નવા વર્ષ 2023ના પ્રથમ દિવસ જ એક દુઃખદ ઘટના ઘટી છે. દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં આવેલા એક નર્સિંગ હોમમાં રવિવારે વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ આ ઘટના રવિવારે વહેલી સવારે 5.15 વાગ્યાની આસપાસ બની છે. પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ઘટનાસ્થળેથી 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
નર્સિંગ હોમમાં આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું હતું. લગભગ 1 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી.
જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે સિનિયર સિટીઝન હોમ કેર સેન્ટર છે જે દિલ્હીના ગ્રેટર કૈલાશ-2ના ઇ બ્લોગમાં આવેલું છે. અહીં સિનિયર સિટીઝન નાગરિકોનું ધ્યાન રાખવામાં આવે છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ ટીમ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. આ પહેલા 17 ડિસેમ્બરની સવારે દિલ્હીના ગ્રેટર કૈલાશ પાર્ટ-1 સ્થિત ફોનિક્સ હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલના ભોંયરામાં આગ લાગવાની માહિતી મળતાની સાથે જ 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગને ફોનિક્સ હોસ્પિટલમાં સવારે 9.7 કલાકે આગ લાગી હોવાની માહિતી મળી હતી.