Atiq Ahmed: માફિયા ડોન અતીક અહમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ બાદ રાજ્યની ભાજપ સરકાર અને પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે. હવે આ આ મામલે વધુ એક વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસના ઉમેદવાર રાજકુમાર સિંહે (રજ્જુ) અતીક અહમદની કબર પર તિરંગો ફરકાવ્યો અને ત્યારબાદ અતીક અહેમદ અમર રહે ના નારા પણ લગાવ્યા હતા.
આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસના નેતા રાજકુમાર સિંહ અતીક અહમદની કબર પર તિરંગો રાખતા જોવા મળે છે. તેની સાથે તે કલમા પણ વાંચી રહ્યો છે. આ પછી કોંગ્રેસના નેતાએ અતીક અહમદની કબર પાસે ઉભા રહીને અતીક અહમદ અમર રહે ના નારા પણ લગાવ્યા હતા.
અતિક અહમદની કબર પાસે બેસીને રાજકુમાર સિંહ કહે છે કે 1,24,000 જેટલા પણ પીર બાબા છે. તે અતીકને ન્યાય અપાવશે. કોંગ્રેસ નેતા કહે છે કે અતીક અહમદ તમે અમર છો, અમર રહેશો, હું તમને ભારત રત્ન અપાવીશ. શહીદનું સન્માન અપાવીશ. આ પછી કોંગ્રેસ નેતા રાજકુમાર અશરફની કબર ઉપર પણ તિરંગો ચડાવે છે. સાથે અતીક અહમદના પુત્ર અસદની કબર ઉપર પણ તિરંગો ચડાવે છે.
આ પણ વાંચો – Explained: અતિક-અશરફથી અસદ અહેમદ સુધી…ત્રણ મોત અને ત્રણ પિસ્તોલની કહાની
રાજકુમાર સિંહને પ્રયાગરાજ નગર નિગમના વોર્ડ નંબર 43થી કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર બનાવ્યો હતો. જોકે આ ઘટના પછી પાર્ટીએ તેને બહારનો રસ્તો બતાવી દીધો અને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. રાજકુમારનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રહી રહ્યો છે કે જો મુલાયમ સિંહ યાદવને પદ્મ વિભૂષણ આપવામાં આવી શકાય તો અતીક અહમદને ભારત રત્ન કેમ ના આપી શકાય.
મીડિયા સાથે વાત કરતા રાજકુમાર સિંહે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રાજીનામું પણ માંગ્યુ હતું. તેમણે કહ્યું કે યોગી સરકારે જ અતીક અહમદની હત્યા કરાવી છે. તે એક જનપ્રતિનિધિ હતા. તે શહીદ થયા છે. તેમને શહીદનો દરજ્જો મળવો જોઈએ. વીડિયો વાયરલ થયા બાદ પ્રયાગરાજ પોલીસે રાજકુમારની ધરપકડ કરી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.