Delhi Kanjhawala Death Case: દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન મોડી રાત્રે કાંઝાવાલામાં બનેલી ઘટનામાં એક છોકરીને કાર દ્વારા 10 થી 12 કિલોમીટર સુધી ઢસેડવામાં આવી હતી. જેને પગલે છોકરી મૃત્યુ પામી હતી. આ સાથે જ આ મામલે વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, સ્કૂટી પર સવાર અન્ય એક છોકરી હતી અને તેને પણ ઈજા થઈ હતી. પરંતુ તે ત્યાંથી ભાગી ગઈ હતી. તો બીજી બાજુ હોટલના સંચાલકે પણ ચોંકાવનારો દાવો કર્યો છે.
ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે
દિલ્હી પોલીસે જણાવ્યું કે, અકસ્માત સમયે સ્કૂટી પર અન્ય એક છોકરી પણ હતી. દિલ્હી પોલીસે કહ્યું, “જ્યારે અમે મૃતક યુવતીના રૂટ વિશે તપાસ કરી તો, જાણવા મળ્યું કે તે તેની સ્કૂટી પર તે એકલી નહોતી. અકસ્માત સમયે તેની સાથે એક અન્ય યુવતી પણ હતી. તે પણ ઘાયલ થઈ હતી અને સ્થળ પરથી ભાગી ગઈ હતી, પરંતુ મૃતક યુવતીનો પગ કારમાં ફસાઈ ગયો, ત્યારબાદ તેને ઢસડીને કાર લઈ ગઈ હતી.
આ ઘટના સાથે સંબંધિત તે રાતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજમાં મૃતક યુવતી તેની મિત્ર સાથે હોટલમાંથી નીકળી રહી છે અને બંને યુવતીઓ સ્કૂટી પર બેઠી છે. તો, પોલીસે કહ્યું છે કે, જે છોકરીને ઈજા થઈ હતી, તેણે પણ સ્કૂટી થોડા અંતર સુધી ચલાવી હતી. બાદમાં મૃતક યુવતી સ્કૂટી ચલાવવા લાગી.
બંને છોકરીઓ વચ્ચે ઝઘડો થયો હતો
ન્યૂઝ ચેનલ આજતક સાથે વાત કરતી વખતે, છોકરી જ્યાં ગઈ હતી તે હોટલના મેનેજરે કહ્યું કે, છોકરી સાથે 5-7 અન્ય લોકો પણ હતા. બંને યુવતીઓ વચ્ચે ઝઘડો થયો હતો. મેનેજરે જણાવ્યું કે, બંને યુવતીઓ પહેલા પણ હોટલમાં આવતી હતી અને જ્યારે બંને યુવતીઓ વચ્ચે ઝઘડો થયો ત્યારે બંનેને નીચે મોકલી દેવામાં આવી હતી.
હોટલના મેનેજરે કહ્યું, “તેઓ બોલાચાલી કરી રહ્યા હતા, પછી નાઇટ મેનેજરે તેમને લડવાની ના પાડી હતી, પછી તેઓ નીચે ગયા અને લડવા લાગ્યા. જ્યારે તે નીચે ઝઘડી રહી હતી ત્યારે પડોશીઓએ પણ તેમને રોકી હતી, ત્યારબાદ તે તેમની સ્કૂટી પર જતી રહી હતી.
કાંઝાવાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દર્દનાક મામલા બાદ કારમાં સવાર 5 યુવકોની ધરપકડ બાદ પોલીસે તેને પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત ગણાવ્યો છે. સાથે જ જીવ ગુમાવનાર સ્કુટી સવાર યુવતીના પરિવારજનોએ આ મામલામાં ગુનાહિત ઘટના બનવાની આશંકા દર્શાવી સઘન તપાસની માંગ કરી છે.