Babri Demolition : ધ ઇન્ડિયન એક્સપ્રેસના કંટ્રીબ્યૂટિંગ એડિટર અને સ્તંભકાર નીરજા ચૌધરીએ પોતાના આગામી પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડ’માં અનેક મોટા દાવા કરવામાં આવ્યા છે. તેમણે લખ્યું હતું કે તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવ પોતે બાબરીનો ધ્વંસ ઇચ્છતા હતા. સાથે જ તેમની ઈચ્છા અયોધ્યામાં મંદિર બનાવવાની હતી.
આ પુસ્તકમાં આ ઘટનાઓનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, જેના કારણે 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ ધ્વંસ થઇ હતી. પુસ્તકમાં ડિમોલિશનના થોડા દિવસો બાદ પત્રકાર નિખિલ ચક્રવર્તી અને વડા પ્રધાન રાવ વચ્ચેની મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંને સારા મિત્રો હતા.
જે થયું તે ઠીક થયું…
ચક્રવર્તીએ રાવને ચિડાવતા કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમે 6 ડિસેમ્બરના રોજ બાર વાગ્યા પછી પૂજા કરી રહ્યા હતા. ગુસ્સે ભરાયેલા રાવે ચક્રવર્તી પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે દાદા, તમને લાગે છે કે હું રાજકારણ જાણતો નથી. મારો જન્મ રાજનીતિમાં થયો છે અને હું આજ સુધી માત્ર રાજનીતિ જ કરી રહ્યો છું. જે થયું તે બરાબર હતું. મેં આવું એટલા માટે થવા દીધું જેથી ભારતીય જનતા પાર્ટીની મંદિરની રાજનીતિનો કાયમ માટે અંત આવી જાય.
નરસિમ્હા રાવ મંદિર બનાવવા માંગતા હતા
આ પુસ્તકમાં અયોધ્યા સેલના પ્રમુખ રહેલા નરેશ ચંદ્રા સાથે કામ કરી ચૂકેલા સીઆઈએસએફના પૂર્વ ડીઆઈજી અને આઈપીએસ અધિકારી કિશોર કુણાલના હવાલાથી કહેવામાં આવ્યું છે રાવ એક મંદિર બનાવવા માગતા હતા જ્યાં રામ લલ્લાની મૂર્તિઓ રાખવામાં આવે.
આ પુસ્તકમાં નીરજા ચૌધરી લખે છે કે પોલીસ અધિકારી કિશોર કુણાલે મને કહ્યું હતું કે જ્યાં રામ લલા બિરાજમાન છે નરસિમ્હા રાવજી ત્યાં એક મંદિર બનાવવા માંગતા હતા. રાવે તેમના મીડિયા સલાહકાર પીવીઆરકે પ્રસાદને એક ટ્રસ્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો જે એક મંદિર બનાવી શકે જ્યાં એક સમયે મસ્જિદ હતી.
આ પણ વાંચો – ભાજપનું ઉત્તર પ્રદેશ ચૂટણીમાં મિશન 80, જેપી નડ્ડાની નવી ટીમ સાથે રાજસ્થાન ચૂંટણી સહિત લોકસભા ઇલેક્શન 2024 પર નજર
ધ્વંસ બાદ પ્રસાદ રવિવારે (13 ડિસેમ્બર, 1992) રાવને મળવા ગયા હતા. તેમણે વડા પ્રધાનને એકલા અને ચિંતનશિલ મૂડમાં જોયા હતા. રાવે પ્રસાદને ચિંતાતુર થઈને પૂછ્યું હતું આપણે ભાજપ સામે લડી શકીએ છીએ, પરંતુ આપણે ભગવાન રામ સામે કેવી રીતે લડી શકીએ? જ્યારે આપણે કહીએ છીએ કે કોંગ્રેસ એક બિનસાંપ્રદાયિક પક્ષ છે, ત્યારે તેનો અર્થ એ નથી કે આપણે નાસ્તિક છીએ. તેમણે કહ્યું કે ભાજપ દ્વારા અયોધ્યામાં મંદિર નિર્માણના બહાને ભગવાન રામ પર એકાધિકાર લાદીને લોકોની આંખોમાં ધૂળ નાખવી કેટલી હદે વાજબી છે?
શરદ પવારે અલગ જ દાવો કર્યો
શરદ પવારે પોતાના સંસ્મરણો ‘અપની શરતો પર’માં પોતાના અનુભવ પરથી લખ્યું છે કે રાવ બાબરી મસ્જિદનો ધ્વંસ કરવા માગતા ન હતા પરંતુ આ ધ્વંસને રોકવા માટે જરૂરી પગલાં ભર્યા ન હતા. પવારે કહ્યું હતું કે ગ્વાલિયરના પૂર્વ મહારાણી અને ભાજપના નેતા વિજયારાજે સિંધિયા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ વડાપ્રધાન નરસિમ્હા રાવને સ્પષ્ટ આશ્વાસન આપ્યું હતું કે કાયદાનું ઉલ્લંઘન નહીં થાય. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણ સિંહે લેખિતમાં ખાતરી આપી હતી કે સરકાર વિવાદિત સ્થળે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને અટકાવશે.
જ્યારે નરસિમહા રાવને કારસેવકો સામે કડક કાર્યવાહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે મને રાજમાતાની વાતો પર પૂરો વિશ્વાસ છે. હું જાણું છું કે તેણી મને નીચું દેખાડશે નહીં. જોકે પવારે આશંકા વ્યક્ત કરી હતી કે આ નેતાઓ પર વિશ્વાસ કરવો ખતરનાક હોઈ શકે છે.
જણાવી દઈએ કે જ્યારે 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. વડા પ્રધાન નરસિમ્હા રાવ અને રક્ષા મંત્રી શરદ પવાર હતા. ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર હતી અને કલ્યાણ સિંહ મુખ્યમંત્રી હતા.