Economic Survey 2024: બજેટ 2024 પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, વૈશ્વિક પડકારો વચ્ચે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ દર 6.5 થી સાત ટકાની વચ્ચે રહેવાની સંભાવના છે. સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ 2023-24માં આ અનુમાન લગાવવામાં આવ્યું છે.
વર્ષ 2024-25 માં વિકાસદર 6.5 થી 7 ટકા રહેવાનો અંદાજ: FM
નાણાકીય વર્ષ 2024-25 માટે અંદાજિત આર્થિક વૃદ્ધિ દર પાછલા નાણાકીય વર્ષ 2023-24 માટે અંદાજિત 8.2 ટકાના આર્થિક વિકાસ દરથી ઓછો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે.
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ) અને એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) જેવી વૈશ્વિક એજન્સીઓનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વેમાં જણાવ્યું છે કે, આર્થિક સર્વેક્ષણમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 6.5 થી 7 ટકા (બંને બાજુ વધ ઘટ સંભવ) રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. બજારની અપેક્ષાઓ ઉચ્ચ સ્તરે છે તે હકીકતને ધ્યાનમાં લેવામાં આવી છે.

સસ્તી આયાતનું જોખમ
આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, અનિશ્ચિત વૈશ્વિક આર્થિક પ્રદર્શન હોવા છતાં, સ્થાનિક મોરચે વૃદ્ધિના મુખ્ય ચાલકોએ 2023-24 માં આર્થિક વિકાસને ટેકો આપ્યો હતો. વધુ સારી બેલેન્સશીટ ખાનગી ક્ષેત્રને મજબૂત રોકાણની માંગને પહોંચી વળવામાં મદદ કરશે. છેલ્લાં ત્રણ વર્ષમાં મજબૂત વૃદ્ધિ પછી, ખાનગી મૂડી ઉત્પાદન થોડું વધુ સાવચેત થઈ શકે છે કારણ કે વધુ ક્ષમતાવાળા દેશોમાંથી સસ્તી આયાત થવાની સંભાવના છે.
આ પણ વાંચો | આર્થિક સર્વે 2024 સંસદમાં રજૂ, વાંચો મુખ્ય મુદ્દાઓ
અમુક વિકસતી અર્થતંત્રોમાં વૃદ્ધિની સંભાવનાઓમાં સુધારો થવાની સાથે, ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસમાં પણ વધુ વધારો થવાની અપેક્ષા છે. આર્થિક સર્વેમાં નિર્મલા સીતારામન એ જણાવ્યું છે કે, આઇએમડી દ્વારા સામાન્ય વરસાદની આગાહી અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સંતોષકારક પ્રસારથી કૃષિ ક્ષેત્રની કામગીરીમાં સુધારો થશે અને ગ્રામીણ માંગની પુન:પ્રાપ્તિને ટેકો મળશે.





