Ratan Tata Threatened : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિને મુંબઈ પોલીસે શોધી કાઢ્યો છે. પોલીસે જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અનામી કોલ કરનાર વ્યક્તિ સ્કિઝોફ્રેનિયાથી પીડિત હતો.
મીડિયા અહેવાલો અનુસાર, મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ફોન કરનારે પોલીસને રતન ટાટાની સુરક્ષા વધારવા કહ્યું હતું, જે નિષ્ફળ જતાં તેણે ચેતવણી આપી હતી કે, ઔદ્યોગિક દિગ્ગજ ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી જેવું જ તેમની સાથે થશે.
તમને જણાવી દઈએ કે, સાયરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બર, 2022ના રોજ એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કોલ મળતાની સાથે જ મુંબઈ પોલીસ ફુલ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને એક ખાસ ટીમને રતન ટાટાની અંગત સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે બીજી ટીમને કોલ કરનાર વિશે માહિતી એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું કે, તેઓએ ટેક્નિકલ સપોર્ટ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરની મદદથી કોલ કરનારને શોધી કાઢ્યો.
પોલીસે જણાવ્યું કે, ધમકીભર્યા કોલ કરનાર વ્યક્તિનું લોકેશન કર્ણાટકમાં હોવાનું જાણવા મળ્યું છે. તે પુણેનો રહેવાસી હતો. આ ઘટના પછી, પોલીસ જેવી જ તેના પુણે સ્થિત નિવાસસ્થાને પહોંચી, તેમને ખબર પડી કે, ફોન કરનાર છેલ્લા પાંચ દિવસથી ગુમ હતો અને તેની પત્નીએ શહેરના ભોસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ફોન કરનારના પરિવારની પૂછપરછ કર્યા બાદ અધિકારીઓને જાણવા મળ્યું કે, તે સ્કિઝોફ્રેનિયાથી (એક પ્રકારનો માનસીક રોગ) પીડિત છે અને તેણે જે ફોન પરથી ફોન કર્યો હતો તે ફોન તેમને જાણ કર્યા વિના કોઈના ઘરેથી લઈ લેવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેણે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ફોન કરીને રતન ટાટાને ધમકી આપી હતી. અધિકારીએ કહ્યું કે, ફોન કરનાર સ્કિઝોફ્રેનિયાથી પીડિત હોવાથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો.
રતન ટાટાને ધમકી આપનાર MBA ની ડિગ્રી ધરાવે છે
પોલીસ અધિકારીઓએ પરિવારજનોની પૂછપરછ કર્યા બાદ જણાવ્યું કે, ફોન કરનારે ફાઇનાન્સમાં MBA કર્યું છે અને એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો છે. તમને જણાવી દઈએ કે, દેશના અગ્રણી ઉદ્યોગપતિઓને ધમકી આપવાનો આ કોઈ નવો મામલો નથી. અગાઉ તાજેતરમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પણ ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.





