Farmers Protest Live Updates : ખેડૂતો પોતાની માંગણીઓ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. આમાં 200થી વધુ ખેડૂત યૂનિયન અને ખેડૂત મોરચા તેમાં સામેલ છે. જોકે દિલ્હી પોલીસે પણ ખેડૂતોને રોકવા માટે અનેક કડક વ્યવસ્થા કરી છે. ખેડૂતો એમએસપી કાયદાની ગેરંટી, સ્વામીનાથન ફોર્મ્યુલા લાગુ કરવા વગેરેની માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ ડિસેમ્બર 2023માં દિલ્હી ચલો માર્ચની જાહેરાત કરી હતી.
ખેડૂતોનો આ વિરોધ એ સમયની યાદ અપાવે છે, જે દિલ્હીની સરહદો પર એક વર્ષ સુધી ચાલ્યો હતો. ખેડૂતોના વિરોધ વચ્ચે મોદી સરકારને ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની ફરજ પડી હતી. સરકાર દ્વારા આ ત્રણ કાયદા પાછા ખેંચવાથી કિસાન યૂનિયનોમાં ઘણો બદલાવ આવ્યો છે. સંયુક્ત કિસાન મોરચો અને ભારતીય કિસાન યૂનિયન, જેમણે 2020ના ખેડૂત આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેઓ આ વખતે આગળ નથી.
સંયુક્ત કિસાન મોરચો (બિન-રાજકીય)
તે સંયુક્ત કિસાન મોરચાનું એક જૂથ છે, જેની રચના નવેમ્બર 2020માં દિલ્હીમાં ખેડૂતોના પ્રથમ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરવા માટે કરવામાં આવ્યું હતું. તે મુખ્ય એસકેએમથી અલગ પડી ગયું હતું, જ્યારે એસકેએમએ 2022માં ઘણા જુદા જુદા સમૂહોને જોડ્યા હતા. જગજીત સિંહ દલ્લેવાલની આગેવાની હેઠળના આ જૂથે કહ્યું હતું કે તેઓ બિનરાજકીય છે.
કિસાન મજદૂર મોર્ચા
કિસાન મજદૂર મોરચાનું નેતૃત્વ સરવનસિંહ પંઢેર કરી રહ્યા છે. આ સંગઠન 2020ના વિરોધનો ભાગ ન હતું. મંગળવારે પંઢેરે કહ્યું હતું કે ખેડૂતોનો વિરોધ રાજકીય નથી. જે કહેવામાં આવી રહ્યું છે તેનાથી વિપરીત વિરોધીઓને કોંગ્રેસનું સમર્થન નથી. અમે કોંગ્રેસ પર એટલો જ આરોપ લગાવીએ છીએ જેટલો અમે ભાજપને આપીએ છીએ. અમે ડાબેરીઓને પણ ટેકો આપતા નથી. પશ્ચિમ બંગાળમાં જ્યાં ડાબેરીઓએ આટલા વર્ષો સુધી શાસન કર્યું છે ત્યાં કઇ ક્રાંતિ થઈ છે? અમે કોઈ રાજકીય પક્ષની તરફેણમાં નથી.
આ વખતે ખેડૂતોના નેતા કોણ છે?
વર્ષ 2020-21માં થયેલા ખેડૂત આંદોલનનું નેતૃત્વ રાકેશ ટિકૈત અને ગુરનામ સિંહ ચઢૂની જેવા બે અગ્રણી નેતાઓએ કર્યું હતું. આ વખતે ટિકૈત અને ચઢૂની બંને આંદોલનથી ગાયબ છે. પંજાબના ખેડૂત નેતાઓ જગજીતસિંહ દલ્લેવાલ અને સરવનસિંહ પંઢેર વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે. દલલેવાલ કિસાન મજદૂર મોર્ચા (કેએમએમ)ના નેતા છે.
આ પણ વાંચો – ખેડૂત વિરોધ પ્રદર્શન : ટ્રેકટર ટ્રોલી સાથે ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ શરૂ, છાવણીમાં ફેરવાઈ દિલ્હી બોર્ડર
રાકેશ ટિકૈત અને ભારતીય કિસાન યુનિયન ક્યાં છે?
એસકેએમએ દિલ્હી ચલો માર્ચથી પોતાને દૂર કરી દીધા છેય. જોકે તેમણે ટિકા કરી છે કે કેવી રીતે લોકોને ડરાવવા માટે આતંકનો માહોલ બનાવવામાં આવ્યો છે. એસકેએમ અને અન્ય કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 16 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલ અને ગ્રામીણ બંધનું આહ્વાન કર્યું છે.
એસકેએમએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટ કરવા અપીલ કરી છે કે તેમની સરકાર 16 ફેબ્રુઆરીએ ખેડૂતો અને કામદારોના મંચ પરથી દેશવ્યાપી ગ્રામીણ બંધ અને ઔદ્યોગિક / ક્ષેત્રીય હડતાલના આહ્વાન સાથે લોકોની આજીવિકાની માંગણીઓ પર ચર્ચા કરવા કેમ તૈયાર નથી.
16 ફેબ્રુઆરીએ ભારત બંધનું સમર્થન કરશે – રાકેશ ટિકૈત
ખેડૂત નેતા રાકેશ ટિકૈત (ભારતીય કિસાન યુનિયન) પણ આ દિલ્હી ચલો વિરોધ પ્રદર્શનથી દૂર છે. જોકે તેમણે કહ્યું કે તેઓ 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું સમર્થન કરશે. ટિકૈતે કહ્યું કે અમે 16 ફેબ્રુઆરીએ ‘ભારત બંધ’નું આહ્વાન કર્યું છે. કેટલાક ખેડૂત જૂથો તેનો ભાગ છે, જેમાં સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) નો પણ સમાવેશ થાય છે. ખેડૂતોએ પણ તે દિવસે પોતાના ખેતરમાં ન જવું જોઈએ અને હડતાળ કરવી જોઈએ.
આ પહેલા પણ ખેડૂતો અમાસના દિવસે ખેતરોમાં કામ કરતા નથી. એ જ રીતે 16 ફેબ્રુઆરીએ ખેડૂતોની અમાસ છે. તેઓએ તે દિવસે કામ ન કરવું જોઈએ અને કૃષિ હડતાળ પર જવું જોઈએ નહીં. તેનાથી દેશમાં એક મોટો સંદેશો જશે.