Congress Foundation Day : કોંગ્રેસ પાર્ટી 137 વર્ષની થઇ ગઇ છે. દેશની સૌથી જૂની રાજનીતિક પાર્ટી કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ એઓ હ્યુમે (Allan Octavian Hume) કરી હતી. વ્યોમેશ ચંદ્ર બેનર્જી પાર્ટીના પ્રથમ અધ્યક્ષ (Congress Party First President) બન્યા હતા. આઝાદી પછી 1952માં કોંગ્રેસ પ્રથમ વખત રાજનીતિમાં ઉતરી હતી. પંડિત જવાહરલાલ નેહરુની આગેવાનીમાં 1952ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 401માંથી 364 સીટો જીતીને ઇતિહાસ રચી દીધો હતો. કોંગ્રેસને પ્રથમ લોકસભા ચૂંટણીમાં 45 ટકા વોટ મળ્યા હતા અને આ રીતે નેહરુ યુગની શરૂઆત થઇ હતી.
ચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રદર્શન
1957ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન વધારે શાનદાર થયું હતું. 403 સીટોમાંથી 371 સીટો જીતી હતી અને વોટ શેટ પણ 2.8% ના વધારા સાથે 47.8 ટકા સુધી પહોંચી ગયો હતો. એટલે કે કુલ વોટના લગભગ અડધા. 1962 અને 1967ની ચૂંટણીમાં લોકસભાની સીટો વધી પણ કોંગ્રેસનું પ્રદર્શન ગત ચૂંટણીના મુકાબલે ખરાબ રહ્યું હતું.
1962ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 494માંથી 361 સીટો જીતી હતી પણ વોટ શેર ઘટીને 44.7% રહી ગયો હતો. 1957ના મુકાબલે વોટ શેરમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. 1967માં થયેલી ચૂંટણીમાં 520 સીટોમાંથી પાર્ટીને 283 સીટો મળી હતી અને વોટ શેર 40.8% રહ્યો હતો. 1971ની લોકસભા ચૂંટણીમાં 518 સીટોમાંથી કોંગ્રેસને 362 સીટો પર જીત મળી હતી અને વોટ શેર 43.7% રહ્યો હતો.
1977માં લાગ્યો પ્રથમ ઝટકો
1977માં લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માટે ખરાબ સાબિત થઇ હતી. ઇમરજન્સી પછી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. 543 સીટોમાંથી કોંગ્રેસને ફક્ત 154 સીટો મળી હતી અને પાર્ટીનો વોટ શેર 34.5 ટકા રહી ગયો હતો. જોકે 3 વર્ષ પછી 1980માં થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ફરીથી વાપસી કરી અને 543માંથી 353 સીટો જીતી હતી અને પોતાનો વોટ શેર 42.7% સુધી પહોંચાડ્યો હતો.
આ પણ વાંચો – લોકસભા 2024 અંગે રોડ મેપ તૈયાર કરશે આ નવ રાજ્યોની ચૂંટણી
ઇન્દિરાની હત્યા પછી 1984માં આવ્યું કોંગ્રેસનું વાવાઝોડું
1984માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો. ઇન્દિરા ગાંધીની હત્યા પછી થયેલી ચૂંટણીમાં પાર્ટીએ 543માંથી 415 સીટો પર જીત મેળવી હતી અને વોટ શેર 48.1% સુધી પહોંચાડ્યો હતો. જોકે પછી પાર્ટીનો ખરાબ સમય શરૂ થયો હતો. કોંગ્રેસ સત્તામાં તો આવી પણ પોતાનો વોટ શેર યથાવત્ રાખી શકી ન હતી. બીજેપી અને બીજી ક્ષેત્રીય પાર્ટીઓના ઉદય પછી કોંગ્રેસનો વોટ શેર સતત ઘટતો રહ્યો છે. 1989માં કોંગ્રેસે 197 સીટો જીતી અને વોટ શેર 39.5% રહ્યો હતો. 1991માં 244 સીટો જીતી હતી.
સોનિયા ગાંધી ના સંભાળી શક્યા વોટ શેર
1998માં સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. તે વર્ષે થયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 141 સીટો મળી પણ વોટ શેર ઘટીને 25.8% સુધી આવી ગયો હતો. 1999માં કોંગ્રેસને 114 સીટો મળી અને વોટ શેર 28.3% રહ્યો હતો. 2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 145 સીટો મળી અને વોટ શેર 26.5% હતો. 2009માં સીટોની સંખ્યા વધી હતી અને 206 સીટો પર જીત મળી હતી. વોટ શેર 28.6% રહ્યો હતો.
2014થી શરુ થયો કોંગ્રેસનો ખરાબ સમય
2014 અને 2019ની લોકસભા ચૂંટણી કોંગ્રેસ માટે ઘણી ખરાબ સાબિત થઇ હતી. આ દરમિયાન રાહુલ ગાંધી પણ થોડો સમય માટે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આંધીમાં કોંગ્રેસ ફક્ત 44 સીટો જીતી શકી હતી. વોટ શેર ઘટીને 19.5% પર આવી ગયો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ આ સિલસિલો યથાવત્ રહ્યો હતો. પાર્ટીએ 52 સીટો પર જીત મેળવી હતી. વોટ શેર 19.5% જ રહ્યો હતો.