મહારાષ્ટ્રના રાજકારણમાં નવા-જૂની થવાના એંધાણ છે. ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેની શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે રવિવારે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા ખાતે પાર્ટીની રેલીને સંબોધિત કરવા માટે તૈયારી કરી રહ્યા છે, ત્યારે તેમના શિવસેના જૂથે દાવો કર્યો છે કે રાજ્યમાં એકનાથ શિંદેની સરકાર 15 દિવસમાં પડી ભાંગશે.
ઉદ્ધવ ઠાકરે જૂથના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકર (UBT) જૂથની સેનાના પ્રમુખ પ્રવક્તા સંજય રાઉતે જલગાંવમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે જણાવ્યું હતું કે “શિંદે સરકારનું ડેથ વોરંટ… સરકાર 15 દિવસમાં પડી ભાંગશે.” નોંધનીય છે કે, શિવસેના પાર્ટી જલગાંવમાં શક્તિ પ્રદર્શનની તૈયારી કરી રહી છે.
રાઉતે કહ્યું કે, તેમણે અગાઉ પણ ભવિષ્યવાણી કરી હતી કે શિંદે સરકાર 15 દિવસમાં પડી ભાંગશે. “પરંતુ તેવું બન્યું નહીં કારણ કે આ મામલે સુપ્રીમ કોર્ટની સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી. હવે જ્યારે કોર્ટનો ચુકાદો આવી જશે, ત્યારે શિંદે સરકાર પડી જશે….”
શનિવારે, રાઉતે દાવો કર્યો હતો કે ભાજપે મુખ્યમંત્રીને તેમની બેગ પેક કરવા જણાવ્યુ હતું. ઉપરાંત એનસીપી નેતા અજિત પવારની ટિપ્પણીનો પ્રત્યુત્તર આપી રહ્યા હતા કે, તેઓ મુખ્યમંત્રી પદ માટે દાવો કરવા તૈયાર છે. અજિત પવારે શુક્રવારે પિંપરી ચિંચવડમાં સકલ જૂથ દ્વારા એક ઇન્ટરવ્યૂહમાં કહ્યું હતું કે, “માત્ર 2024માં જ નહીં, બલ્કિ હાલમાં પણ હું મુખ્યમંત્રી પદ માટે દાવો કરવા તૈયાર છું.”
આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે રવિવારે પચોરામાં પાર્ટીની રેલીને સંબોધિત કરવાના છે, ત્યારે જલગાંવમાં સેનાના બે જૂથો વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રના પાણી પુરવઠા પ્રધાન શિંદે સેના જૂથના નેતા ગુલાબરાવ પાટીલે કહ્યું કે, તેમનું જૂથ પથ્થરમારો કરીને ઉદ્ધવ ઠાકરેની રેલીને તોડી શકે છે. તો સામે વળતો પ્રહાર કરતા રાઉતે આરોપ લગાવ્યો હતો કે, પાટીલ કોવિડ-19 મહામારી દરમિયાન હોસ્પિટલો માટેના સાધનોની ખરીદીમાં કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા હતા.