/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Christmas-2024-BJP-Kerala.jpg)
લોકસભા ચૂંટણી 2024 - ભાજપનો કેરળ પ્લાન
Christmas 2024 : આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. 2024 ને લઈને ભાજપે દક્ષિણ ભારતના દરેક રાજ્ય માટે અલગ-અલગ રણનીતિ બનાવી છે. આ સમયે સમગ્ર દેશ નાતાલના તહેવારની ઉજવણી કરી રહ્યો છે. કેરળમાં ક્રિસમસ પર એક અલગ જ ઉજવણી યોજવામાં આવી છે. દેશના અન્ય રાજ્યો કરતા કેરળમાં ખ્રિસ્તીઓની વસ્તી વધુ હોવાથી અહીં ક્રિસમસનો ઉત્સાહ વધુ જોવા મળે છે.
આ વખતે ભાજપે ક્રિસમસને પોતાની રણનીતિનો ભાગ બનાવ્યો છે. રાજ્યમાં ભાજપના કાર્યકરો ક્રિસમસના અવસર પર ખ્રિસ્તી સમુદાયના લોકોના ઘરે પહોંચીને નાતાલની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઇરીક્કુર વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના વિભાગીય અધ્યક્ષ અજી કુમાર અને પક્ષના લઘુમતી મોરચાના જિલ્લા અધ્યક્ષ અરુણ થોમસ કેરળમાં નીકળેલી સ્નેહ યાત્રાની ઘણી ટીમોમાંથી એકનો ભાગ છે. પીએમ નરેન્દ્ર મોદીનો સંદેશ લઈને બંને કન્નુર જિલ્લામાં ખ્રિસ્તી સમુદાયના ઘરે પહોંચી રહ્યા છે.
વાસ્તવમાં, ભાજપનો ઉદ્દેશ્ય પીએમ નરેન્દ્ર મોદીના સંદેશ સાથે નાતાલના અવસર પર રાજ્યમાં રહેતા તમામ ખ્રિસ્તી સમુદાયના ઘરો સુધી પહોંચવાનો અને પાર્ટી વિશે ફેલાયેલી મૂંઝવણને દૂર કરવાનો પ્રયાસ કરવાનો છે. ભાજપે આ પહેલ કેરળમાં 22મી ડિસેમ્બરે શરૂ કરી છે, જે 31મી ડિસેમ્બર સુધી ચાલશે.
ભાજપને ખ્રિસ્તી સમુદાય તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે?
અજી કુમાર અને અરુણ થોમસ જિલ્લા મુખ્યાલયથી લગભગ 50 કિમી દૂર એરુવેસીમાં રબરના નાના ખેડૂત જોસેફ ઉર્ફે પપ્પાચનના ઘરે પહોંચે છે. પપ્પાચન તેમને કહે છે કે, તેઓ લાંબા સમયથી કોંગ્રેસ સાથે છે, આ વિસ્તારમાં રહેતા અન્ય ખ્રિસ્તી સમુદાયના લોકોનું પણ એવું જ વલણ છે. તેમનું કહેવું છે કે, પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવા બદલ તેઓ પીએમ મોદીની પ્રશંસા કરે છે. આ એક રાહત હતી.
આ દરમિયાન, બીજેપીની તરફેણ કરતા અરુણ થોમસ કહે છે, "મોદી 9 વર્ષથી દેશ પર શાસન કરી રહ્યા છે. શું તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો? અન્ય લોકો કહેતા હતા કે, ખ્રિસ્તીઓને બહાર ફેંકી દેવામાં આવશે પરંતુ ભારત હવે દરેક માટે સુરક્ષિત છે."
જો કે, આ સમય દરમિયાન પપ્પાચન તેમને મણિપુરમાં થઈ રહેલી હિંસા વિશે સવાલ કરે છે અને બીજેપી નેતા તેમને સમજાવે છે કે, મણિપુરમાં સાંપ્રદાયિક હિંસાનો ઈતિહાસ છે. પપ્પાચનનું કહેવું છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ ત્યાંની સ્થિતિને ધ્યાનમાં લઈને આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ.
જો કે, ક્ષણોમાં વાતચીત રબરમાં ફેરવાઈ ગઈ. પપ્પાચન કહે છે કે જો રબરના ભાવ વધશે તો તેઓ ચોક્કસપણે ભાજપને સમર્થન કરશે. તેમનું કહેવું છે કે, અમે નથી ઈચ્છતા કે રબરની કિંમત 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જાય, જો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી જાય તો તેઓ ખુશ થશે. હાલના સમયમાં આ વિસ્તારમાં રબરનો ભાવ 140 થી 150 રૂપિયા પ્રતિ કિલો છે. એક દાયકા પહેલા તે 250 રૂપિયા પ્રતિ કિલો હતો.
અરુણ થોમસ આ માટે અગાઉની યુપીએ સરકારને જવાબદાર માને છે. પપ્પાચનને પીએમ મોદીની તસવીર સાથેનું ક્રિસમસ ગ્રીટિંગ કાર્ડ આપતા પહેલા તેમણે કહ્યું કે, કોંગ્રેસે રબરના ખેડૂતોનો નાશ કર્યો. આ પછી થોમસ અને અજી કુમાર બીજા ઘર તરફ જાય છે.
ઇરુવેસી પંચાયત ઇરીક્કુર વિધાનસભા મત વિસ્તારનો ભાગ છે, અહીં માત્ર કોંગ્રેસને ચૂંટણીમાં સફળતા મળી છે. ભાજપ પણ આ વિધાનસભામાં પડકારરૂપ ખેલાડી નથી. અહીં ખ્રિસ્તી મતદારોની સારી સંખ્યા છે, તેઓ ખેતી કરે છે અને કેથોલિક ચર્ચના છે. અહીં 93 બૂથમાંથી માત્ર 25 બૂથમાં ભાજપની સંપૂર્ણ ટીમ છે અને તે 74 બૂથમાં હાજર છે.
જો કે હવે ભાજપ કોંગ્રેસ અને ખ્રિસ્તી સમુદાય વચ્ચે વધી રહેલા અંતરનો ફાયદો ઉઠાવવા માંગે છે. મણિપુરમાં થયેલી હિંસાએ ભાજપના આ ઈરાદાને નુકસાન પહોંચાડ્યું છે પરંતુ, તેમ છતાં પાર્ટી અન્ય મુદ્દાઓ દ્વારા તેમની નજીક જવાનો પ્રયાસ કરી રહી છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનો તાજેતરનો સંઘર્ષ તે વિવાદોમાંનો એક છે. ભાજપનું માનવું છે કે, રાજ્યના મોટાભાગના ખ્રિસ્તીઓ શાસક સીપીઆઈ (એમ) અને વિપક્ષ કોંગ્રેસ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઉભેલાથી ખુશ નથી. ઈરુવેસી પંચાયતમાં આવતા ચેમ્પેરીમાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઈઝરાયેલ સાથે એકતાની પ્રતિજ્ઞા કરવા માટે ભાજપના સમર્થન સાથે રેલી કાઢી હતી.
રબરના ભાવ ખૂબ જ મહત્વપૂર્ણ છે
આ વિસ્તારમાં રબરના ભાવ એક મોટો વિષય છે. આ વર્ષની શરૂઆતમાં, કન્નુર જિલ્લાના ટેલિચેરીના આર્કબિશપ જોસેફ પમ્પલાનીએ કહ્યું હતું કે, જો રબરના ભાવ વધારવામાં મદદ કરશે તો ખ્રિસ્તીઓ ભાજપને ટેકો આપશે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ માંગ જોર પકડી રહી છે. રબરના વેપારી થોમસ અનાથક્કટ્ટુ, જેમના ઘરે બંને બીજેપી નેતાઓ અજી કુમાર અને અરુણ થોમસ ગયા હતા, કહે છે કે રબરના ખેડૂતોએ ભાજપ પર તેમની આશાઓ બાંધી છે.
આ પણ વાંચો - Poonch terror attack Impact : પૂંછમાં 3 નાગરિકોના મોતના પડઘા ઘાટીમાં : ‘શું આ છે નવું કાશ્મીર?’
તેમનું કહેવું છે કે, આ વિસ્તારમાં રહેતા મોટી સંખ્યામાં ખ્રિસ્તી લોકો, જેઓ પહેલા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, તેઓને હવે ભાજપ પાસેથી આશાઓ છે. જો કે, આ દરમિયાન તેમણે એ પણ ખુલાસો કર્યો કે, પ્રદેશના લોકો માને છે કે પીએમ મોદી સત્તામાં પાછા આવશે, પરંતુ તેમ છતાં અહીંના લોકો ભાજપને માત્ર એટલા માટે વોટ નહીં આપે કારણ કે તેમને ઓછી આશા છે કે પાર્ટી કેરળમાં સારું પ્રદર્શન કરશે. તેઓ કહે છે, "ભાજપ સરકારે ઘણા મુદ્દાઓ પર ડિલિવરી કરી હોવા છતાં, લોકો વિચારે છે કે જે પાર્ટીને જીતવાની ઓછી તક હોય તેને મત આપવાનો શું અર્થ છે."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us