Congress President Election Result: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીનું મતદાન થઈ ગયું છે જોકે આજે 19 ઓક્ટોબર બુધવારે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ સાથે જ 24 વર્ષ બાદ ગાંધી પરિવારના બહારના કોઈ નેતા પાર્ટીના આધ્યક્ષ તરીકે ચૂંટાશે. બુધવારે સવારે 10 વાગે દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યકાર્યાલયમાં શરૂ થશે. અધ્યક્ષ પદ માટે પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિર થરુર વચ્ચે ટક્કર છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે સોમવારે મતદાન થયું હતું.
લગભગ 9500 પ્રતિનિધિઓએ મતદાન કર્યું
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ઘણા વરિષ્ઠ નેતાઓ સહિત લગભગ 9500 પ્રતિનિધિઓએ પ્રમુખની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. સોમવારે લગભગ 96 ટકા મતદાન નોંધાયું હતું.
કોંગ્રેસ પક્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ
કોંગ્રેસ પક્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ છે. પ્રમુખ પદ માટે અત્યાર સુધી 1939, 1950, 1977, 1997 અને 2000માં ચૂંટણી થઈ છે. આ વખતે 22 વર્ષ બાદ પ્રમુખ પદ માટે ચૂંટણી થઈ રહી છે.
24 વર્ષ બાદ કોંગ્રેસ પક્ષને મળશે બિન-ગાંધી પ્રમુખ
24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારના કોઈ નેતાને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવશે. આ પહેલા સીતારામ કેસરી બિન-ગાંધી પ્રમુખ રહી ચૂક્યા છે.
મતગણતરી પાર્ટી હેડક્વાર્ટરમાં જ થશે
મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશના તમામ મતદાન મથકો પરથી મતપેટીઓ કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવી છે. તેમને કોંગ્રેસ મુખ્યાલયના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. મતગણતરી પાર્ટી હેડક્વાર્ટરમાં જ થશે.
બંને પક્ષના પાંચ-પાંચ એજન્ટો નજર રાખશે
મતગણતરી દરમિયાન બંને પક્ષના પાંચ-પાંચ એજન્ટો નજર રાખશે જ્યારે બંને પક્ષના બે-બે એજન્ટોને રિઝર્વમાં રાખવામાં આવશે. આ ઉપરાંત બંને નેતાઓના સમર્થકો પણ કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચશે.
મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું હતું?
કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે કહ્યું હતું કે જો તેઓ ચૂંટાઈ આવશે તો પક્ષની બાબતોમાં ગાંધી પરિવારની સલાહ અને સહકાર લેવામાં કોઈ ખચકાટ અનુભવશે નહીં, કારણ કે પરિવારે ઘણો સંઘર્ષ કર્યો છે અને દેશના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે. પક્ષે યોગદાન આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના પરિણામો પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે કોઈપણ અધ્યક્ષ બને પરંતુ તેમને ગાંધી પરિવારની વાત માનવી પડશે.
અનુભવનો કોઈ વિકલ્પ નથીઃ સીએમ અશોક ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પરિણામ પહેલા મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે અનુભવનો કોઈ વિકલ્પ નથી. મલ્લિકાર્જુન ખડગેને લાંબો અનુભવ છે. શશિ થરૂર પાસે આંતરરાષ્ટ્રીય અનુભવ છે, જે પણ જીતશે, કોંગ્રેસ જીતશે.
પાર્ટીમાં ગાંધી પરિવારનું વિશેષ સ્થાન છે
મલ્લિકાર્જુન ખડગે અને થરૂર બંનેએ એ વાત પર ભાર મૂક્યો છે કે પાર્ટીમાં ગાંધી પરિવારનું વિશેષ સ્થાન છે. થરૂરે કહ્યું કે કોંગ્રેસનો કોઈપણ અધ્યક્ષ ગાંધી પરિવારથી અંતર રાખીને કામ કરી શકે નહીં કારણ કે તેમનો ડીએનએ પાર્ટીના લોહીમાં છે.
મલ્લિકાર્જુન ખડગેનો દાવો મજબૂત
ગાંધી પરિવારની નજીકતા અને અનેક વરિષ્ઠ નેતાઓના સમર્થનને કારણે મલ્લિકાર્જુન ખડગેનો દાવો મજબૂત માનવામાં આવે છે, પરંતુ શશિ થરૂરના કારણે આ મુકાબલો કઠિન માનવામાં આવી રહ્યો છે.