Opposition parties Supreme Court petition : કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત મનસ્વી ઉપયોગને લઈને 14 રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ મામલો વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડ સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે. જે પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે તેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શિવસેનાનો સમાવેશ થાય છે.
તો, સુપ્રીમ કોર્ટ 5 એપ્રિલ, 2023 ના રોજ અરજી પર સુનાવણી કરવા માટે સંમત થઈ છે. તમને જણાવી દઈએ કે, રાજકીય પક્ષોએ તેમની અરજીમાં ધરપકડ, રિમાન્ડ અને જામીન પરના નિયમોનો અમલ કરતી એજન્સીઓ અને અદાલતો માટે માર્ગદર્શિકા બનાવવાની માંગ કરી હતી.
જે પક્ષો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે તેમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, જનતા દળ યુનાઈટેડ, ભારત રાષ્ટ્ર સમિતિ, આરજેડી, સમાજવાદી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ), નેશનલ કોન્ફરન્સ, એનસીપી, સીપીઆઈ, સીપીઆઈએમ અને ડીએમકેનો સમાવેશ થાય છે.
તો, સંસદમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. રાહુલ ગાંધીએ સંસદમાં કોંગ્રેસ સંસદીય કાર્યાલયમાં કોંગ્રેસના સાંસદોની બેઠકમાં પણ હાજરી આપી હતી. પાર્ટીના વડા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ હાજર હતા.
વિપક્ષના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ અદાણી જૂથના મુદ્દાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચના કરવામાં સરકારની નિષ્ફળતા અંગે ચર્ચા કરવા નિયમ 267 હેઠળ બિઝનેસ નોટિસ આપી હતી.
આ પણ વાંચો – રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા, હવે તેમના સાંસદ પદનું શું થશે? શું કહે છે કાયદો
સુરત કોર્ટના નિર્ણય પર કોંગ્રેસ પાર્ટી ભાજપ પર આકરા પ્રહારો કરી રહી છે. બીજી તરફ ભાજપે કહ્યું છે કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી સમુદાયનું અપમાન કર્યું છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, તેઓ (ભાજપ) મુખ્ય મુદ્દાને બાજુ પર રાખવા માટે આવું કરી રહ્યા છે. કોંગ્રેસ હંમેશા OBC, SC, ST, પછાત વર્ગ અને લઘુમતીઓ માટે ઉભી રહી છે અને લડતી રહી છે.