ગલવાન અથડામણ અને અરુણાચલ પ્રદેશના વિવાદ વચ્ચે ચીનના રક્ષા મંત્રી ભારત આવી રહી છે. ચીનના રક્ષા મંત્રી લી શાંગફુ અને રશિયાના ડિફેન્સ મિનિસ્ટર સર્ગેઈ શોઇગુએ પુષ્ટિ કરી છે કે તેઓ સમૂહના અન્ય સભ્ય દેશોના તેમના સમકક્ષો સાથે આગામી અઠવાડિયે નવી દિલ્હીમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની મિટિંગમાં ભાગ લેશે.
ગલવાન ખીણની અથડામણ બાદ પહેલીવાર ચીનના રક્ષા મંત્રી ભારતમાં
વર્ષ 2020માં લદ્દાખ સ્થિત ગલવાન ખીણમાં ભારત- ચીનના સૈનિકો વચ્ચે લોહીયાળ અથડામણ બાદ પહેલીવાર ચીનના રક્ષામંત્રી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પૂર્વીય લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કેન્ટ્રોલ પર અમુક સંધર્ષ પોઇન્ટ પીછેહઠ કરાયા બાદ કોઈ નિરાકરણ ન આવતાં બંને દેશો વચ્ચે સરહદે તણાવ સતત વધી રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરના યાંગત્ ખાતે પણ ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. તો ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેનનું યુદ્ધ શરૂ થયા બાદ રશિયાના ડિફેન્સ મિનિસ્ટર પહેલીવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે.
SCOના સભ્ય દેશો કોણ કોણ છે
ચીન અને રશિાયના રક્ષા મંત્રીઓ આગામી 27 અને 28 એપ્રિલે યોજાનારી SCO ડિફેન્સ મિનિસ્ટર્સની મિટિંગમાં ભાગ લેશે. SCOના સભ્ય દેશોમાં ભારત, રશિયા, ચીન, કિર્ગીઝ રિપબ્લિક, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને પાકિસ્તાનનો સમાવેશ છે.
SCO મિટિંગમાં ક્યા મુદ્દાઓ પર ચર્ચા થશે
ભારતમાં યોજાનાર SCOની મિટિંગની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે. આતંકવાદ, પ્રાદેશિક સુરક્ષા અને અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિને લગતા મુદ્દાઓ બેઠકમાં મુખ્ય રહેવાની અપેક્ષા છે.
શું પાકિસ્તાનના રક્ષા મંત્રી ભારત આવશે?
જ્યારે ભારતે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફને પણ આ બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ તેમાં ભાગ લેશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. SCO ડિફેન્સ મિનિસ્ટર્સની બેઠકના અનુસંધાનમાં ગોવામાં 5 મેના રોજ વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે, જેમાં પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભાગ લેવાની પુષ્ટિ કરી છે.
વિતેલ સપ્તાહની શરૂઆતમાં જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાથી આ મુલાકાતો પર વાદળો ઘેરાવાની સંભાવના છે, જેમાં આ હુમલાની તપાસમાં પાકિસ્તાની આતંકવાદી જૂથોની સંડોવણી તરફ ઇશારો કરવામાં આવ્યો છે.