કોંગ્રેસના 85માં રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે શનિવારે પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ સંબોધન કર્યું હતું. આ દરમિયાન સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને આરએસએસે સ્વાયત્ત એજન્સીઓ ઉપર કબજો કરી લીધો છે. સોનિયા ગાંધીએ આ દરમિયાન વડાપ્રધાન મોદી ઉપર નિશાન સાધતા કહ્યું કે તેઓ દોસ્તો માટે દેશ ચલાવી રહ્યા છે.
સંમેલનમાં હાજર રહેલા પ્રતિનિધિઓ દ્વારા રાજકીય, આર્થિક અને આંતરરાષ્ટ્રીય બાબતો અંગેના પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે. સત્ર દરમિયાન સોનિયા માટે ‘આભાર’ નિવેદન પણ વાંચવામાં આવ્યું હતું.
સોનિયા ગાંધીએ શું કહ્યું?
સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ અને સમગ્ર દેશ માટે આ પડકારજનક સમય છે. ભાજપ-આરએસએસે દેશની એક-એક સંસ્થાને કબજે કરીને બરબાદ કરી નાખી છે. તેણે થોડા વેપારીઓને ફાયદો કરાવીને આર્થિક પાયમાલી ઊભી કરી છે. તેમણે કહ્યું કે મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વ હેઠળ 2004 અને 2009માં અમારી જીતથી મને વ્યક્તિગત સંતોષ મળ્યો પરંતુ મને સૌથી વધુ ખુશી એ છે કે મારી ઇનિંગ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ, જે કોંગ્રેસ માટે ટર્નિંગ પોઈન્ટ હતી.
મલ્લિકાર્જુન ખડગેએ ધ્વજ ફરકાવીને દિવસની શરૂઆત કરી હતી
સ્થળ પર પહોંચ્યા પછી, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજના કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. AICC મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પહેલાથી જ સ્થળ પર પહોંચી ગયા છે. તેમની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે રસ્તા પર ફેલાયેલા ગુલાબની ખાસ ચર્ચા છે.