scorecardresearch

સત્યપાલ મલિકના 2019 પુલવામાના દાવાનો મામલો, ‘ગવર્નર હતા ત્યારે કેમ ચૂપ રહ્યા’: અમિત શાહ

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ (J&K Governor) સત્યપાલ મલિક (Satya Pal Malik) ના પુલવામા હુમલા (Pulwama attack) પરના દાવા અને તેમની સીબીઆઈ (CBI) દ્વારા પુછપરછ મામલે અમિત શાહે (Amit Shah) જવાબો આપ્યા. તો જોઈએ તેમણે શું કહ્યું.

Former Jammu and Kashmir governor Satya Pal and Amit Shah (Express file photo)
પૂર્વ જમ્મુ કાશ્મીર ગવર્નર સત્યપાલ અને અમિત શાહ (એક્સપ્રેસ ફાઈલ ફોટો)

લિઝ મેથ્યુ, દીપ્તિમાન તિવારી : જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના 2019ના પુલવામા હુમલા દરમિયાન સરકારની ભૂલો અંગેના આરોપોને નકારી કાઢતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, આવા દાવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ થવો જોઈએ કારણ કે, આ દાવો મલિક સત્તા પર નથી ત્યારબાદ કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું, ‘તમારે એ પણ પૂછવું જોઈએ કે, અમે તેમની સાથે નથી ત્યારે જ લોકોને આ બધી વાતો કેમ યાદ આવે છે. જ્યારે લોકો સત્તામાં હોય ત્યારે આ વિવેક કેમ જાગતો નથી? તેથી (દાવાઓ) વિશ્વસનીયતા લોકો અને પત્રકારોએ તપાસવી જોઈએ. જો આ બધું સાચું છે તો તેઓ રાજ્યપાલ હતા ત્યારે ચૂપ કેમ હતા.

જ્યારે મલિકનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. મલિકે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “હું મિસ્ટર શાહનું સન્માન કરું છું અને હું તેમની સાથે દલીલ કરવા માંગતો નથી. તેમને કદાચ આ યાદ ન હોય પરંતુ જ્યારે હું સત્તામાં હતો ત્યારે મેં પુલવામા અને ખેડૂતોના સંઘર્ષ સાથે બંને મુદ્દા ઉઠાવ્યા હતા. પુલવામા જે દિવસે બન્યું તે દિવસે મેં તેનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ મને ચૂપ રહેવા માટે કહેવામાં આવ્યું હતું.”

શાહે કહ્યું કે, ભાજપ સરકારે એવું કંઈ કર્યું નથી જેને છુપાવવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહે કહ્યું કે, ‘જો કોઈ અમારી સાથે છૂટા પડ્યા પછી તેના રાજકીય હિત માટે કંઈક કહે છે, તો તેની પાછળ કંઈક તો છે, જે લોકો અને મીડિયાએ મૂલ્યાંકન કરવું જોઈએ. જ્યારે તમે સત્તાની બહાર હોવ અને પછી આક્ષેપો કરો, ત્યારે તે આરોપોનું મૂલ્ય આંકવું જોઈએ.”

આરોપો લગાવ્યાના થોડા દિવસો પછી સીબીઆઈ દ્વારા મલિકને પૂછપરછ માટે શા માટે બોલાવવામાં આવ્યા તે પ્રશ્નના જવાબમાં શાહે કહ્યું, “તે સાચું નથી (કે તેમને સીબીઆઈ દ્વારા બોલાવવામાં આવ્યા છે કારણ કે, તેમણે સરકારની ટીકા કરી હતી). જ્યાં સુધી મને ખબર છે, આ ત્રીજી વખત છે જ્યારે તેમને બોલાવવામાં આવી રહ્યા છે. ત્યાં તપાસ ચાલી રહી છે. એમાં એમણે જે કંઈ કહ્યું છે, જે કંઈ પુરાવા એકત્ર કર્યા છે, એ માટે તેમને બોલાવવામાં આવ્યા છે.

મલિકે શુક્રવારે દાવો કર્યો હતો કે, જમ્મુ-કાશ્મીરમાં ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ દ્વારા તેમને સમન્સ મોકલવામાં આવ્યા હતા.

મલિકની ગવર્નર તરીકે નિમણૂક કરીને સરકારે ખોટી પસંદગી કરી છે કે, કેમ તે અંગે પૂછવામાં આવતા શાહે કહ્યું, “તેઓ લાંબા સમયથી ભાજપ સાથે છે. હું રાષ્ટ્રીય રાજનીતિમાં આવ્યો તે પહેલા પણ તેઓ રાજનાથ સિંહના નેતૃત્વમાં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા. તે અમારી ટીમમાં પણ છે. એવું થાય છે, પસંદગી થઈ ગઈ. જો કોઈ સમય સમય પર બદલાય જાય તો શું કરી શકાય?’

મલિકે તાજેતરમાં દાવો કર્યો હતો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને 14 ફેબ્રુઆરી, 2019 ના પુલવામા હુમલા પછી કેટલીક કથિત ભૂલો પર ચૂપ રહેવા કહ્યું હતું, જેમાં 40 CRPF જવાનો માર્યા ગયા હતા. ધ વાયર માટે કરણ થાપરને આપેલી મુલાકાતમાં, મલિક, જેઓ ઓગસ્ટ 2018 થી ઓક્ટોબર 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના ગવર્નર હતા, તેમણે દાવો કર્યો હતો કે, ગૃહ મંત્રાલયને તેમના કર્મચારીઓને લઈ જવા માટે CRPF દ્વારા માંગવામાં આવેલા પાંચ વિમાનો પૂરા પાડવાનો ઇનકાર કર્યો હતો, પરિણામે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ એક કાફલામાં માર્ગ દ્વારા મુસાફરી કરી રહ્યા હતા અને ઘાતક આતંકવાદી હુમલાના નિશાન બની ગયા હતા.

મલિકે શુક્રવારે (21 એપ્રિલ) કહ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં પૂછપરછ માટે CBI દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હતા. આ કેસ અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ સાથે જોડાયેલી વીમા યોજનામાં ગેરરીતિઓના આરોપો સાથે સંબંધિત છે. મલિકે આ મામલે તેણીને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. મલિકે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “CBI અધિકારીઓએ મને ફોન કર્યો અને પૂછ્યું કે, શું હું આ દિવસોમાં દિલ્હીમાં રહીશ. મેં મતેને કહ્યું કે, હું 23 એપ્રિલે દિલ્હી આવીશ. તેઓ યોજનાઓ પર કેટલીક સ્પષ્ટતા માંગવા માંગે છે, જેના માટે મારે અકબર રોડ પરના તેમના ગેસ્ટ હાઉસમાં જવું પડશે.”

ઇન્ટરવ્યુ દરમિયાન, શાહે માનહાનિના કેસમાં દોષિત ઠેરવવાને કારણે સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા બાદ રાહુલ ગાંધીનું નિવાસસ્થાન ગુમાવવાની વાત પણ કરી હતી. શાહે કહ્યું કે, “અમે રાહુલ ગાંધીને ઓબીસીનું અપમાન કરવાનું કહ્યું નથી. આ તેમના સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું. અમે કોઈને સજા કરી શકતા નથી. માફી ન માંગવાનો તેમનો નિર્ણય છે. તેમણે જ વટહુકમ ફાડી નાખ્યો હતો. તેથી હવે જ્યારે તે કાયદાની ખોટી બાજુએ છે, તો તેમણે ભોગ બનવું જોઈએ નહીં. કોઈએ એવું ન વિચારવું જોઈએ કે તે કાયદાથી ઉપર છે. કોઈપણ પરિવાર કાયદાથી ઉપર નથી. કોંગ્રેસ તેના સમયમાં મામલાનો નિષ્કર્ષ લાવી શકી નથી. આ કિસ્સામાં, આ એક સજા છે.”

ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

Web Title: Claims of satya pal malik 2019 pulwama attack case amit shah replied to all the allegations

Best of Express