Demonetisation Affidavit : 8 નવેમ્બર, 2016ના રોજ, નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશમાં લાગુ કરાયેલ નોટબંધી અંગે સુપ્રીમ કોર્ટમાં બચાવ રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં નોટબંધીના ફાયદા સમજાવતા સરકારે કહ્યું કે, તેના અમલીકરણના આઠ મહિના પહેલા આરબીઆઈની સલાહ લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટબંધીની બંધારણીય માન્યતા અંગે સવાલ પૂછ્યો હતો.
આ મામલામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે, “નોટબંધી અંગે આરબીઆઈ સાથે સારી રીતે ચર્ચા કરવામાં આવી હતી. તત્કાલિન નાણામંત્રીએ સંસદમાં કહ્યું હતું કે, આ અંગે આરબીઆઈ સાથે વિચાર-વિમર્શ ફેબ્રુઆરી 2016માં જ શરૂ થઈ ગયો હતો. જોકે, આ પરામર્શ અને નિર્ણય ગુપ્ત રાખવામાં આવ્યો હતો.
નોટબંધીના નિર્ણયનો બચાવ કરતા કેન્દ્રએ તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે, આ નિર્ણય આરબીઆઈની ભલામણ અને રૂ. 500 અને રૂ. 1,000ની નોટો પાછી ખેંચવાની પ્રસ્તાવિત યોજના પર આધારિત છે.
સુપ્રીમ કોર્ટે વિગતવાર જવાબ માંગ્યો હતો
તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટમાં 5 જજોની બંધારણીય બેંચે કેન્દ્ર સરકાર અને આરબીઆઈને નોટબંધીના નિર્ણય પર વિગતવાર જવાબ આપવા કહ્યું હતું. કોર્ટે કેન્દ્ર અને આરબીઆઈને રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાના નિર્ણય અંગે એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું હતું. એફિડેવિટમાં સરકારે કહ્યું કે, આ પગલું નકલી નોટો અને ટેરર ફંડિંગ સામે લડવા માટે લેવામાં આવ્યું છે.
કેન્દ્રએ તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે, “RBIના સેન્ટ્રલ બોર્ડે કેન્દ્ર સરકારને રૂ. 500 અને રૂ. 1,000ની વર્તમાન શ્રેણીની નોટો પાછી ખેંચવા માટે ચોક્કસ ભલામણ કરી હતી. RBI એ ભલામણ પર નિર્ણય કરવા માટે એક ડ્રાફ્ટ સ્કીમનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ભલામણ અને ડ્રાફ્ટ પર યોગ્ય રીતે વિચાર કરવામાં આવ્યો હતો.”
અર્થતંત્રમાં ચલણનો પુરવઠો વધારવા માટે કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવેલી નવી બેંક નોટોની ડિઝાઇન અને વિશિષ્ટતાઓમાં ફેરફારો કરવામાં આવ્યા હતા, એમ એફિડેવિટમાં જણાવાયું હતું. તેથી તૈયારીઓમાં નવી ડિઝાઇનને આખરી ઓપ આપવાનો, નવી ડિઝાઇન માટે શાહી અને પ્રિન્ટિંગ પ્લેટ બનાવવાનો, પ્રિન્ટિંગ મશીનમાં ફેરફાર કરવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – નોટબંધીના 6 વર્ષ… ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી જરા પણ ઉલ્લેખ નથી કરી રહ્યા, વિપક્ષ આ રીતે યાદ કરી રહ્યો
નોટબંધીની ક્રિયાને એકલા પગલા તરીકે જોવી જોઈએ નહીં, કેન્દ્રએ જણાવ્યું હતું. પરિવર્તનકારી આર્થિક નીતિઓની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું હતું અને નકલી નોટો અને નાણાંના અતિશય સંગ્રહખોરી સામે લડવા માટેનું એક મોટું પગલું હતું.