Delhi Crime News: પૂર્વી દિલ્હીના પાંડવનગરમાં શ્રદ્ધા વાલકર મર્ડર કેસ જેવી જ એક ઘટના સામે આવી છે. આ સનસનીખેજ મામલામાં પોલીસે મૃતકની પત્ની અને તેના પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. બન્ને પર આરોપ છે કે તેમણે યુવકની હત્યા કર્યા પછી લાશના ટુકડા કરીને ફ્રીઝમાં રાખ્યા હતા. આ પછી જ્યારે સમય મળે ત્યારે આરોપી લાશના ટુકડાને બહાર ફેંકતા હતા.
દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કર્યો મર્ડર કેસનો ખુલાસો
કેસનો ખુલાસો કરતા દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અમિત ગોયલે જણાવ્યું કે આ મામલો 5 જૂને સામે આવ્યો હતો. પાંડવનગર મર્ડર કેસમાં મૃતકનું નામ અંજન દાસ છે. તેની નિર્દયતાથી હત્યા કરવાના આરોપમાં દાસની પત્ની પૂનમ અને પુત્ર દીપકની ધરપકડ કરવામાં આવી છે. માતા-પિતાએ મળીને નશાની ગોળી ખવડાવીને અંજન દાસનું મર્ડર કર્યું અને પછી લાશના ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા હતા. આ પછી તક મળે ત્યારે લાશના ટુકડાને રાત્રે ઘરની બહાર ફેંકી દેતા હતા. પોલીસે ઉપયોગમાં લીધેલ રેફ્રિજરેટરને પણ ઘરમાંથી જપ્ત કર્યું છે.
આ પણ વાંચો – શ્રદ્ધા મર્ડર કેસ : 5 ચપ્પા મળી આવ્યા, મુંબઈ જઈને દિલ્હી પોલીસે ખાડીના પાણીમાં શોધ કરી
જૂનમાં કરી હતી અંજન દાસની હત્યા
દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ સીપી રવીન્દ્ર યાદવના મતે અક્ષરધામ મંદિરની પાસે પાંડવ નગરમાં રહેતા એક યુવક અંજન દાસની હત્યા આ વર્ષે જૂન મહિનામાં કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે પાંડવનગર પાસે રામલીલા ગ્રાઉન્ડમાં 5 જૂને લાશના ટુકડા મળ્યા પછી સતત તપાસને અંજામ સુધી પહોંચાડી અને હવે આ મામલો ખુલાસો થયો છે.
દારૂની લત, લાલચ અને હવસના કારણે થયો હત્યાકાંડ
રવીન્દ્ર યાદવે કહ્યું કે મા અને પુત્ર અંજન દાસની ખરાબ આદતોથી પરેશાન હતા. અંજન દાસના અવૈધ સંબંધોનો પણ મામલો સામે આવ્યો હતો. અંજન દાસને દારૂની લત હતી. માતા અને પુત્રની કમાણી લઇ લેતો હતો અને ઘરની મહિલાઓ ઉપર પણ ખરાબ નજર રાખતો હતો. જેથી પૂનમ અને દીપક ઘણા પરેશાન હતા. અંજન દાસ અને પૂનમ બન્નેના આ બીજા લગ્ન હતા.
પોલીસે આવી રીતે કર્યો મર્ડર કેસનો ખુલાસો
પોલીસે જણાવ્યું કે રામલીલા ગ્રાઉન્ડમાં સ્થાનીય લોકોમાં પહેલા ખરાબ વાસની ફરિયાદ કરી હતી. આ પછી લાશના ટુકડા મળી આવ્યા હતા. પછી સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન એક મહિલા અને યુવક રાતે ગ્રાઉન્ડમાં કશુંક ફેંકતા જોવા મળ્યા હતા. પોલીસે સાબિતીના આધારે તપાસ આગળ વધારી અને અંતમાં મામલાનો ખુલાસો કરવામાં સફળતા મળી હતી.
દિલ્હીમાં શ્રદ્ધા વાલકર મર્ડર કેસ ઘણો ચર્ચામાં છે. જેમાં આરોપી આફતાબ પૂનાવાલાએ પોતાની લિવ ઇન પાર્ટનર શ્રદ્ધાને હત્યા કરી દીધી હતી. પછી લાશના ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા હતા અને ઘણા દિવસો સુધી તેને અલગ-અલગ જગ્યાએ ફેંક્યા હતા.