ચીન, જાપાન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં રોકેટ ગતિથી વધી રહેલા કોરોનાવાયરસના સંક્રમણના કેસોને ગંભીરતાથી જોતા ભારત સરકાર પણ સતર્ક છે. ચીનમાં તાજેતરના મોટાભાગના કોવિડ કેસ ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF7ના છે. ભારતમાં પણ અત્યાર સુધી BF7ના ચાર કેસ સામે આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે અને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ-19ના નિવારણ માટેની તૈયારીઓને લઈને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠક બાદ શુક્રવારે (23 ડિસેમ્બર) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવી કોવિડ-19ની ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇનમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને ખાસ ધ્યાન આપવા જણાવ્યું છે, કારણ કે આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે. આ સાથે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ભાર મૂકવાની પણ સલાહ આપવામાં આવી છે. તમામ લોકો બૂસ્ટર ડોઝ લે તેની ખાતરી કરવા રાજ્યોને નિર્દેશ કર્યો છે. ઉપરાંત ભીડવાળી જગ્યાઓ, જાહેર સ્થળોએ અને સામાજીક મેળાવડામાં માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્ટ જાળવવા નિર્દેશ કરાયો છે.

નવી કોવિડ-19 ગાઇડલાઇન
- લોકોને એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, મેટ્રો, મેટ્રો સ્ટેશન વગેરે જેવા ભીડવાળા સ્થળોએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્ટ જાળવી રાખવા નિર્દેશ
- બીમાર અને વૃદ્ધ લોકોને કોઈપણ પ્રકારના ચેપ બચાવવા માટે શક્ય તેટલી વહેલી તકે બૂસ્ટર ડોઝ લેવા સૂચન.
- રજાઓમાં ફરવા જતી વખતે એરપોર્ટ અને ફ્લાઇટમાં માસ્ક પહેરવી રાખવું અને આરોગ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર સંપૂર્ણ રસીકરણ થયેલું હોવું જોઇએ.
- કોવિડ-19 સંક્રમણના લક્ષણો હશે તેવા મુસાફરોને આઇસોલેટેડ કરાશે અને નજીકની હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવશે.
- 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એરપોર્ટ પર વિમાન મુસાફરોના રેન્ડમ કોવિડ ટેસ્ટિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે.
- જો એરપોર્ટ પર આવ્યા બાદ કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો જોવા મળશે, તો તેઓ નક્કી કરાયેલા પ્રોટોકોલ મુજબ ટેસ્ટિંગ અને સારવારમાંથી પસાર થશે.
- સરકારી અધિકારીઓએ ભારતમાં માન્ય કોરોના વેક્સીન સહિત બૂસ્ટર ડોઝ ફરજિયાત લેવા પડશે.
- લોકોને સાબુ વડે નિયમિતપણે હાથ ધોવા અને કોઈપણ પ્રકારના ચેપને ટાળવા માટે સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરવો જોઈએ.
- નાગરિકોને લગ્નો અને સભાઓ જેવા મેળાવડાઓમાં જવાનું ટાળવા અને જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ ટાળવા સૂચના.
- તાવ, ગળામાં દુખાવો, શરદી, નાક વહેવી, ઉધરસ, ઉલટી અથવા ઝાડા થવા જેવા લક્ષણો દેખાય તો તરત સારવાર લેવી અને સાવધાની રાખવી.