Election ink | અમિટ શાહી (ઈલેક્શન ઈંક) : હવે જો તમે મતદાન કર્યું હશે તો, તમારે તમારી આંગળી પર લગાવેલી વાદળી શાહી યાદ હશે. લોકો શાહીવાળી આંગળીની સ્પષ્ટ સેલ્ફી લઈને તેને યાદગાર બનાવે છે. શું તમે જાણો છો કે, આ શાહી ક્યાં બને છે અને તેનો ઇતિહાસ શું છે? તમને આ અંગે ઘણા પ્રશ્નો હોઈ શકે છે. ચાલો આ પ્રશ્નોના જવાબો વિગતવાર સમજીએ.
ઈલેક્શન ઈંક (ચૂંટણી શાહી) કેમ લગાડવામાં આવે છે?
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, વોટિંગ દરમિયાન આંગળી પર શાહી લગાવવામાં આવે છે જેથી કરીને મતદાર ફરી વોટ ન કરી શકે. નકલી મતદાન અટકાવવા માટે આવું કરવામાં આવે છે. આ શાહી આંગળીમાંથી જલ્દી ભૂંસી શકાતી નથી. તેનુ નિશાન આંગળી પર લાંબા સમય સુધી રહે છે. ખાસ વાત એ છે કે, આ શાહી આંગળી પર લગાવ્યા બાદ માત્ર 40 સેકન્ડમાં જ સંપૂર્ણપણે સુકાઈ જાય છે.
ઈલેક્શન ઈંક (ચૂંટણી શાહી) ક્યાંથી આવે છે?
લોકો તેને ચૂંટણીની શાહી (ઈલેક્શન ઈંક) અથવા અદમ્ય શાહી તરીકે ઓળખે છે. ભારતમાં માત્ર એક જ કંપની આ શાહી બનાવે છે. દક્ષિણ ભારતમાં સ્થિત મૈસુર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ (MVPL) નામની કંપની આ શાહી બનાવે છે. આ કંપનીની સ્થાપના 1937 માં મૈસુર પ્રાંતના તત્કાલીન મહારાજા નલવાડી કૃષ્ણરાજા વોડેયારે કરી હતી. કંપની આ શાહી માત્ર સરકાર અને ચૂંટણી સંબંધિત એજન્સીઓને જ પૂરી પાડે છે. આ શાહી બજારમાં વેચાણ માટે આપવામાં આવતી નથી. આ કંપનીની ઓળખ આ શાહી વિશે જ છે.
ઈલેક્શન ઈંક ઈતિહાસ શું છે?
આ કંપનીનો ઈતિહાસ કર્ણાટકના મૈસૂરમાં વાડિયાર વંશ સાથે જોડાયેલો છે. આ રાજવંશની ગણતરી વિશ્વના સૌથી ધનિક શાહી પરિવારોમાં થતી હતી. આઝાદી પહેલા મહારાજા કૃષ્ણરાજ વાડિયાર અહીંના શાસક હતા. વાડિયારે વર્ષ 1937 માં મૈસૂર લેક એન્ડ પેઇન્ટ્સ નામની પેઇન્ટ અને વાર્નિશ ફેક્ટરી ખોલી. જ્યારે દેશને આઝાદી મળી ત્યારે આ કંપની કર્ણાટક સરકાર પાસે ગઈ.
આ શાહી શા માટે જરૂરી હતી?
દેશમાં પ્રથમ વખત 1951-52 માં ચૂંટણી યોજાઈ હતી. પછી ઘણા લોકોએ એક કરતા વધુ વોટ આપ્યા. લોકોને ઓળખવા પણ મુશ્કેલ બની રહ્યા હતા. આ અંગે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. ચૂંટણી પંચ આ સમસ્યાનો ઉકેલ શોધી રહી હતી. ચૂંટણી પંચ એવી શાહી શોધી રહ્યું હતુ, જે સરળતાથી ભૂંસી ન શકાય. ચૂંટણી પંચે આ માટે નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા (NPL) નો સંપર્ક કર્યો હતો. આ પછી, એનપીએલે એવી અમિટ શાહી તૈયાર કરી, જેને ન તો પાણી દ્વારા અને ન તો કોઈ રસાયણ દ્વારા દૂર કરી શકાય છે. આ શાહીનો ઉપયોગ 1962 ની ચૂંટણીથી થઈ રહ્યો છે.
આ પણ વાંચો – ખેતી તો ચીન પણ કરે છે, અને ખેડૂતો તો અમેરિકામાં પણ છે… તો પછી ભારત કેમ આટલું પરેશાન
શા માટે આ શાહી ભૂંસાતી નથી?
આ શાહી બનાવવાની ફોર્મ્યુલા સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી છે. જો કે તેમાં સિલ્વર નાઈટ્રેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ આ કેમિકલ હવાના સંપર્કમાં આવતા જ માત્ર 40 સેકન્ડમાં સુકાઈ જાય છે. એકવાર ત્વચા પર લાગુ કર્યા પછી, તેને ઓછામાં ઓછા 72 કલાક સુધી દૂર કરી શકાતી નથી. સિલ્વર નાઈટ્રેટ આપણા શરીરમાં રહેલા ક્ષાર સાથે ભળીને સિલ્વર ક્લોરાઈડ બનાવે છે. તેના પર ન તો પાણીની કોઈ અસર થાય છે અને ન તો તેને સાબુથી સરળતાથી દૂર કરી શકાય છે.