scorecardresearch

રાજદના આંતરિક મતભેદો જગજાહેર, શું તેનાથી 2024માં ભાજપને હરાવવાનો એજન્ડા નબળો પડશે?

RJD Internal differences : લાલુ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવે તાજેતરમાં રાજદની બેઠક અધવચ્ચે છોડી આપેલા નિવેદનોથી પાર્ટીના સભ્યો વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા.

રાજદના આંતરિક મતભેદો જગજાહેર, શું તેનાથી 2024માં ભાજપને હરાવવાનો એજન્ડા નબળો પડશે?

રાષ્ટ્રીય જનતા દળની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં પાર્ટીના સભ્યો વચ્ચે આંતરિક મતભેદો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પાર્ટીના આંતરિક મતભેદો અંગે જાહેરમાં નિવેદન ન આપવા અંગે કાર્યકરોને અપીલ કરી છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, આપણા વ્યક્તિગત મતભેદોને ભાજપને હરાવવાના લક્ષ્ય પર હાવી ન થવા દો, આવી ઘટનાઓ પાર્ટીને નુકસાન પહોંચાડે છે.

આ બેઠકમાં પીઢ નેતા શરદ યાવદ સાથે હાજર રહેનાર રાજદના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પાર્ટીના નેતાઓના વારંવાર નિવેદન કરવા સામે ચેતવણી આપતા કહ્યુ કે, માત્ર તેજસ્વી યાદવ જ પાર્ટીની નીતિ અથવા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે નિવેદનો આપશે.

તેજ પ્રતાપે જ પાર્ટીના મતભેદો ઉજાગર કર્યા

રાજદ પક્ષની બેઠક અધવચ્ચે છોડી તેજ પ્રતાપ યાદવે પત્રકારો સામે આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું કે ” જયારે શ્યામ રજકને કાર્યક્રમના સમય અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મારા પર્સનલ આસિસસ્ટન્ટ અને મારી બહેન વિશે અપશબ્દો બોલ્યા. હું આ ઓડિયો ક્લિપને જનતા વચ્ચે વાયરલ કરીશ અને દેખાડીશ કે કેવા આરએસએસ માનસિકતાવાળા લોકોને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યુ છે. હું કોઈના અપશબ્દો સાંભળવાનો નથી.

આ આક્ષેપો અંગે નિવેદન આપતા રજકે જણાવ્યુ કે ” હું દલિત છું , હું માત્ર સાંભળી શકું, શક્તિશાળી લોકો સામે અવાજ ઉઠાવી શકું નહીં.” આ ઘટનાના થોડાંક સમય બાદ રજકની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેજ પ્રતાપના આ આક્રમક નિવેદનોથી રાજદ પક્ષની મુશ્કેલીઓ વધી ગઇ છે, જે પાર્ટીના બિહાર એકમના પ્રમુખ જગદાનંદ સિંહના કારણે પહેલાંથી ભીંસ અનુભવી રહી છે. જગદાનંદ સિંહના પુત્ર સુધાકર સિંહ આ મહિનાની શરૂઆતમાં મહાગઠબંધન સરકારમાંથી બહાર નીકળનાર બીજા કેબિનેટ મંત્રી છે, તેઓ કથિત રીતે મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથેના મતભેદોને કારણે બહાર નીકળી ગયા છે.

આ બેઠકમાં હાજરી આપનાર સુધાકરે તેના પિતાની ગેરહાજરી અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આ બાબતે નિવેદન આપી શકે છે.

લાલુ અને તેજસ્વીએ 2024ની સામાન્ય ચૂંટણીમાં વિપક્ષ એકતાના સૌથી મજબૂત સમર્થકનો રાજકીય રોડમેપ તૈયાર કરવાના લક્ષિત એજન્ડાથી ભટકાવતા નિવદેનો ન કરવા અપીલ કરી હતી.

તેજસ્વી યાદવે સમજાવ્યું કે, “આપણે એક વસ્તુ સમજવાની જરૂર છે. કદાચ હું બધાને ખુશ કરવા સક્ષમ ન હોઉં કે એવું પણ બની શકે હું બધા સાથે ખુશ ન પણ હોઉં પરંતુ મોટા પડકારો અને મુશ્કેલીઓમાં અહીં બેઠેલા આપણે બધા એક સાથે છીએ. હું કદાચ કોઈને પસંદ ન કરું, એવું પણ બને કે કોઈને હું ન ગમુ, આ બાબત માણસના સ્વભાવ પર જાય છે. પરંતુ હું અહીં બેઠેલા બધાને હાથ જોડીને વિનંતી કરીશ કે પાર્ટીના એજેન્ડાને મહેરબાની કરીને નબળો ન પડવા દો. આપણે 2024ના એક મોટા યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છીએ.

કથિત જમીન-જોબ કૌભાંડમાં લાલુ સામે સીબીઆઈની તાજેતરની ચાર્જશીટનો ઉલ્લેખ કરતા, તેજસ્વીએ કહ્યું કે આરજેડી સુપ્રીમોને પરેશાન કરવામાં આવી રહ્યા છે કારણ કે તેમણે ભાજપ સમક્ષ “સમર્પણ કરવાનો ઇનકાર” કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિપક્ષે આરએસએસ-ભાજપ સામેની લડાઈમાં “નિડર” રહેવું જોઈએ.

“દિલ્હી દેશની રાજધાની છે. અમે વિપક્ષમાં રહેલા અમારા મિત્રોને કહેવા માંગીએ છીએ, ગભરાશો નહીં, આશા ગુમાવશો નહીં, આપણે લડીશું અને જીતીશું. આપણે આ દિશામાં મહેનત કરી રહ્યા છીએ… અમારા આખા પરિવાર સામે કેસ ચાલે છે. કેસ દાખલ કરવા માટે ED, CBI જેવી તમામ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જે નેતા સરકારની વિરુદ્ધમાં બોલે છે તેણે ઈડી, સીબીઆઈ, ઈન્કમ ટેક્સની કાર્યવાહીનો સામનો કરવો પડે છે,” એવું તેમણે ઉમેર્યુ હતુ.

તેજશ્વી યાદવે કહ્યું, “દેશની સામે સૌથી મોટો પડકાર RSS છે, જેની દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ ભૂમિકા નહોતી અને તેણે પોતાનો બધો સમય અંગ્રેજોના હિતોને પોષવામાં અને તેમની સેવા કરવામાં વિતાવ્યો હતો. તેનો એજન્ડા સાંપ્રદાયિક સદભાવનાને બગાડવાનો છે અને આપણે તેમની સામે વૈચારિક રીતે લડવાની જરૂર છે,”

વિપક્ષી એકતા માટેના રોડમેપ અંગે આરજેડીના રાજ્ય સભાના સાંસદ મનોજ ઝાએ જણાવ્યુ હતું કે,વિપક્ષ સામાન્ય લોકોના જીવનને અસર કરતા મુદ્દાઓ / સમસ્યાઓ ઉઠાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ અસરકારક મજબૂત વિકલ્પ ઉભો કરી શકે છે. આ મુદ્દાઓ / સમસ્યાઓ અંગે ચર્ચા થશે. મોદીનો વિકલ્પ મુદ્દાઓ છે. શું મોદીનો વિકલ્પ મોદી કરતા વિરાટ હોવો જોઈએ કે આપણા જીવનને અસર કરતી સમસ્યાઓ? આ વાત શેમ્પૂની બોટલને બદલવા જેવી વાત નથી.”

Web Title: Dont dilute 2024 agenda by rjd internal differences says tejashwi yadav

Best of Express