાયદેસર બિઝનેસ પ્લેટફોર્મ, વેબ, એપીકે, ટેલિગ્રામ, ઈન્સ્ટાગ્રામ અને URL ને બ્લોક અને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાનું પણ સૂચન કર્યું છે.
સીએમએ પત્રમાં જણાવ્યું છે કે, ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ દ્વારા જુગાર અને સટ્ટાબાજીનો ગેરકાયદેસર ધંધો દેશભરમાં વિસ્તર્યો છે. તેના સંચાલકો અને માલિકો તેને વિદેશથી નિયંત્રિત કરી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં તેમણે કહ્યું છે કે છત્તીસગઢ સરકાર અને રાજ્ય પોલીસ શરૂઆતથી જ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. પોલીસે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવા, તેમની સામે કેસ નોંધવા, તેમની સંપત્તિ જપ્ત કરવા વગેરેમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે અત્યાર સુધીમાં 90 થી વધુ કેસ નોંધ્યા છે અને 450 થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. બેંક ખાતામાં 16 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે. અનેક આરોપીઓ સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યા છે. ગેરકાયદે ધંધામાં સામેલ ‘મહાદેવ એપ’ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.





