Chandigarh mayoral polls : ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને થયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું છે કે આ લોકતંત્રની હત્યા છે. આવા મજાકને મંજૂરી આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીજેઆઈનો ગુસ્સો રિટર્નિંગ ઓફિસર પર જોવા મળ્યો હતો. કોર્ટમાં એક વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે રિટર્નિંગ ઓફિસર કથિત રીતે વોટ કેન્સલ કરી રહ્યા છે. આ જ વીડિયોના આધારે સીજેઆઈએ નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે.
સુનાવણી દરમિયાન સીજેઆઈએ રિટર્નિંગ ઓફિસરની ઝાટકણી કાઢતા કહ્યું કે બેલેટ પેપર સાથે ચેડાં થયા હોવાનું સ્પષ્ટ છે. તેમની સામે કાર્યવાહી થવી જ જોઈએ. તેઓ કેમ સતત કેમેરા સામે જોઈ રહ્યા છે, આ લોકતંત્રની મજાક છે, હત્યા છે, અમ ચકિત છીએ. શું કોઇ રિટર્નિંગ ઓફિસરના આવા વલણને સહન કરી શકાય? આટલું બોલ્યા બાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ યોગ્ય રીતે ચૂંટણી કરાવી શક્યા નથી.
આ પણ વાંચો – શું છે પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ? ભાજપના સાંસદ હરનાથ સિંહ યાદવે નાબૂદ કરવાની માંગ કરી
ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેંચે સોમવારે નિર્દેશ આપ્યો કે તાજેતરમાં યોજાયેલી ચંદીગઢ મેયરની ચૂંટણીનો સમગ્ર રેકોર્ડ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટાર જનરલની કસ્ટડીમાં જપ્ત કરવામાં આવે. બેન્ચે એ પણ નિર્દેશ આપ્યો કે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન 7 ફેબ્રુઆરીની સુનિશ્ચિત બેઠક આગામી આદેશો સુધી મુલતવી રાખે.
જાણકારી માટે જણાવી દઈએ કે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપે ત્રણેય સીટો પર જીત મેળવી હતી. પાર્ટી દ્વારા બતાવવામાં આવ્યું હતું કે આ ઇન્ડિયા ગઠબંધનની હાર છે કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. પરંતુ આપનો આરોપ છે કે મતો સાથે છેડછાડ કરવામાં આવી હતી અને ઓછા વોટ મળવા છતાં ભાજપને જીત મળી હતી.





