ચૂંટણી પંચે સોમવારે રાજકીય પક્ષો અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ અરવિંદ કેજરીવાલના નેૃતત્વ હેઠળની આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય કક્ષાની રાજકીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે જ્યારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી), ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસ (એઆઇટીસી) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆઇ) પાસેથી આવો દરજ્જો છિનવી લીધો છે.
ચૂંટણી પંચે શું કહ્યું ?
ઇલેક્શન કમિશને કહ્યું કે, આમ આદમી પાર્ટીને ચાર રાજ્યો – દિલ્હી, પંજાબ, ગુજરાત અને ગોવામાં યોજાયેલી ચૂંટણીમાં દેખાવના આધારે રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. જેમાં દિલ્હી અને પંજાબ રાજ્યમાં આમ આદમી પાર્ટીની સત્તા છે.
ચૂંટણી પંચે જુલાઈ 2019માં ત્રણેય પક્ષોને શો-કોઝ નોટિસ જારી કરી હતી, જેમાં તેઓને તે વર્ષે લોકસભા ચૂંટણીમાં તેમના પ્રદર્શન બાદ તેમનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો કેમ રદ ન કરવો જોઈએ તે જણવવા નિર્દેશ કર્યો હતો.
હાલ કેટલા રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષો છે
હાલ ભારતમાં ભાજપ, કોંગ્રેંસ, માકપા, બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) અને નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) તેમજ આમ આદમી પાર્ટી પાસે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છે. સોમવારે એક આદેશમાં ચૂંટણી પંચે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોકદળ, આંધપ્રદેશમાં બીઆરએસ, મણિપુરમાં પીડીએ, પોંડુચેરીમાં પીએમકે, પશ્ચિમ બંગાળમાં આરએસપી અને મિઝોરમમાં એમપીસીને આપવામાં આવેલો રાજય પાર્ટીનો દરજ્જો પણ રદ કર્યો છે. ચૂંટણી પંચે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું કે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆ)નો રાજ્ય પાર્ટી અને રાષ્ટ્રીય પક્ષ તરીકે દરજ્જો રદ કર્યો છે.
આપ પાર્ટીને ફાયદો, અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું –
ચૂંટણી પંચના આ નિર્ણયથી અરવિંદ કેજરીવાલને ફાયદો થયો છે કારણ કે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો છે જ્યારે સીપીઆઇ, એનસીપી અને એઆઇટીસી ને મોટો ફટકો લાગ્યો છે અને હવે તેમની પાસે પ્રાદેશિક રાજકીય પક્ષ તરીકેનો જ દરજ્જો છે.
ચૂંટણી પંચના નિર્ણય પર નિવેદન આપતા આપ પાર્ટી સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું કે, “આટલા ઓછા સમયમાં રાષ્ટ્રીય પક્ષ? આ કોઈ ચમત્કારથી ઓછું નથી. દેશના કરોડો લોકોએ અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે. લોકોને અમારી પાસેથી ઘણી અપેક્ષા છે. આજે લોકોએ અમને બહુ મોટી જવાબદારી સોંપી છે, પ્રભુ, અમને આ જવાબદારી સારી રીતે નિભાવવા આશીર્વાદ આપો.”
રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો કેવી રીતે નક્કી થાય છે?
ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર – 1968ની કલમ 6B હેઠળ જો પક્ષ ચાર કે તેથી વધુ રાજ્યોમાં માન્ય રાજ્ય પક્ષ હોય તો તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે ગણવામાં આવે છે; જો તેના ઉમેદવારોએ છેલ્લી લોકસભા અથવા વિધાનસભા ચૂંટણીમાં ચાર કે તેથી વધુ રાજ્યોમાં માન્ય મતોના ઓછામાં ઓછા 6% મત મેળવ્યા હોય અને છેલ્લી ચૂંટણીમાં તેના ઓછામાં ઓછા ચાર સાંસદો ચૂંટાયા હોય અથવા જો તે ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં સીટ કુલ લોકસભાની ઓછામાં ઓછા બે ટકા બેઠકો જીતે, તો તેને રાષ્ટ્રીય પક્ષ ગણવો.
દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી જંગી બહુમતી સાથે સત્તામાં આવી છે, બહુ મોટો વોટ શેર ધરાવે છે. માર્ચમાં યોજાયેલી ગોવા વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 6.77% મત મળ્યા હતા. તો ગયા વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી.