Delhi Crime News : દિલ્હીથી સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં 52 વર્ષના પતિએ પોતાની 50 વર્ષની પત્નીની હત્યા કરી નાખી. મહિલાના શરીર પર ઊંડા ઈજાના નિશાન હતા. જોકે, પતિએ કહ્યું કે, તે બાથરૂમમાં પડી ગઈ હતી. જોકે, તેના પુત્રની ફરિયાદ બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસને ઘટનાની માહિતી હોસ્પિટલમાંથી મળી હતી.
આરોપી વેદ પ્રકાશ તેની પત્ની સુશીલાને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, સુશીલાને તેની જમણી આંખની નજીક અને કપાળ પર સોજો હતો. ગરદન પર ઈજાના નિશાન પણ હતા. આ કેસમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) ચંદન ચૌધરીએ કહ્યું કે, શરીર પર ગળું દબાવવાના અને નખના નિશાન પણ છે.
દંપતીના 28 વર્ષના પુત્ર આકાશ કુન્દ્રાએ પોલીસને જણાવ્યું કે, તેના પિતાને તેની માતા પર વિશ્વાસ ન હતો. તે કામ માટે ઘરની બહાર જતી હતી. આવક માટે તે લોકોના કપડા પ્રેસ કરતી હતી. જ્યારે પણ તે કોઈના ઘરે કે ચર્ચમાં જતી, ત્યારે તેના પિતા તેની સાથે ઝઘડો કરતા હતા.
કુન્દ્રાએ પોલીસને જણાવ્યું કે, તેણે તેના પિતા વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. પિતા દરજીનું કામ કરે છે અને 2021 માં તેની પત્ની પર કાતર વડે પણ હુમલો કર્યો હતો. આકાશ કુન્દ્રાએ કહ્યું કે, તેના પિતાએ તેના લગ્નના નામે કેસ પાછો ખેંચવા માટે દબાણ કર્યું. આ પછી તેણે પિતા સામેનો કેસ પાછો ખેંચી લીધો.
રિપોર્ટ્સ અનુસાર, વેદ પ્રકાશ અને સુશીલાએ 30 વર્ષ પહેલા આંતર-ધાર્મિક લગ્ન કર્યા હતા. મંગળવારે સાંજે જ્યારે સુશીલા કામ માટે ઘરની બહાર જઈ રહી હતી ત્યારે ફરી એકવાર ઝઘડો શરૂ થયો હતો. આકાશે બંનેને શાંત કર્યા અને મામલો થાળે પડ્યા બાદ તેઓ પહેલા માળે તેમના રૂમમાં ગયા.
પિતા બાથરૂમમાંથી લાશ ખેંચી રહ્યા હતા
આકાશે વધુમાં જણાવ્યું કે, બુધવારે સવારે 6 વાગ્યાની આસપાસ તેના પિતાએ તેને ફોન કર્યો અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવવા કહ્યું. જ્યારે આકાશ ત્યાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે, તેના પિતા તેની માતાની લાશને બાથરૂમમાંથી ખેંચી રહ્યા છે.
મારા પિતાએ મારી માતા સાથે વર્ષો સુધી દુર્વ્યવહાર કર્યો
આકાશે વધુમાં કહ્યું, “મેં તેમને પૂછ્યું કે, શું તેમણે માતાની હત્યા કરી છે. આના પર તેમણે મને આ વિશે કોઈને કહીશ તો ગંભીર પરિણામોની ધમકી આપી. હું આઘાતમાં હતો અને મને ખબર ન પડી કે, શું કરવું.. મેં તેમને ઓટો રિક્ષા લાવવા કહ્યું. હું પહેલા મારી માતાનો જીવ બચાવવા માંગતો હતો. અમે મારી માતાને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. મારા પિતા એક ક્રૂર વ્યક્તિ છે. મેં તેમને મારી માતાને વર્ષોથી હેરાન કરતા જોયા છે. અને તેની સાથે લડતા જોયા છે. હું ઈચ્છું છું કે, તેમના ગુના માટે તેમને ફાંસી આપવામાં આવે.”
ચાદર વડે ગળું દબાવ્યું
આકાશે વધુમાં જણાવ્યું હતું કે, તેના પિતાએ કબૂલ્યું હતું કે, તેમણે રાત્રે લગભગ 2 વાગે સૂતેલી પત્નીનું ચાદર વડે ગળું દબાવી દીધું હતું. આ પછી તેમણે સોફાના પાયાથી હુમલો કર્યો અને પછી તેને બાથરૂમમાં લઈ ગયા. “માતાની હત્યા કર્યા પછી, તેમણે બાથરૂમમાં પડી જવાથી અને માથામાં ઈજાને કારણે મૃત્યુનો કેસ બનાવવાનો પ્રયાસ કર્યો.”
આ પણ વાંચો – Crime News : સાવધાન! 20 દિવસમાં એક જ પરિવારના 5 લોકોની ઝેર પીવડાવી હત્યા, ઘરની જ 2 મહિલાઓ નીકળી હત્યારી
આ મામલે ચૌધરીએ કહ્યું કે, આંબેડકર નગર પોલીસને બુધવારે સવારે 8:41 વાગ્યે હકીમ અબ્દુલ હમીદ સેન્ટેનરી (HAHC) હોસ્પિટલમાંથી સુશીલા વિશે ફોન આવ્યો હતો. સુશીલાને મૃત અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ પછી પોલીસની એક ટીમ હોસ્પિટલ પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.