Stunt on Road Auto Rickshaw : ઓટોમાં મુસાફરી કરી રહેલા એક યુવકે દિલ્હીના સિગ્નેચર બ્રિજ પર ખતરનાક સ્ટંટ કરવાનું શરૂ કર્યું. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તા પર વાહનો ખૂબ જ સ્પીડમાં જઈ રહ્યા છે. વ્યક્તિ ઓટોમાંથી બહાર નીકળે છે. તે માત્ર એક હાથથી ઓટોને પકડી રહ્યો છે. ઓટોની સ્પીડ પણ ખુબ વધારે છે. તે એક હાથથી ઓટોને પકડીને તેના આખા શરીરને હવામાં લહેરાવી રહ્યો છે. આ દરમિયાન રસ્તા પર સાયકલ પર જઈ રહેલા યુવક સાથે તેની ટક્કર થાય છે. ટક્કરને કારણે સાઇકલ સવાર રોડ પર પડી ગયો. પાછળથી સતત વધુ ઝડપે વાહનો આવી રહ્યા છે.
સાયકલ સવારને કંઈ પણ થઈ શક્યું હોત. અકસ્માતમાં તેણે પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો હોત. કોઈએ આ સમગ્ર ઘટના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. થોડી જ વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. હાલમાં પોલીસે આ સ્ટંટમાં સામેલ ઓટો રિક્ષાને જપ્ત કરી લીધી છે. આ ઓટોમાં સવાર થઈને યુવક ઉત્તર દિલ્હીના સિગ્નેચર બ્રિજ પર સ્ટંટ કરી રહ્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે, વ્યક્તિ ઓટો-રિક્ષામાંથી ઉતરીને સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની ટક્કર સાઇકલ સવાર સાથે પણ થઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં દિલ્હી ટ્રાફિક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સ્ટંટ સાથે સંબંધિત ઓટોરિક્ષા અને ડ્રાઈવર શિવને ‘TPR સર્કલ’ના કર્મચારીઓએ ટ્રેસ કરી લીધો છે. ડ્રાઈવર શિવા ગાઝિયાબાદનો રહેવાસી છે.
બાઇક સવારે વીડિયો રેકોર્ડ કર્યો
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, લાયસન્સ વિના અને જોખમી રીતે વાહન ચલાવવા બદલ મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ચલણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓટો-રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. આ પહેલા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી હતી. બાઇક ચાલકના હેલ્મેટ પર લગાવેલા કેમેરાથી રેકોર્ડ કરાયેલા વીડિયોમાં એક વ્યક્તિ ઝડપભેર ઓટો સાથે લટકતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તે સાયકલ ચલાવી રહેલા એક વ્યક્તિ સાથે પણ અથડાયો હતો. અકસ્માત બાદ ઓટોરિક્ષા ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.





