Dussehra 2023 : દેશભરમાં આજે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરા નિમિત્તે દેશભરમાં અનેક સ્થાનો પર રાવણ દહન કરવામાં આવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારકાના રામલીલા મેદાનમાં દશેરા મહોત્સવ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાં ઉપરાંત ચોથું પૂતળું પણ એક રાક્ષસનું બનાવવામાં આવ્યું છે, જે મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તમામ ભારતીયોને વિજયાદશમીના તહેવારની શુભેચ્છા પાઠવું છું. આ તહેવાર અન્યાય પર ન્યાયની જીત છે. અત્યાચારી રાવણ પર ભગવાન શ્રી રામના વિજયનો આ તહેવાર છે. આ ભાવનાથી જ આપણે દર વર્ષે રાવણ દહન કરીએ છીએ. આ તહેવાર આપણા માટે સંકલ્પોનો તહેવાર છે, આપણા સંકલ્પોનું પુનરાવર્તન કરવાનો તહેવાર છે.
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આ ઉત્સવ આપણા માટે સંકલ્પને પુનરાવર્તિત કરવાની તક છે. આ ક્રોધ પર ધીરજની જીતનો પર્વ છે. આ અહંકાર પર વિજયનો પર્વ છે. આ અત્યાચારી રાવણ પર ભગવાન રામની જીતનો તહેવાર છે. આપણે વિજય દશમીની ઉજવણી કરી રહ્યા છીએ, જ્યારે આપણે ચંદ્રમાં ની જીતના બે મહિના પૂર્ણ કર્યા છે. વિજયાદશમી પર શસ્ત્ર પૂજનનો રિવાજ છે, આપણે શસ્ત્રોની પૂજા રક્ષા માટે કરીએ છીએ, હુમલા માટે નહીં.
પીએમએ કહ્યું કે આપણી શક્તિ પૂજા સમગ્ર વિશ્વની સમૃદ્ધિ માટે છે. આપણે ગીતાનું જ્ઞાન જાણીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે INS વિક્રાંત અને તેજસનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું. આપણે ભગવાન રામની મર્યાદાને જાણીએ છીએ અને આપણી સરહદોની રક્ષા કેવી રીતે કરવી તે પણ જાણીએ છીએ. આ દરમિયાન પીએમ મોદીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે સદીઓના ઇન્તજારનો હવે અંત આવી રહ્યો છે. રામ મંદિરનું નિર્માણ આપણી જીત સમાન છે. ભગવાન રામ આવવાના છે. વડાપ્રધાને ‘ભય પ્રકટ કૃપાલા’નો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે વિજયાદશમી ભગવાન રામના વાપસી જેવી છે. ભારતમાં શગુન થઇ રહ્યા છે, આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ, આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ, નવી સંસદ ભવન બની ગઇ છે, મહિલા અનામત બિલ પસાર થઈ ગયું છે અને આ સમયે આખી દુનિયા લોકશાહીની જનનીને જોઈ રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે ભગવાન રામને રામ મંદિરમાં બિરાજમાન થવામાં માત્ર થોડા મહિના જ બાકી છે, ભગવાન શ્રી રામ આવવાના છે. વિજયાદશમીથી જ રામના આગમનની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે આજે આપણને ભગવાન રામના સૌથી ભવ્ય મંદિરનું નિર્માણ થતું જોવાનું સૌભાગ્ય મળ્યું છે. અયોધ્યાની આગામી રામનવમી પર રામલલાના મંદિરમાં ગુંજતો દરેક સ્વર આખી દુનિયાને હર્ષિત કરનાર હશે.
આ પણ વાંચો – 2030 સુધીમાં જાપાનને પાછળ છોડીને ભારત દુનિયામાં ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વિજયાદશમીના લાલ કિલ્લાના મેદાનમાં યોજાનારી શ્રી ધાર્મિક લીલા સમિતિની રામલીલામાં હાજર રહ્યા હતા. બીજી તરફ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાવણ દહન માટે લાલ કિલ્લાના મેદાનમાં આયોજિત લવકુશ રામલીલા પહોંચ્યા હતા. દિલ્હીના લાલ કિલ્લા મેદાનમાં લવકુશ રામલીલા દ્વારા સનાતન ધર્મના વિરોધીઓનું પૂતળું પણ બનાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપરાજ્યપાલ વીકે સક્સેના અને અભિનેત્રી કંગના રનૌત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં વિજયાદશમીના તહેવાર નિમિત્તે ‘વિજય શોભા યાત્રા’માં ભાગ લીધો હતો.





