Sengol : કોંગ્રેસે શુક્રવારે દાવો કર્યો હતો કે લોર્ડ માઉન્ટબેટન, સી રાજગોપાલાચારી અને જવાહરલાલ નહેરુ દ્વારા સેંગોલ સંબંધિત કોઈ દસ્તાવેજી પુરાવા નથી. હાલના દિવસોમાં સેંગોલની ઘણી ચર્ચા થઇ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે 24 મે ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પીએમ મોદી નવા સંસદ ભવનમાં ‘સેંગોલ’ને સ્થાપિત કરશે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આઝાદી સમયે અંગ્રેજોએ આ સેંગોલ દ્વારા ભારતને સત્તા હસ્તાંતરિત કરી હતી. જોકે હવે કોંગ્રેસ આ દાવાને ખોટા ગણાવી રહી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને કહ્યું કે આ દાવાઓ ખોટા છે અને તેને વોટ્સઅપ દ્વારા લોકોના મનમાં ભરવામાં આવી રહ્યા છે. મીડિયા આ દાવાઓને લઇને ઢોલ વગાડી રહ્યું છે.
જયરામ રમેશે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માટે ઢોલ વગાડનારા લોકો તમિલનાડુમાં પોતાના રાજકીય લાભ માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે લખ્યું છે કે આ લોકોની વિશેષતા છે કે તેઓ તેમના હેતુ હેઠળ તથ્યોને જટિલ બનાવે છે.
અમિત શાહનો વળતો પ્રહાર
કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂછ્યું કે કોંગ્રેસ પાર્ટી ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિને આટલી નફરત કેમ કરે છે? શાહે ટ્વિટ કરીને કહ્યું કે ભારતની આઝાદીના પ્રતીક રૂપે તમિલનાડુના એક પવિત્ર શૈવ મઠ દ્વારા પંડિત નેહરુને એક પવિત્ર સેંગોલ આપવામાં આવ્યું હતું. પરંતુ તેને એક સંગ્રહાલયમાં આપી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – નવા સંસદ ભવનમાં ‘સેંગોલ’ સ્થાપિત કરાશે : ચોલા વંશના ‘રાજદંડ’નું શું મહત્વ છે
અમિત શાહે કહ્યું કે એક પવિત્ર શૈવ મઠ, થિરુવદુથુરાઇ અધિનમે ભારતની સ્વતંત્રતા સમયે સેંગોલના મહત્વ વિશે વાત કરી હતી. કોંગ્રેસ અધિનમના ઇતિહાસને ખોટા ગણાવી રહી છે! કોંગ્રેસે તેના વ્યવહાર પર વિચાર કરવાની જરૂર છે.
ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે જે પક્ષો નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરી રહ્યા છે તે વંશવાદ આધારિત છે, જેમની રાજાશાહી પદ્ધતિઓ આપણા બંધારણમાં સ્થાપિત પ્રજાસત્તાકવાદ અને લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ભાજપ અધ્યક્ષે બહિષ્કારને બંધારણના નિર્માતાઓનું અપમાન ગણાવ્યું હતું. ભાજપના પ્રમુખે કહ્યું કે કોંગ્રેસ અને “નહેરુ-ગાંધી” પરિવાર એક સરળ હકીકતને પચાવવામાં અસમર્થ છે કે ભારતના લોકોએ નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવતા વ્યક્તિમાં પોતાનો વિશ્વાસ મુક્યો છે. રાજવંશોની કુલીન માનસિકતા તેમને તાર્કિક વિચારસરણીથી રોકી રહી છે.