Chhattisgarh Assembly Election 2023 : છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. આ દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધવાની છે. તપાસ એજન્સી ઈડીએ મોટો દાવો કર્યો છે. ઇડીએ દાવો કર્યો હતો કે મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશનના પ્રમોટરોએ અત્યાર સુધીમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યા છે. તપાસ અધિકારીઓએ કહ્યું કે વધુ તપાસ ચાલી રહી છે.
ઇડીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક આરોપી અસીમ દાસની પૂછપરછ કરવામાં આવી હતી અને તેની પાસેથી મળી આવેલા ફોનની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન શુભમ સોનીને મોકલવામાં આવેલા એક ઈ-મેલમાં ઘણા ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મહાદેવ એપના પ્રમોટરો ભૂતકાળમાં ભૂપેશ બઘેલને નિયમિત ચૂકવણી કરતા હોવાનું બહાર આવ્યું હતું અને અત્યાર સુધીમાં આશરે 508 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
આ પણ વાંચો – છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર
વિરોધ પક્ષો સતત ઇડીને નિશાન બનાવી રહ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ગુરુવારે ચૂંટણી પંચને અપીલ કરી હતી કે છત્તીસગઢ આવતા તમામ સ્પેશ્યલ વિમાનોની તપાસ કરવામાં આવે. ભૂપેશ બઘેલે કહ્યું કે આખરે બોક્સમાં શું આવી રહ્યું છે? દરોડાના નામે રાજ્યમાં આવતા ઈડીના વાહનોની તપાસ થવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપને ચૂંટણીમાં હાર દેખાતી હોવાથી બોક્સમાં પૈસા લાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટર્સ વિદેશથી પોતાનો બિઝનેસ ચલાવે છે. તેની મોટાભાગની પેનલ છત્તીસગઢની છે અને તેમણે હજારો કરોડ રૂપિયાની કમાણી પણ કરી છે. EDએ આ કેસમાં પહેલા જ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી અને 450 કરોડથી વધુની આવક પણ જપ્ત કરી હતી. ઇડીએ આ મામલામાં અત્યાર સુધીમાં 14 વ્યક્તિઓ સામે કેસ કર્યો છે.
EDએ આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ ભૂમિ યાદવની પણ ધરપકડ કરી છે અને તેણે કબૂલાત કરી છે કે તે છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી વખત દુબઈની યાત્રા કરી ચુક્યો છે. ત્યાં જઈને તે સટ્ટાબાજી એપના પ્રમોટરોને પણ મળ્યો હતો.





