દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને સોશિયલ મીડિયા કંપની ટ્વિટરના માલિક એલોન મસ્કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટર પર ફોલો કરવાનું શરૂ કર્યું છે. અબજોપતિ એલોન મસ્ક દુનિયાના અમુક જ જાણીતા નેતાઓને ફોલો કરે છે, ત્યારે પીએમ મોદીને ફોલો કરવાનું શરૂ કરતા વિવિધ પ્રકારની અટકળો તેજ થઇ ગઇ છે. નોંધનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીને ટ્વિટર પર 87 મિલિયનથી વધારે લોકો ફોલો કરે છે. નરેન્દ્ર મોદીની ગણતરી દુનિયામાં સૌથી વધારે ફોલો કરવામાં આવતા અમુક લોકપ્રિય નેતાઓમાં થાય છે.
એલોન મસ્કના ટ્વિટર એકાઉન્ટ પર થતી એક્ટિવિટીને ટ્રેક કરનાર ટ્વિટર એકાઉન્ટર ‘Elon Alerts’ એ સૌથી પહેલા જાણકારી શેર કરી. સોશિયલ મીડિયા યુઝર્સે મસ્ક દ્વારા ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદીને ટ્વિટર પર ફોલો કરવા મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ટ્વિટર યુઝર્સે દાવો કર્યો છે કે,એલોન મસ્ક દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને ફોલો કરવા, એ વાતના સંકેત આપે છે કે, ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી કરશે.
એલોન મસ્ક માત્ર 194 વ્યક્તિઓને જ ફોલો કરે છે
તમને જણાવી દઈએ કે એલોન મસ્ક દુનિયાભરમાં કુલ 194 ટ્વિટર એકાઉન્ટને ફોલો કરે છે. તેમાં ટ્વિટર અને તેમની અન્ય કંપનીઓના કેટલાક એકાઉન્ટનો સમાવેશ થાય છે. ઉપરાંત તેઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (@BarackObama), બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક (@RishiSunak), માઇક્રોસોફ્ટના ચેરમેન અને સીઇઓ સત્ય નડેલા (@SatyaNadella), એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (@GretaThunberg), લેખ J.K. Rowling (@jk.rowling) સહિત ઘણી જાણીતી હસ્તીઓને ફોલો કરે છે.
તમને જણાવી દઈએ કે એલોન મસ્કે ટ્વિટર પર પીએમ નરેન્દ્ર મોદીને ફોલો કર્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ટેસ્લા કંપની ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરી શકે છે. નોંધનીય છે કે, ટ્વિટર પર કુલ 13.4 કરોડ લોકો એલોન મસ્કને ફોલો કરે છે. અબજોપતિ એલોન મસ્કએ ઓક્ટોબર 2022માં માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર કંપનીને 44 અબજ ડોલરની ડીલમાં ટેકઓવર કરી હતી અને ત્યારબાદ કંપનીના ટોચના ઘણા અધિકારીઓને બહારનો રસ્તો દેખાડ્યો હતો. તાજેતરમાં જ એલોન મસ્કે ટ્વિટર લોગો બદલ્યો છે, અને બ્લુ બર્ડને સ્થાને ડોગનો સિમ્બોલ મૂક્યો હતો. જો કે થોડાક જ દિવસ બાદ ટ્વિટરે તેનો લોગો બદલીને ફરી બ્લુ બર્ડને કર્યો હતો.