દિલ્હી એનસીઆરમાં આજે 5.4ની તિવ્રતાનો ભૂકંપ આવતા ફરી ભયનો માહોલ સર્જાયો હતો. દિલ્હીવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે પણ દિલ્હી-એનસીઆરની પ્રજાના મગજને 6ની તિવ્રતાના ભૂકંપના આંચકાએ હચમચાવી દીધુ હતુ. બંને વખત ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળ હતુ. તો જોઈએ 5 વર્ષમાં અત્યાર સુધીમાં ક્યારે-ક્યારે અને કેટલી તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા.
દિલ્હીમાં ભૂકંપના ક્યારે-ક્યારે આંચકા અનુભવાયા
દિલ્હીમાં ભૂકંપના આંચકાની વાત કરીએ તો, અગાઉ 9 નવેમ્બર 2022ના રોજ 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અગાઉ 5 જુલાઈ, 2021ના રોજ 3.7 તીવ્રતાનો, 13 એપ્રિલ, 2020ના રોજ 2.7, 12 એપ્રિલ, 2020ના રોજ 3.7, 20 ડિસેમ્બર, 2019ના રોજ 6.3 અને 24 એપ્રિલ, 2018ના રોજ 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
વૈજ્ઞાનિકો શું કહે છે?
તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે આવેલા ભૂકંપની તીવ્રતા પણ ઘણી વધારે હતી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, 5 થી વધુની તીવ્રતાનો ભૂકંપ દિલ્હી NCR માટે ખતરનાક બની શકે છે. ઘણી વખત લોકો માટે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે, જેથી તેઓ પોતાની સુરક્ષા કરી શકે.
એક અઠવાડીયામાં બીજો મોટો આંચકો
એક અઠવાડિયામાં આ બીજો મોટો આંચકો છે. આ પહેલા મંગળવારે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, મંગળવારે બપોરે 1:57 વાગ્યે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપનું કેન્દ્ર બિંદુ
સિસ્મોલોજી સેન્ટર અનુસાર, તેનું કેન્દ્ર દક્ષિણપૂર્વ નેપાળની સરહદ નજીક પણ હતું. આ સ્થળ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાથી 90 કિમી દૂર છે. ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં મંગળવારના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપનું કારણ
પૃથ્વીની અંદર સાત પ્લેટ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ વધુ અથડાય છે તેને ફોલ્ટ લાઇન ઝોન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે દબાણ વધે છે, પ્લેટો તૂટી જાય છે. તેમના ભંગાણને કારણે, અંદરની ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે. આ પ્રક્રિયા પછી ભૂકંપ આવે છે.