સ્મૃતિ ઇરાનીએ કહ્યું – સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધને સનાતન ધર્મનું વારંવાર અપમાન કર્યું

Ayodhya Ram Mandir : 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે કોંગ્રેસના ત્રણ અગ્રણી નેતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે તેમણે તેનો અસ્વીકાર કર્યો છે

Written by Ashish Goyal
January 10, 2024 21:50 IST
સ્મૃતિ ઇરાનીએ કહ્યું – સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધને સનાતન ધર્મનું વારંવાર અપમાન કર્યું
અયોધ્યા રામ મંદિર (તસવીર - સોશિયલ મીડિયા)

Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી સામેલ નહીં થાય. કોંગ્રેસનું કહેવું છે કે આ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આયોજન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણીલક્ષી લાભ માટે અર્ધનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદનમાં એમ પણ કહ્યું કે કરોડો ભારતીયો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ મનુષ્યની અંગત બાબત છે, પરંતુ ભાજપ અને આરએસએસે વર્ષોથી અયોધ્યામાં રામમંદિરને ‘રાજકીય વિષય’ બનાવી દીધું છે. 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે કોંગ્રેસના ત્રણ અગ્રણી નેતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા અને અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આચાર્ય પ્રમોદ સહિત અનેક નેતાઓના નિવેદનો બહાર આવી રહ્યા છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે કોણે શું કહ્યું?

કોંગ્રેસે આ આમંત્રણનો અસ્વીકાર કર્યા બાદ આચાર્ય પ્રમોદે કહ્યું હતું કે શ્રી રામ મંદિરના આમંત્રણને નકારી કાઢવું એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને આત્મઘાતી નિર્ણય છે, આજે હૃદય તૂટી ગયું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસે રામ મંદિરનું નિમંત્રણ ફગાવી દીધું છે. આ એ જ કોંગ્રેસ છે જેણે ભગવાન રામને કાલ્પનિક ગણાવ્યા હતા. આજે જ્યારે કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો બહિષ્કાર કર્યો છે ત્યારે આગામી સમયમાં ભારતની જનતા પણ તેમનો બહિષ્કાર કરશે તેવું સ્પષ્ટ જોઈ શકાય છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું આમાં કશું આશ્ચર્યજનક નથી

પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ નકારવા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો ભગવાન રામ વિરોધી ચહેરો દેશની સામે છે. આમાં આશ્ચર્યજનક કંઈ નથી. સોનિયા ગાંધીના નેતૃત્વમાં પાર્ટીએ કોર્ટ સમક્ષ સોગંદનામું દાખલ કર્યું હતું કે ભગવાન રામ એક કાલ્પનિક ચરિત્ર છે. આજે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણને નકારી કાઢવામાં આવ્યું. સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધને સનાતન ધર્મનું વારંવાર અપમાન કર્યું છે. હવે આઈ.એન.ડી.આઈ.એ. એલાયન્સના નેતાઓ દ્વારા પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણનો અસ્વીકાર કરવો તેમની સનાતન વિરોધી માનસિકતા દર્શાવે છે.

આ પણ વાંચો – સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નહીં જાય, આમંત્રણનો અસ્વીકાર કર્યો

ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ કહ્યું કે આમાં કોઈ આશ્ચર્ય થવું જોઈએ નથી. કોંગ્રેસ પાર્ટીએ છેલ્લા કેટલાક દાયકાઓથી અયોધ્યામાં મંદિર માટે કોઈ પગલું ભર્યું નથી. કોંગ્રેસ-યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ ભગવાન રામના અસ્તિત્વને નકારવા સોગંદનામું કર્યું હતું. તેઓએ કોર્ટમાં કેસ લડવાનું ચાલુ રાખ્યું હતું. હવે ત્યાં મંદિર બની ગયું છે ત્યારે એ વાત સાચી છે કે તેઓ કાર્યક્રમમાં નહીં હોય. આ બતાવે છે કે તેઓ ક્યારેય મંદિર ઇચ્છતા ન હતા અને હવે કહી રહ્યા છે કે તે ભાજપ અને આરએસએસનો કાર્યક્રમ છે. આ કોંગ્રેસ પાર્ટીની પોતાની વિચારસરણી સાથે બંધ બેસતું નથી. જો એમ જ હોત તો ભગવાન રામ પ્રત્યેના તેમના સ્નેહને કારણે તેઓ અયોધ્યામાં હોત અને લાખો ભારતીયોનો ઉત્સાહ વધાર્યો હોત.

કોંગ્રેસના લોકો પાગલ થઇ ગયા છે – સદાનંદ ગૌડા

સદાનંદ ગૌડાએ કહ્યું કે કોંગ્રેસના લોકો સંપૂર્ણપણે પાગલ થઇ ગયા છે, કારણ કે ભગવાન રામના આશીર્વાદ ભાજપના પક્ષમાં છે. દેશભરના લોકો છેલ્લા 10 વર્ષથી પીએમ મોદી અને તેમના કામનો પક્ષ લઈ રહ્યા છે. આ વખતે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં 50થી વધુ બેઠકો પર પણ નહીં પહોંચે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ