ચીનમાં મોતનો તાંડવ મચાવનાર જીવલેણ કોરોના મહામારીનો ખતરો હવે ભારત પર પણ ઘેરાઇ રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે સરકારે દેશભરના એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જરોનો કોવિડ-19 ટેસ્ટ કરવાનું ફરજિયાત બનાવ્યુ છે. ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે બે દિવસમાં વિવિધ એરપોર્ટ પર 39 વિદેશી પ્રવાસીઓ કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે માહિતી આપી હતી કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં COVID-19 સંક્રમણના નવા કેસ 188 નોંધાયા છે.
ચીનથી આવેલા માતા-પુત્રી કોરોના સંક્રમિત
અત્રે ઉલ્લેખનિય છે કે, કોવિડ-19ના ઓમિક્રોન સબ- વેરિયન્ટ ‘BF-7’થી ચીનમાં ફરી આ જીવલેણ મહામારી ફેલાઇ છે અને દુનિયાભરના દેશોંમાં તેનું સંક્રમણ વધી રહ્ય છે ત્યારે ભારતે સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યુ છે.
તમિલનાડુના મદુરાઇ એરપોર્ટ પર ચીનથી પરત ફરેલી એક મહિલા અને તેની છ વર્ષની પુત્રીનો કોવિડ-19 માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. એક સિનિયર હેલ્થ ઓફિસરે બુધવારે જણાવ્યું હતું કે મદુરાઈ નજીક વિરુધુનગરની રહેવાસી મહિલા અને તેની પુત્રીનો મંગળવારે એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં આ માતા-પુત્રી બંને વિરુધુનગરમાં હોમ આઇસોલેશનમાં છે. તમિલનાડુમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસની સંખ્યા 51 છે.

ચીન અને દુનિયાના અન્ય દેશોમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક ઉછાળો આવતાં તમિલનાડુ સરકારે રાજ્યના ચાર એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોની સ્ક્રિનિંગ વધારી દીધુ છે. મંગળવારે, રાજ્યના આરોગ્ય પ્રધાને રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં COVID-19 મોક ડ્રિલનું નિરીક્ષણ કરતી વખતે જણાવ્યું હતું કે સરકાર મહામારીની કટોકટીનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
દેશભરમાં કોરોના સંક્રમણના 188 નવા કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના સંક્રમણના 188 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ જાણકારી આપી છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ હાલમાં 98.8 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સંક્રમણ 141 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જે દેશમાં કોવિડ-19ના સંક્રમણમાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 4,41,43,483 થઈ ગઈ છે. દૈનિક પોઝિટિવ રેટ હાલમાં 0.14 ટકા છે જ્યારે સાપ્તાહિક પોઝિટિવ રેટ 0.18 ટકા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 90,529 COVID-19 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતથી લઈ દિલ્હી સુધી કોરોના વેક્સીનની અછત, અમદાવાદમાં માંગમાં 17% વધારો થતાં સમસ્યા
કોવિડ-19 રસીકરણના મોરચે નજર કરીયે તો સરકારી આંકડા અનુસાર દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 220.07 કરોડથી વધુ કોવિડ-19 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના મહામારીની વધુ એક લહેરની ચિંતામાં ભારત સરકારે દેશમાં કોરોના રસીકરણન કામગીરી ફરી વધારી છે.