Delhi earthquake : દિલ્હીમાં ભૂકંપનો ઝટકો અનુભવાયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ પહેલા પણ કેટલીક વખત દિલ્હીની ધરતી ભૂકંપના ઝટકાથી ધ્રૂજી ઉઠી છે. લોકો ડરને પગલે ઓફિસ, દુકાન, ઘરમાંથી બહાર દોડી આવ્યા છે.
દિલ્હી એનસીઆરમાં ભૂકંપના ઝટકાથી સ્થાનિકોમાં ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો હતો. લોકો ભૂકંપનો ઝટકો અનુભવતા જ ઘર, દુકાન, ઓફિસ છોડી રોડ પર દોડી આવ્યા હતા. ભૂકપનો અહેસાસ લગભગ બપોરે 2.30 કલાકની આસપાસ થયો હતો.
નેપાળમાં મંગળવારે બપોરે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેણે દિલ્હી-NCR પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આંચકા અનુભવાયા.
ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ ભૂકંપ 10 કિમીની ઊંડાઇએ હતો અને નેપાળના જુમલા જિલ્લાના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 63 કિમી દૂર હતો, જે રાજધાની કાઠમંડુથી 300 કિમીથી વધુ દૂર હતો.
મોત અથવા મિલકતોને મોટા નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી.
યુએસ જીઓલોજિકલ સર્વેના ડેટા અનુસાર છેલ્લા એક વર્ષમાં આ પ્રદેશમાં 4.5 કે તેથી વધુની તીવ્રતાનો આ દસમો ભૂકંપ છે.
નેપાળ અને હિમાલયનો બાકીનો વિસ્તાર, પશ્ચિમમાં હિંદુકુશ પર્વતમાળાઓથી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરેલો છે, તે વિશ્વના સૌથી વધુ ભૂકંપ સંભવ વિસ્તારોમાંનો એક છે. ભારતીય ખંડીય પ્લેટની ઉત્તર તરફની હિલચાલ અને યુરેશિયન પ્લેટ સાથે તેની અથડામણ આ પ્રદેશમાં વારંવાર ધ્રુજારી પેદા કરે છે.
છેલ્લા સાત વર્ષમાં હિમાલયના ક્ષેત્રમાં 4.5 થી વધુ તીવ્રતાના 600 થી વધુ ભૂકંપ નોંધાયા છે. આ પ્રદેશે તાજેતરના સમયમાં કેટલાક સૌથી શક્તિશાળી ભૂકંપ પણ જોયા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પ્રદેશમાં સપાટીની નીચે મોટી માત્રામાં તણાવ ઊર્જા સંગ્રહિત છે અને તે ગમે ત્યારે ધરતીકંપમાં પરિણમી શકે છે.
2022માં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
12 નવેમ્બરે પણ દિલ્હી એનસીઆરમાં શનિવારે સાંજે 7:57 વાગ્યે તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ફરી અરાજકતા સાથે ઘરોમાંથી બહાર આવી ગયા હતા. આ દરમિયાન ઘરોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા, પરંતુ આંચકા લાંબા સમય સુધી રહેવાને કારણે લોકો ડરી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તે સમયે પણ ભૂકંપની તીવ્રતા 5.4 આસપાસ હતી. જેનું કેન્દ્ર નેપાળના સિલાંગામાં હતું.
9 નવેમ્બરે ભારતના પડોશી દેશ નેપાળમાં મંગળવારે મોડી રાત્રે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા છેક ભારતની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારત સુધી અનુભવાયા હતા. મંગળવારે રાત્રે આશરે 1.57 વાગ્યે નેપાળ મણિપુરમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું એપીસેન્ટર નેપાળનું મણિપુર હતું. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી. નેપાળમાં આવેલા ભૂકંપના કારણે છ લોકોના મોત થયાના સમાચાર હતા.
દિલ્હીમાં ભૂકંપના ક્યારે-ક્યારે આંચકા અનુભવાયા
દિલ્હીમાં ભૂકંપના આંચકાની વાત કરીએ તો, અગાઉ 9 નવેમ્બર 2022ના રોજ 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અગાઉ 5 જુલાઈ, 2021ના રોજ 3.7 તીવ્રતાનો, 13 એપ્રિલ, 2020ના રોજ 2.7, 12 એપ્રિલ, 2020ના રોજ 3.7, 20 ડિસેમ્બર, 2019ના રોજ 6.3 અને 24 એપ્રિલ, 2018ના રોજ 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
વૈજ્ઞાનિકો શું કહે છે?
તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે આવેલા ભૂકંપની તીવ્રતા પણ ઘણી વધારે હતી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, 5 થી વધુની તીવ્રતાનો ભૂકંપ દિલ્હી NCR માટે ખતરનાક બની શકે છે. ઘણી વખત લોકો માટે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે, જેથી તેઓ પોતાની સુરક્ષા કરી શકે.
ભૂકંપનું કારણ
પૃથ્વીની અંદર સાત પ્લેટ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ વધુ અથડાય છે તેને ફોલ્ટ લાઇન ઝોન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે દબાણ વધે છે, પ્લેટો તૂટી જાય છે. તેમના ભંગાણને કારણે, અંદરની ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે. આ પ્રક્રિયા પછી ભૂકંપ આવે છે.