ચીન સહિત ઘણા દેશોમાં જીવલેણ કોરોના મહામારી ફરી કહેર વરતાવી રહી છે. દુનિયાભરમાં વધી રહેલા કોરોના સંક્રમણ સામે સાવચેતીના ભાગરૂપ ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઇ છે અને સ્વાસ્થ્ય મંત્રાલયો તેમજ તમામ રાજ્યોને કોવિડ-19 સંબંધિત કડક પગલાંઓ લેવા સૂચના આપી છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે (22 ડિસેમ્બર) નાગરિક ઉડ્ડયન મંત્રાલયને દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં આવતા મુસાફરોનું રેન્ડમ કોરોના ટેસ્ટિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે.
દેશમાં કોરોનાવાયરસના નવા વેરિયેન્ટને રોકવા અને તેના જોખમને ઘટાડવા માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં આવતા બે ટકા મુસાફરોનું 24 ડિસેમ્બરથી રેન્ડમ કોવિડ ટેસ્ટ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજીવ બંસલને પત્ર લખ્યો છે, તેમાં જણાવ્યુ છે કે, જો કોઈ વ્યક્તિ રેન્ડમ ટેસ્ટિંગ બાદ કોવિડ-પોઝિટિવ જણાય છે, તો સેમ્પલ જીનોમિક ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે.
એરપોર્ટ પર ટેસ્ટ પોઝિટિવ આવે તો સેમ્પલ જીનોમિક ટેસ્ટિંગ માટે મોકલવા
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, જો રેન્ડમ ટેસ્ટિંગ બાદ કોઈ વ્યક્તિ કોવિડ-પોઝિટિવ મળી આવે, તો તેના સેમ્પલને જીનોમિક ટેસ્ટિંગ માટે INSACOG લેબમાં મોકલવાના રહેશે. રેન્ડમ ટેસ્ટિંગ માટે સેમ્પલ મોકલ્યા બાદ જ પેસેન્જરને એેરપોર્ટમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે.
19 ડિસેમ્બરથી દુનિયાભરમાં દરરોજ સરેરશ 5.9 લાખ નવા કેસ
આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે ભારત તેના સતત પ્રયત્નો, સતત ટેસ્ટિંગ અને પાંચ ગણી રસીકરણની રણનીતિની સાથે સાથે COVID-19 પ્રોટોકોલને અનુસરીને જીવલેણ કોરોના મહામારીને કાબૂમાં રાખવામાં સફળ રહ્યું છે. જો કે, વૈશ્વિક સ્તરે COVID-19ના નવા સંક્રમણ કેસોની સંખ્યા ચિંતાજનક દરે વધી રહી છે. 19 ડિસેમ્બરથી, દુનિયાભરમાં દરરોજ સરેરાશ 5.9 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કોવિડ-19ના નવા કેસોમાં આ ચિંતાજનક વધારો કરીને જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, ફ્રાન્સ અને ચીનમાં જોવા મળ્યો છે, જ્યાં કેસ સતત વધી રહ્યા છે.

કર્ણાટકમાં ‘માસ્ક’ ફરજિયાત બન્યું
ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને ભારત સતર્ક છે. ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોને કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી હતી. ચીન સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કર્ણાટક સરકારે ગુરુવારે ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર શ્વાસોચ્છવાસની બીમારી (SARI)નું ટેસ્ટિંગ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત રાજ્ય સરકાર (રાજ્ય સરકાર) એ બંધ સ્થળો અને એસીવાળા રૂમમાં માસ્ક પહેરવું ફરજિયાત બનાવ્યું છે.
આ પણ વાંચોઃ ચીનમાં કોરોના કહેરથી વર્ષ 2023માં 10 લાખ લોકોના મોત થવાની ચેતવણી
રાજ્યોએ શું તૈયારી કરી
રાજ્યના આરોગ્ય પ્રધાન ડૉ કે સુધાકરે મુખ્ય પ્રધાન બસવરાજની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક પછી મીડિયાને જણાવ્યું હતું કે, “અમે ઘરની અંદરની જગ્યાઓ, બંધ જગ્યાઓ અને એર-કન્ડિશન્ડ રૂમમાં માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છીએ. ઉપરાંત સમગ્ર કર્ણાટકમાં ILI અને SARI કેસોનું ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવશે.” આ બેઠકમાં મંત્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કોવિડ-19 પર ટેકનિકલ એડવાઇઝરી કમિટી (TAC)ના સભ્યોએ હાજરી આપી હતી.
આ પણ વાંચોઃ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ BF.7 કેટલું ખતરનાક છે, શું તે ભારતમાં વિનાશ સર્જી શકે છે?
આરોગ્ય પ્રધાન કે સુધાકરે જણાવ્યું હતું કે બેઠકમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ અને ઓક્સિજન સપ્લાય સાથે કોવિડ વોર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.