ED vs Opposition Leaders : ઝારખંડના આઉટગોઇંગ મુખ્યમંત્રી હેમંત સોરેનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સી સોરેન ઉપરાંત વિપક્ષી પાર્ટીઓના ઘણા વર્તમાન અને પૂર્વ મુખ્યમંત્રીઓની પણ તપાસ ચાલી રહી છે. સ્વાભાવિક છે કે, સોરેનને સંડોવતા ઘટનાક્રમ પર આ તમામની ઝીણવટભરી નજર હશે.
ઈડી vs અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસમાં તપાસ એજન્સીનો સામનો કરી રહ્યા છે. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે, તેમની સરકારે 100 કરોડ રૂપિયાની લાંચ લઈને દારૂના વેપારીઓના પક્ષમાં નીતિ બનાવી હતી. કેજરીવાલે અત્યાર સુધીમાં ED ના ચાર સમન્સની અવગણના કરી છે. ED એ તેમને પાંચમી વખત સમન્સ પાઠવ્યા છે અને 2 ફેબ્રુઆરીએ હાજર થવા જણાવ્યું છે.
રેવન્ત રેડ્ડી
તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તપાસ હેઠળ છે. 2015 માં એમએલસી ચૂંટણીમાં તેમની તરફેણમાં મત આપવા માટે નામાંકિત ધારાસભ્યને 50 લાખ રૂપિયાની લાંચ આપવા માટે વિધાનસભામાં તત્કાલિન ટીડીપી નેતા રેડ્ડી સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
પિનરાઈ વિજયન
ED એ એપ્રિલ 2021 માં કેરળના સીએમ પિનરાઈ વિજયન વિરુદ્ધ PMLA તપાસ શરૂ કરી હતી. આ કેસ ઇડુક્કીમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના આધુનિકીકરણ માટે કેનેડિયન ફર્મ એસએનસી લેવલીનને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. ત્યારે વિજયન વીજળી મંત્રી હતા.
વાયએસ જગન મોહન રેડ્ડી
આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડી યુપીએના સમયથી અનેક તપાસનો સામનો કરી રહ્યા છે. ઇડીએ 2015 માં નવા પીએમએલએ કેસમાં તેમની સામે કેસ નોંધ્યો હતો. આ મામલો જગનની માલિકીની ભારતી સિમેન્ટ્સની નાણાકીય બાબતોને લગતો છે.
ભૂપેશ બઘેલ
છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ તેમની સરકાર દરમિયાન કોલસાના પરિવહન, દારૂની દુકાનોના સંચાલન અને મહાદેવ ગેમિંગ એપમાં ગેરરીતિઓ સંબંધિત કથિત મની લોન્ડરિંગના ઓછામાં ઓછા ત્રણ કેસમાં ED તપાસનો સામનો કરી રહ્યા છે.
લાલુ પ્રસાદ યાદવ અને પરિવાર
બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ કથિત IRCTC કૌભાંડ અને નોકરી માટે જમીનના કેસમાં મુખ્ય આરોપી છે. IRCTC કેસ 2017 માં શરૂ થયો હતો. આરોપ છે કે, રેલ્વે મંત્રી તરીકે લાલુ યાદવે IRCTC ની બે હોટલના મેન્ટેનન્સ માટે રાખવામાં આવેલી કંપનીને કથિત લાભો આપ્યા હતા. લેન્ડ ફોર જોબ કેસની તપાસ વર્ષ 2022 માં શરૂ થઈ હતી. લાલુ પરિવાર પર રેલવેમાં નોકરીના બદલામાં પ્લોટ લેવાનો આરોપ છે.
ભૂપેન્દ્રસિંહ હુડ્ડા
હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડાની માનેસર જમીન સોદા અને પંચકુલામાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ને જમીન ફાળવણીના કેસમાં ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીએ પહેલાથી જ AJL કેસમાં હુડ્ડા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા વિરુદ્ધ કાર્યવાહીની ફરિયાદ દાખલ કરી છે.
અશોક ગેહલોત
રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત અને તેમના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટની સાથે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમનું નામ પણ ‘રાજસ્થાન એમ્બ્યુલન્સ કૌભાંડ’ કેસમાં સામેલ છે. આ કેસની તપાસ 2015 માં શરૂ થઈ હતી. એવો આરોપ છે કે, 2010 માં ઝિકિત્જા હેલ્થકેરને ‘108’ એમ્બ્યુલન્સ સેવા ચલાવવાનો કોન્ટ્રાક્ટ છેતરપિંડીથી આપવામાં આવ્યો હતો. પાયલટ અને કાર્તિ એક સમયે કંપનીમાં ડિરેક્ટર હતા. કંપની પર નકલી ઇનવોઇસ સબમિટ કરવાનો આરોપ છે.
અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ ગોમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તેમજ માઇનિંગ કોન્ટ્રાક્ટમાં કથિત ગેરરીતિઓ માટે CBI અને ED બંને દ્વારા તપાસ હેઠળ છે.
માયાવતી
બસપાના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ માયાવતીનું નામ કોઈ પણ કેન્દ્રીય એજન્સીની એફઆઈઆરમાં નથી, પરંતુ તેમના સીએમ કાર્યકાળ દરમિયાનની ઘણી યોજનાઓની તપાસ ચાલી રહી છે.
ફારુક અબ્દુલ્લા
જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન (JKCA) ને BCCI દ્વારા આપવામાં આવેલી અનુદાનમાં કથિત અનિયમિતતાના સંબંધમાં જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા તપાસ હેઠળ છે.
ઓમર અબ્દુલ્લા
ફારુક અબ્દુલ્લાના પુત્ર અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાની ED દ્વારા 2022 માં જમ્મુ અને કાશ્મીર બેંકની નાણાકીય બાબતો અને તેના ડિરેક્ટરોની નિમણૂક સાથે સંબંધિત મની લોન્ડરિંગના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી હતી.
મહેબૂબા મુફ્તી
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી જમ્મુ અને કાશ્મીર બેંક કેસમાં ED ની તપાસનો સામનો કરી રહી છે, જે ED દ્વારા દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલી બે ડાયરીઓના આધારે અહેવાલ છે. ડાયરીઓમાં કથિત રીતે મુફ્તી પરિવારને કરવામાં આવેલી ચૂકવણીનો ઉલ્લેખ છે.
નબામ તુકી
જુલાઈ 2019 માં, CBI એ અરુણાચલના પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો. CBI FIR ના આધારે, ED કથિત મની લોન્ડરિંગ માટે તુકીની તપાસ કરી રહી છે, જેમાં આરોપ છે કે, તત્કાલીન મંત્રી તુકીએ તેના ભાઈ સાથે મળીને નાણાંની ઉચાપત કરી હતી.
ઓકરામ ઇબોબી સિંહ
નવેમ્બર 2019માં, સીબીઆઈએ કથિત ભ્રષ્ટાચાર માટે મણિપુરના પૂર્વ સીએમ ઓકરામ ઈબોબી સિંહના નિવાસસ્થાને સર્ચ કર્યું હતું. આ મામલો મણિપુર ડેવલપમેન્ટ સોસાયટીમાં 332 કરોડ રૂપિયાની કથિત ગેરરીતિ સાથે સંબંધિત છે. ઇબોબી મણિપુર ડેવલપમેન્ટ સોસાયટીના પ્રમુખ રહી ચૂક્યા છે. CBI કેસના આધારે EDએ PMLA કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો – હેમંત સોરેનની ઇડીએ કરી ધરપકડ, સીએમ પદેથી આપ્યું રાજીનામું, ચંપઇ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે
શંકરસિંહ વાઘેલા
CBI અને ED ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા સામે કેન્દ્રીય કાપડ મંત્રી હતા ત્યારે મુંબઈમાં કિંમતી જમીન વેચીને સરકારી તિજોરીને રૂ. 709 કરોડનું નુકસાન પહોંચાડવાના કેસની તપાસ કરી રહી છે. સીબીઆઈએ 2015 માં તેમની સામે કેસ નોંધ્યો હતો. જ્યારે ઇડીએ ઓગસ્ટ 2016 માં તપાસ શરૂ કરી હતી. વાઘેલાએ પીએમ નરેન્દ્ર મોદી અને તત્કાલીન બીજેપી અધ્યક્ષ અમિત શાહને “હુલ્લડ નિષ્ણાત” ગણાવ્યા હતા. હજુ તપાસ ચાલુ છે.
શરદ પવાર
NCP ના વડા શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર, જે હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે, મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકની કામગીરીમાં કથિત ગેરરીતિઓ માટે ED મની લોન્ડરિંગ તપાસનો સામનો કરી રહ્યા છે.