Delhi Nagar Nigam Chunav Result 2022: દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમત સાથે જીત મેળવી છે. આમ આદમી પાર્ટીએ 250માંથી 134 સીટો પર જીત મેળવી છે. જ્યારે બીજેપીએ 104 સીટ પર જીત મેળવી છે. એમસીડી ચૂંટણીમાં પાર્ટીની જીત પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal)દિલ્હીના લોકોને આ જીત માટે અભિનંદન પાઠવ્યા છે અને પરિવર્તન લાવવા માટે ધન્યવાદ આપ્યા છે. તેમણે કહ્યું કે જેમણે વોટ આપ્યો નથી તેમના કામ પહેલા થશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આટલી મોટી અને શાનદાર જીત બદલ દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગું છું. દિલ્હીના લોકોએ મને દિલ્હીની સફાઇ, ભ્રષ્ટાચાર દૂર કરવા, પાર્કને ઠીક કરવાની સાથે ઘણી બધી જવાબદારી આપી છે. હું દિવસ-રાત મહેનત કરવાનો પ્રયત્ન કરીશ કે તમારા આ વિશ્વાસને યથાવત્ રાખું.
દિલ્હીને શાનદાર બનાવવા માટે પ્રધાનમંત્રીના આશીર્વાદ માંગ્યા- કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે હું ઇચ્છુ છું કે ભાજપા અને કોંગ્રેસનો સહયોગ હવે દિલ્હી માટે કામ કરે. હું કેન્દ્રને અપીલ કરું છું કે દિલ્હીને શાનદાર બનાવવા માટે પ્રધાનમંત્રીના આશીર્વાદ માંગું છું. આપણે એમસીડીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની છે. આજે દિલ્હીની જનતાએ આખા દેશને એક સંદેશો આપ્યો છે.
આ પણ વાંચો – દિલ્હી કોર્પોરેશન ચૂંટણીમાં આપની જીત, જુઓ ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠક મળી
સીએમ કેજરીવાલે આપના મંત્રીઓ, સાંસદોને અહંકારથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે અહંકાર કરવાથી મોટી-મોટી સત્તા પડી ગઇ છે. આપના બધા મંત્રી, એમએલએ અને કોર્પોરેટર ક્યારેય પણ અહંકાર ના કરતા. જે દિવસે તમે અહંકાર કર્યો તે દિવસે તમારું પતન નક્કી છે. તમને ઉપરવાળો ક્યારેય માફ કરશે નહીં.
સ્કૂલ-હોસ્પિટલથી પણ વોટ મળે છે – કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે અમે દિલ્હી સરકારમાં ભ્રષ્ટાચાર ખતમ કર્યો તેવી જ રીતે એમસીડીમાં લૂટફાટ અને વસૂલી બંધ કરાવીશું. ઘણા મોટા નેતા કહેતા હતા કે સ્કૂલ-હોસ્પિટલથી વોટ મળતા નથી. દિલ્હીની જનતાએ દેશને સંદેશો આપ્યો છે કે સ્કૂલ-હોસ્પિટલથી પણ વોટ મળે છે. તેમણે આગળ કહ્યું કે આટલી મોટી જીત આપવા માટે દિલ્હીની જનતાને અભિનંદન. પહેલા સ્કૂલ-હોસ્પિટલ, વીજળીની જવાબદારી આપી અમે તે બધુ ઠીક કર્યું, હવે દિલ્હીની જનતાએ પોતાના પુત્રને સફાઇ કરવા, પાર્ક ઠીક કરવાની જવાબદારી આપી છે. હું દિલ્હીની જનતાનો ઋણી રહીશ.