Chhattisgarh Naxal attack : મંગળવારે છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના ત્રણ જવાન શહીદ થયા છે અને 14 ઇજાગ્રસ્ત થયા છે. આ એ જ જગ્યા છે જ્યાં 2021માં 23 જવાન શહીદ થયા હતા. સીઆરપીએફ કોબરા અને ડીઆરજીના જવાનો સાથે નક્સલીઓની અથડામણ ચાલુ છે. બસ્તરના આઈજી સુંદરરાજ પી એ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર સુકમા જિલ્લાના ટેકલગુડેમ ગામમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા અને નક્સલી ગતિવિધિઓ પર નજર રાખવા માટે એક સુરક્ષા શિબિર બનાવવામાં આવી હતી. કેમ્પ ગોઠવ્યા બાદ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, કોબ્રા બટાલિયન અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન નક્સલીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
ઇજાગ્રસ્ત જવાનોને સારવાર માટે રાયપુર મોકલ્યા
સુરક્ષા દળોએ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો, જે બાદ નક્સલીઓ જંગલની આડમાં ભાગી ગયા હતા. જોકે અથડામણ દરમિયાન ત્રણ સૈનિકો શહીદ થયા છે અને 14 ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત જવાનોને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : સમાજવાદી પાર્ટીએ 16 ઉમેદવારોની જાહેરાત કરી, યાદવ પરિવારના 3 સભ્યો
2021માં ટેકલગુડેમ જંગલમાં પોલીસ-નક્સલી અથડામણમાં 23 સૈનિકો શહીદ થયા હતા. બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પી એ જણાવ્યું હતું કે બસ્તર પોલીસ અને તૈનાત સુરક્ષા દળો આ વિસ્તારના લોકોને નક્સલી સમસ્યાથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે વર્ષ 2021માં ટેકલગુડેમ અથડામણમાં ભારે નુકસાન થયું હોવા છતાં અમે ફરીથી જાહેર હિતમાં ટેકલગુડેમ ગામમાં શિબિર સ્થાપિત કરીને ક્ષેત્રની શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે સમર્પિત થઇને કામ કરીશું.
આ મહિનાની શરૂઆતમાં સુરક્ષા દળોએ ત્યાં બે પોલીસ છાવણીઓ સ્થાપી હતી, જેને મુખ્ય નક્સલ વિસ્તાર માનવામાં આવે છે, જે જંગલની અંદર છે. પ્રજાસત્તાક દિવસ પર સુકમા-બીજાપુર વિસ્તારમાં પ્રથમ વખત ભારતીય ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં ડાબેરી ઉગ્રવાદ (LWE) પર છત્તીસગઢની રાજધાની રાયપુરમાં તમામ હિતધારકો સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં માઓવાદી ખતરો સમાપ્ત થવો જોઈએ.





